- ભુજમાં લોકો કરી રહ્યા છે પાણીની સમસ્યાનો સામનો
- ભુજના વોર્ડ નં-1 અને 2ના લોકો પાણીની સમસ્યાથી પરેશાન
- પાણી માટે મંગાવુ પડે છે ખાનગી ટેન્કર
કચ્છ: હાલમાં મુસ્લિમ ધર્મનો પવિત્ર તહેવાર રમઝાન ચાલી રહ્યો છે એવામાં ભુજના લોકોને પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. લોકોનો એવો આક્ષેપ છે કે અહીં ઘણા દિવસોથી પાણી આપવામાં આવતું નથી. આ ઉપરાંત લોકોને ખાનગી ટેન્કર મંગાવીને પાણી મેળવવું પડે છે અને ટેન્કરનું ભાડું 250 રૂપિયા જેટલું હોય છે એટલું તો અહીંના લોકો એક દિવસમાં કમાતા પણ નથી.
ભુજ નગરપાલિકા પર આક્ષેપો કરવામાં આવ્યા
આ ઉપરાંત વોર્ડ નંબર 1 અને 2 ના નગરસેવકોએ પણ આગળ આવીને ભુજ નગરપાલિકાના પ્રમુખને લેખિત તથા મૌખિક રજૂઆત પણ કરી છે.અહીંના લોકોનો એવો આક્ષેપ છે કે વોર્ડના ઉદ્યોગો, વાડીઓ અને હોટલોને પાણી વધારે પહોંચાડવામાં આવી રહ્યું છે. જો સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો લોકો ભુજ નગરપાલિકામાં ધરણાં પર બેસશે તેવી ચીમકી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : ધરમપુરના ગામોમાં મહિલાઓને દોઢ કિ.મી. ચાલીને જવું પડે છે પાણી લેવા
ભુજ નગરપાલિકાના પ્રમુખનો ખુલાસો
સમગ્ર પાણીની સમસ્યા અંગે વાતચીત કરતા ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નં 1,2 અને 3 માં એકાંતરે પાણી આપવામાં આવી રહ્યું છે આ ઉપરાંત પાલિકા દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ નીતિથી કામ કરવામાં આવે છે કોઈ કૉમ્યુનિટી અને જ્ઞાતિ જોઈને કોઈ કાર્ય કરવામાં આવતું નથી.
પાલિકા પણ પાણીના પ્રશ્નોને લઈને ચિંતિત
હાલ કોરોનાકાળમાં પાણીનો વધારે ઉપયોગ થાય છે અને મર્યાદિત સાધનો છે અને ભુજમાં પાણીના પ્રશ્નોને લઈને ભુજ નગરપાલિકા પણ સતત ચિંતિત જ છે. હિલગાર્ડન ખાતેના પાણીના ટાંકાનો ખાતમુહૂર્ત થઈ ગયું છે. શિવકૃપા નગર ખાતેના ટાંકાનું કામ પૂર્ણ થવા આવ્યું છે અને ચંગલેશ્વર ખાતે નવા ટાંકા માટેનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.