મહીસાગરઃ મહીસાગર જિલ્લાના કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક થતાં રુલ લેવલ જાળવવા કડાણા ડેમના 4 ગેટ ખોલી મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. અત્યારે ડેમના ઉપરવાસમાંથી 60,156 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના 4 ગેટ 6 ફૂટ ખોલી 39,656 ક્યૂસેક પાણી તેમજ ચાર પાવર હાઉસ મારફતે 20,000 ક્યૂસેક પાણી થઈ કુલ 59,656 ક્યૂસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત 500 ક્યૂસેક પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. કુલ પાણીની જાવક 60,156 ક્યૂસેક છે. 60 મેગાવોટના ચાર પાવર હાઉસ કાર્યરત થતા 240 મેગાવોટ વીજ ઉત્પાદન થશે. હાલમાં ડેમનું જળ સ્તર 416.11 ફૂટ, જે 1 સપ્ટેમ્બરના રુલ લેવલ 416 ફૂટ કરતા 11 ઇંચ વધારે છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 419 ફૂટ કરતાં 2.1 ફૂટ કરતાં ઓછું છે. હાલ રુલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.