મહિસાગર: કોરોના મહામારીના કારણે ઉદ્યોગ ધંધા બંધ રહેવાના કારણે નાના વ્યવસાયકારો, વેપારીઓ, શ્રમિકો ધણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. લોકડાઉનના કારણે આવકનું સાધન બંધ થવાના કારણે કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેવા સમયે રાજય સરકાર દ્વારા આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા નાના માણસો માટે ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’ની જાહેરાત કરવામાં આવી છે.
રૂપિયા 5 હજાર કરોડના પેકેજની જાહેરાત રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાજેતરમાં કરી છે. જેના કારણે રાજયના 10 લાખથી વધુ નાના ધંધા રોજગાર વ્યવસાયકારો જેમાં ધોબી, વાળંદ, ઈલેકટ્રીક, કરિયાણાની દુકાનો બાંધકામ શ્રમિકોને બે ટકાના દરે એક લાખ સુધીની લોન મળશે. આ યોજના હેઠળ તા.21મે થી રાજયની સહકારી બેંકો તથા ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટીઓમાં શરૂ કરવામાં આવશે. બે ટકાના સસ્તા દરે લોન મળવાથી લાખો શ્રમિકોનેસીધો ફાયદો થશે.
મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલા આત્મનિર્ભર ગુજરાત યોજના વિશે મહિસાગર જિલ્લાના નાના-નાના વેપારીઓ શું કહે છે આવો જાણીએ. લુણાવાડાના ટાયરના વેપારી યોગેન્દ્ર કુમાર પંડ્યા જણાવે છે કે લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં ધંધા-રોજગાર ઠપ છે ત્યારે સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના શરૂ કરીને અમારા ધંધા-રોજગારને વેગ મળે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે તે બિરદાવવા પાત્ર છે. તેમજ બે ટકાના નજીવા દરે લોનની વ્યવસ્થા, અમારા જેવા વેપારીને ઘણી મદદરૂપ બની રહેશે.તે માટે હું સરકારનો આભાર માનું છું.
અન્ય એક વેપારી હિતેષભાઇ કે જેઓ દરજી કામ સાથે સંકળાયેલા છે કહે છે કે લોક ડાઉનના કારણે ધંધા બંધ હોવાથી આર્થિક સદ્ધરતા નીચી આવી છે.ત્યારે સરકાર દ્વારા આત્મ નિર્ભરતા અભિયાન ચલાવીને અમારા જેવા વેપારીઓને જે એક લાખની મદદ કરવાની યોજના બહાર લાવવામાં આવી છે તે ઠપ થયેલા અમારા ધંધામાં પ્રાણ ફુંકશે જે માટે અમે સરકારના આભારી છીએ. વિશાલકુમાર ડબગર કે જેઓ કલરકામની મજૂરી સાથે સંકળાયેલા છે તેઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં કહે છે કે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આત્મનિર્ભર યોજના થકી અમારા જેવા ઘણા મજુર તેમજ અન્ય ધંધાદારી વર્ગ અને વેપારીઓને રાહત મળશે તેમજ આર્થિક સ્તર સુધરશે. જેનો તમામ શ્રેય સરકારની નાગરિકો માટેની કટિબદ્ધતા ને જાય છે તેના અમે સૌ આભારી છીએ.