- ઉચ્ચત્તર માધ્યમિક શાળાના 125 શિક્ષકોને મુખ્યપ્રધાન રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નિમણુંક પત્રો અપાયા
- મહાનુભાવોના હસ્તે ઉમેદવારોને ભલામણ પત્ર અને નિમણૂંક પત્રો પ્રદાન કરવામાં આવ્યા
- દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં તમારું પાયાનું યોગદાન રહેશે - મહીસાગર જિલ્લા કલેક્ટર
મહીસાગર : રાજ્ય સરકારે શિક્ષણના મજબૂતીકરણ માટે શિક્ષણ વિભાગના માધ્યમથી રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષણ સહાયકોની ભરતી/નિમણુંકની પ્રક્રિયા હાથ ધરી હતી. તે સંદર્ભે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રતિકરૂપે 05 શિક્ષણ સહાયકોને મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે કોવિડ 19ના ગાઇડલાઇનને અનુસરીને મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની બિનસરકારી અનુદાનિત શાળાઓના ઉચ્ચતર માધ્યમિક વિભાગના 20 શિક્ષણ સહાયકોને મુખ્ય પ્રધાન રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટર આર. બી. બારડ, અધિક નિવાસી કલેક્ટર જે. કે. જાદવ, જિલ્લા શિક્ષાધિકારી પી. એન. મોદી સહિતના અધિકારીઓ દ્વારા ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
શિક્ષણ થકી દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં તમારું પાયાનું યોગદાન રહેશે : મહીસાગર જિલ્લા કલેક્ટર આર. બી. બારડ
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આર. બી. બારડ નિમણૂક થયેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા અતિ મહત્વની હોય છે. હાલ ચાલી રહેલા કોરોના મહામારીમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા ઉત્તમ કામગીરી થઈ રહી છે અને કર્તવ્યનિષ્ઠા આ શ્રેષ્ઠ વારસાને આગામી સમયમાં પણ આપ સૌ જાળવી રાખશો તેવી સૌને આશા છે. શિક્ષણ થકી આપ સૌ દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં તમારું પાયાનું યોગદાન રહેશે તેવી જિલ્લા કલેક્ટરે આ તકે અભ્યર્થના વ્યક્ત કરી હતી.
કોરોના મહામારીમાં ઝડપી ભરતી પ્રક્રિયા થકી રોજગારી મળતા શિક્ષકોએ આનંદ વ્યક્ત કર્યો
આ પ્રસંગે શિક્ષક સહાયક તરીકે સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ, લુણાવાડા ખાતે નિમણૂંક પામેલા ઉમેદવાર ધરતી શર્માએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં પણ સરકારે પારદર્શી અને ન્યાયપૂર્ણ રીતે ભરતી પ્રક્રિયા આગળ ધપાવી અમને રોજગારી પૂરી પાડી એ બદલ મુખ્યપ્રધાન રૂપાણી તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું. તેમજ આવી વિકટ પરિસ્થિતિમાં પણ ભરતીની પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરીને ઝડપથી સૌને રોજગારી પ્રાપ્ત થાય તે દિશામાં કરવામાં આવેલા ત્વરિત કાર્યવાહી માટે ભરતી પ્રક્રિયામાં જોડાયેલા દરેકને તમામ ઉમેદવાર વતી અભિનંદન પાઠવું છું.
100 ઉમેદવારોને ભલામણ પત્ર અને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા
અન્ય 100 ઉમેદવારોને પંચશીલ હાઇસ્કુલ, લુણાવાડા ખાતે ભલામણ પત્ર અને નિમણૂંક પત્રો પ્રદાન કરવાના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષાધિકારી પી. એન. મોદી, ગુજરાત આર્ચાય સંઘના પ્રમુખ, જે. પી. પટેલ, સંચાલક મંડળના પ્રમુખ આર. ડી. પટેલ, સંચાલક મંડળના મંત્રી દિલીપ શુકલ, જિલ્લા આર્ચાય સંઘના પ્રમુખ મહેન્દ્ર પટેલ, મહામંત્રી દિગ્વિજયસિંહ સોલંકી સહિત મહાનુભાવોના હસ્તે ઉમેદવારોને ભલામણ પત્ર અને નિમણૂંક પત્રો પ્રદાન કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો -
- અરવલ્લીમાં શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
- રાણાવાવ પે.સેન્ટર કુમાર શાળાના શિક્ષિકાને જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર એનાયત કરાયો
- સુપ્રીમ કોર્ટે યુપી સરકારના શિક્ષક ભરતીમાં કટ ઓફના નિર્ણયને યોગ્ય ઠેરવતો ચૂકાદો આપ્યો
- વિશ્વના 10 સારા શિક્ષકોમાં મહેસાણા મહાદેવપુરા(ડા) પ્રાથમિક શાળાના શિક્ષકનો સમાવેશ
- શિક્ષકોએ કોરોનામા ડ્યુટી કરવા બદલ માનદ વેતન અને વળતર રજાની કરી માંગણી
- ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ઓનલાઈન સંકલન બેઠક યોજાઈ
- ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ અપાશે : શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા