- મહિસાગરમાં વાઈરલ રોગચાળો વધ્યો
- વાઈરલ શરદી, ખાંસી, તાવ અને ડેન્ગ્યુના કેસ
- રોગચાળાને લઈને દવાખાનાઓમાં દર્દીઓની ભીડ
મહીસાગર: બાલાસિનોર નગર અને આસપાસનો વિસ્તાર છેલ્લાં દસ દિવસથી તાવ, શરદી અને ખાંસી સાથેના વાઈરલ રોગચાળાના ભરડામાં આવ્યો છે. લગભગ 200 જેટલા દર્દીઓ આ રોગચાળાના ભોગ બનેલા હોવાનું જણાય છે. રોગચાળાને લઈને ખાનગી દવાખાના અને સરકારી દવાખાનાઓ પણ દર્દીઓની ભીડ થાય છે. જેથી વાઈરલ રોગચાળાને લઈ પ્રજાજનોમાં ફફડાટ વ્યાપ્યો છે.
એક અઠવાડિયામાં 200 ઉપરાંત વાઈરલ કેસ અને ડેન્ગ્યુના પણ 6 કેસ સામે આવ્યા
આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર છેલ્લા દસ દિવસોમાં વાઈરલ શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણો સાથે બાલાસિનોરનગર અને આસપાસના વિસ્તારના દર્દીઓ નગરના વિવિધ દવાખાનાઓમાં સારવાર માટે આવતા દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. કેટલાક ઈન્ડોર તો કેટલાક આઉટડોર સારવાર લઇ રહ્યા છે. કેટલાક ખાનગી દવાખાનાઓમાં મોડા સમય સુધી દર્દીઓ ઉભા હોય છે. રોગચાળાને લઈને ખાનગી દવાખાના અને સરકારી દવાખાનાઓ પણ દર્દીઓની ભીડ થાય છે. મળતી વિગતો અનુસાર છેલ્લા એક અઠવાડિયામાં 200 ઉપરાંત વાઈરલ કેસ અને ડેન્ગ્યુના પણ 6 કેસ સામે આવ્યા છે. રોગચાળાને નિયંત્રણમાં લેવા અસરકારક પગલાં આરોગ્ય વિભાગ દ્વારા લેવાય તે જરૂરી બન્યું છે.
દર્દીઓને તપાસતા તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો
બાલાસિનોર નગરની KMG હોસ્પિટલના ડોક્ટર જયપ્રકાશ પટેલના જણાવ્યા મુજબ હમણાં દર્દીઓની સંખ્યા વધી છે. 40 દર્દીઓને તપાસતા 20 દર્દીઓને વાઈરલ તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણોના દર્દીઓ જોવા મળે છે. આ સાથે ડેન્ગ્યુના 5 કેસ પણ આવ્યા છે. તેઓ વધુમાં જણાવે છે કે, ખાસ ચોમાસાની ઋતુમાં દેખાતા આ રોગચાળામાં સ્વચ્છતા જાળવવી જરૂરી છે. પાણી ભરાઈ રહેતા મરછર થતાં પણ આ રોગચાળો ફેલાઇ શકે છે. આ રોગચાળામાં દર્દીએ ઉકાળેલું પાણી પીવું, બહાર જમવાનું અને નાસ્તો લેવો નહીં અને હ્યુમિનીટી વધે તેવો ખોરાક લેવો જોઈએ.