કચ્છ: પૂર્વ કચ્છ પોલીસ SOG ના PI વી. જી લાંબરિયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે ગત રાત્રે પોલીસની એક ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માખેલ ટોલનાકા પાસેથી એક ગાડીમાં સવાર બે આરોપીઓને ઉભા રખાયા હતા. પરંતુ તેમણે નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસની ટીમે બન્ને આરોપીઓને પકડી પાડયા હતા.
ગત 26મી જુલાઈએ રાજસ્થાનના જોધપુરમાં મહામંદિર પોલીસ મથકની હદમાં આવતા રાજીવનગરના રહેવાસી નંદકિંશોર મહેશ્વરી નામના વેપારીના ઘરમાં ચોરી થઈ હતી. આરોપીઓએ આ ઘરમાંથી રૂ 20 લાખની રોકડ અને દાગીના મળીને કુલ રૂ. 50 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી.
આ ઘટનાની તપાસમાં રાજસ્થાન પોલીસે CCTV ની મદદથી એક આરોપીની ધરપકડ કરી હતી. શ્યામલાલ જાટ નામના આરોપીની પૂછપરછમાં અન્ય બે આરોપીઓ બાબરામ ધોકરડરામ માલી અને પ્રેમરાજ ભીયારામ માલીનું નામ પણ બહાર આવ્યુ હતું. જેઓ ચોરીની ઘટનાને અંજામ આપ્યા પછી ગુજરાત નાસી ગયા હતા.
આ અંગે ગુજરાત પોલીસ દ્વારા જોધપુર પોલીસને જાણ કરી દેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.