મહીસાગર: જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીના સુચારુ આયોજન અંગે જિલ્લા પંચાયત કચેરી સભાખંડમાં બેઠક મળી હતી.
વૈશ્વિક મહામારી કોરોનાથી લોકોની જીવન શૈલી પર ગંભીર અસર થઇ છે. ભારતમાં કોવિડ 19 ના પ્રસારને પગલે લાભાર્થીઓની સમજ કેળવણી માટે આયોજિત થતાં રાષ્ટ્રીય પોષણ માહ સપ્ટેમ્બર 2020 અંતર્ગત વિવિધ કાર્યક્રમો પરોક્ષ (વર્ચ્યુઅલ) કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ અને વર્ચ્યુઅલ પ્રવૃત્તિઓ સાથે વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પાંચ થીમને લાગતા સંદેશ પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી અંગે ઉપસ્થિત અધિકારીઓને વિસ્તૃત જાણકારી આપતા જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જણાવ્યું હતું કે, આ પોષણ માસ દરમિયાન હાથ ધરવામાં આવનારા સર્વ સામાન્ય પ્રવૃત્તિઓમાં ગૃહ મુલાકાત, સોશિયલ મિડિયા ઝુંબેશ, વેબિનાર, લાભાર્થીઓને ફોલોઅપ માટે ફોન કોલ (પ્રસૂતિ પછીની સંભાળ માટે), ન્યુટ્રી ગાર્ડન, સુખડી વિતરણ સાથે ચોપાનીયા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓને સંદેશાઓ મોકલવા, FM રેડિયો મારફતે કવીઝ કોમ્પીટીશન અને ઉબરે આંગણવાડી (સેટ કોમના માધ્યમથી) જેવા કાર્યક્રમોનું આયોજન કરી સફળતા પુર્વક ઉજવણી કરવામાં આવશે.
આ પોષણ માહમાં પાંચ જરૂરી ઘટકો પર ભાર મૂકવામાં આવશે. આ મહત્વની પાંચ થીમમાં બાળકના પ્રથમ 1,000 દિવસ, એનિમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સેનિટેશન તથા પૌષ્ટિક આહારનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર આર.આર.ઠક્કર, ડી.આર.ડીએ નિયામક જે.કે.જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભાભોર, તેમજ આરોગ્ય વિભાગના અધિકારી બિરેન્દ્રસિંહ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સહિત સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.