લુણાવાડા : નાગરિકોમાં કોરોનાને લઇને ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી મગંળવારે લાયઝન અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ મામલતદાર સહિતની આરોગ્યની ટીમ દ્વારા સંતરામપુર નગરપાલિકાના ગોધરા ભાગોળ વિસ્તારમાં તેમજ વિરપુર ગામમાં વિવિધ દુકાનદારો શાકભાજી-ફ્રુટની લારીઓની મુલાકાત લીધી હતી.
દરમિયાન આરોગ્યની ટીમ દ્વારા સંતરામપુરમાં 35 અને વિરપુરમાં 28 વેપારીઓના મળી કુલ 63 એન્ટી જન રેપીડ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જે તમામના રીપોર્ટ નેગેટિવ આવતા આ તમામ વેપારીઓને ગ્રીન કાર્ડ આપવામાં આવ્યા હતા. જયારે કડાણા તાલુકાના મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા કડાણા ગામના કન્ટેન્મેટન્ટ વિસ્તારમાંથી કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આ ટીમ દ્વારા દરેક દુકાનદારો અને શાકભાજીનો વ્યવસાય કરતા વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કની ઉપયોગીતા અને સેનેટાઇઝરના ઉપયોગ વિશે તેમજ માસ્ક પહેર્યા વગર આવતા ગ્રાહકોને માલ ન આપવા તેમજ દુકાનમાં-લારી પર સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા જાવ્યું હતું. તો આ સાથે જ નાગરિકોને પણ માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવા, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા અને વારંવાર સાબુથી કે હેન્ડે સેનેટાઇઝરનો ઉપયોગ કરી હાથ ધોવા અંગે સમજ આપવામાં આવી હતી.