મહીસાગર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખારોલ નવા રાબડિયા ગામની સગર્ભા મહિલા કે, જેને લુણાવાડાની જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જેને સેપ્ટીડસેમિયા હોવાનું નિદાન થતાં ગાયનેકોલોજીસ્ટિ ડૉ.પાર્થે પરિવારને વડોદરા ખાતે એસ.એસ.જી. હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઇ જવાનું જણાવતાં સગર્ભા મહિલા અને તેમનો પરિવાર વધુ સારવાર અર્થે વડોદરા જવા તૈયાર ન હતો. આ સમયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર પણ હાજર હતા.
ડૉ.પાર્થે લુણાવાડાના તાલુકા આરોગ્ય અધિકારીને આ અંગેની જાણ કરતાં તાલુકા આરોગ્ય અધિકારીએ ખૂબ સમજાવ્યા અને ગામના સરપંચે પણ સમજાવ્યા પરંતુ માનતા ન હતા. જેથી તેઓએ ડૉ.સીંઘ (QAMO)ને જાણ કરવામાં આવતાં ડૉ.સીંઘે લુણાવાડાના પ્રાંત અધિકારીને દર્દી સારવાર કરાવવા માટે સહકાર આપતા ન હોવાની જાણ કરવામાં આવતા પ્રાંત અધિકારી અને લુણાવાડાના મામલતદારે જાતે જનરલ હોસ્પિટલ ખાતે આવીને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ પરિવાર વડોદરા સારવાર અર્થે જવા માટે તૈયાર થતો ન હતો અને દર્દીને ઘરે લઇ જવા માગતા હતા.
આ સમય દરમિયાન ડૉ. સીંઘે ગાયનેકોલોજિસ્ટસ ડૉ. પાર્થને તેમની સારવાર ચાલુ રાખવાનું જણાવતાં તેણીની સારવાર ચાલુ રાખી. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી એસ.બી.શાહે જિલ્લા કલેકટર આર.બી.બારડને જાણ કરવામાં આવતાં જિલ્લા કલેકટરે એક પણ પળનો વિલંબ કર્યા સિવાય બે પોલીસ કર્મીઓને પોતાનો સંદેશો લઇને પરિવારને અને દર્દીને સમજાવવા માટે મોકલી આપતાં અંતે પરિવાર અને દર્દી વધુ સારવાર અર્થે વડોદરા જવા તૈયાર થયો.
દર્દી અને પરિવાર સારવાર અર્થે તૈયાર થતાં જરૂરી દવાઓ અને રકતના જરૂરી યુનિટસ સાથે વડોદરા ખાતે મોકલી આપવામાં આવતાં જયાં તેણીની સારવાર કરવામાં આવી હતી. હાલમાં આ દર્દી ખતરાથી બહાર આવી ગઇ છે અને હાલતમાં સુધારો થઇ રહયો છે અને તંદુરસ્ત છે. આમ જિલ્લા કલેકટરની સમય સૂચકતા અને સમજાવટથી મહિલાને નવજીવન પ્રાપ્ત થયું છે.