કચ્છ : ફોટોગ્રાફી એક એવી કળા છે જે ઘણા દાયકાઓથી લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. કચ્છના લોકો ઘણા દાયકાઓથી આ કલા સાથે જોડાયેલા છે. કચ્છના એક યુવા ફોટોગ્રાફરે આ કળા સાથે-સાથે કેમેરા કલેક્શનનો અનોખો શોખ વિકસાવ્યો છે. અત્યાર સુધીમાં તેણે 100થી વધુ વિન્ટેજ કેમેરાનું કલેક્શન કર્યું છે. ભુજના ઝેનુલ સિદ્દીને છેલ્લા 8 વર્ષથી અવનવા વિન્ટેજ કેમેરાનું કલેક્શન કરવાનો શોખ છે.
વિન્ટેજ કેમેરા પ્રેમ : ઝેનુલ સિદ્દીએ પોતાના કેમેરા પ્રત્યેના પ્રેમ અંગે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2015 થી આ જૂના જમાનાના કેમેરા એકત્રિત કરવાનો શોખ કેળવ્યો છે. જેમાં આજે તેઓની પાસે જુદી જુદી કંપનીઓના વર્ષ 1855 થી અત્યાર સુધીના વિવિધ કેમેરા મોડેલ સંગ્રહિત કરવામાં આવ્યા છે. કોલેજના સમયથી જ ઝેનુલને ફોટોગ્રાફી કરવાનો શોખ હતો. ત્યારે ઝેનુલ મોબાઈલમાં ફોટોગ્રાફી કરતો હતો. ઝેનુલ મોબાઈલમાં જ સારી ફોટોગ્રાફી કરવા લાગ્યો હતો. તે જોઈને તેના કાકાએ ઝેનુલને બે કેમેરા આપ્યા હતા.
100થી પણ વધુ વિન્ટેજ કેમેરાનું કલેક્શન ખરીદવા માટે પણ અનેક લોકો ઑફર કરતા હોય છે. પરંતુ આજ દિવસ સુધી એક પણ કેમેરા વહેંચ્યો નથી. વધુને વધુ કેમેરા સંગ્રહિત કરતો જાય છે. કલેક્શનના મોટે ભાગના વિન્ટેજ કેમેરા ચાલુ કન્ડિશનમાં છે. પરંતુ તેમાં લાગતા રોલ અને અન્ય ઇકવિપમેન્ટ બનવાના બંધ થઈ ગયા છે.-- ઝેનુલ સિદ્દી (વિન્ટેજ કેમેરા કલેક્ટર)
એક અનુભવે આપી પ્રેરણા : મહત્વની વાત છે કે, ઝેનુલના કાકાને પણ એન્ટિક વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ છે. તેમણે જોઈને ત્યારબાદ ઝેનુલને પણ કેમેરા એકત્રિત કરવાનો શોખ જાગ્યો હતો. ઉપરાંત કોલેજ કાળ દરમિયાન લાઇબ્રેરી તેમજ અન્ય જાહેર જગ્યાઓ પર યોજાતા એકશીબિશનમાં ઝેનુલ એક વખત વિન્ટેજ કેમેરાનું કલેક્શન જોવા ગયો હતો. તેને ઉત્સુકતામાં એક કેમેરાને જોવા માટે હાથમાં લઇ લેતા કેમેરા કલેક્શન કરનાર વ્યક્તિએ ઝેનુલ પર ખિજાયા હતા. ત્યારબાદ ઝેનુલે વિચાર્યું કે, આ વ્યક્તિ કલેક્શન કરી શકે છે તો હું પણ શા માટે ના કરી શકું. ત્યારબાદ તેણે તેના કાકા સાથે મળીને વિન્ટેજ કેમેરાનું કલેક્શન કરવાનું શરુ કર્યું હતું.
વિન્ટેજ કેમેરા કલેક્શન : શરૂઆતના સમયમાં તેની પાસે 20 થી 25 જેટલા વિન્ટેજ કેમેરાનું કલેક્શન હતું. જે આજે વધીને 100થી પણ વધુ પહોંચી ગયું છે. તેની પાસે તમામ પ્રકારના જૂના કેમેરા છે. જેમાં વાઈડ એંગલ, મિરર લેસ, વિડીયો કેમેરા, બોક્સ કેમેરા, ચાવીવાળા કેમેરા, પોલારાઇડ કેમેરા વગેરે પ્રકારના કેમેરા છે. નેગેટિવ ફિલ્મને ધોયા બાદ તસવીરો મળે તેવા કેમેરા પણ છે. તે રોલવાળા કેમેરા, કેસેટ વાળા કેમેરા પણ તેના કલેકશનમાં છે.
અમૂલ્ય સંગ્રહ : ઝેનુલ પાસે રહેલા કેમેરાની કંપનીઓની વાત કરવામાં આવે તો યાશિકા, નિકોન, કોડાક, ફૂઝિફિલ્મ, સિમ્પેક્ષ, પ્રેક્ટીકા, બોલેક્ષ, રોલી ફ્લેક્ષ, ઓલમ્પિયા, ઓલમ્પસ, ફોકસ, સોની , ઇસોલી, કલર બ્રસ્ટ વગેરે જેવી વિવિધ દેશી વિદેશી કંપનીઓના કેમેરાનું કલેક્શન છે. ઝેનુલ પાસે જાપાન, કોરિયા, અમેરિકા, યુએસએ, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, જર્મની વગેરે દેશોના કેમેરા છે. લાખોની કિંમતના વિન્ટેજ કેમેરાનું કલેક્શન આ યુવા ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવ્યું છે. ઝેનુલનો કેમેરા પ્રત્યેનો પ્રેમ અને વિન્ટેજ કેમેરાનું કલેક્શન જોઈને અનેક લોકો દંગ રહી જાય છે.