મહીસાગર:ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં કોવિડ-19 જન આંદોલન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે જન આંદોલન અભિયાનના ભાગ રૂપે મહીસાગર કલેકટર દ્વારા કોરોના જાગૃતિ માટે શપથની અપીલ કરવામાં આવી હતી.
ભારત સરકાર દ્વારા કોવિડ-19 જન આંદોલન અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજયમાં પણ કોરોના મહામારીમાં અટકાયત અંગે આ જન આંદોલનના ભાગરૂપે 15 મી ઓક્ટોબર 2020ના રોજ સમગ્ર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ કોર્પોરેશનો, નિગમો સહિત જિલ્લાના પ્રબુધ નાગરિકો, ધર્મગુરૂઓ, સામાજિક-સ્વૈચ્છિક સંગઠનો, વ્યાપારીઓ, મહાજનો, અને સમાજના તમામ વર્ગોને કોરોના જાગૃતિ માટેના શપથ ગ્રહણ કરવા કલેક્ટર આર.બી.બારડે અપીલ કરી હતી.
આ જન આંદોલનના ભાગરૂપે સમાજના તમામ વર્ગોએ હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ કે સેનિટાઇઝરનો ઉપયોગ કરીશ, મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પધ્ધતિઓ અપનાવીશ અને યોગ-વ્યાયામ ઇત્યાદિથી જીવનશૈલી સુધારીશ તથા મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બિમાર લોકોની વિશેષ કાળજી રાખીશ તેવા શપથ ગ્રહણ કરવા કલેક્ટરે અનુરોધ કર્યો હતો.