- 1971ના યુદ્ધના વિજયની 50 વર્ષની ઉજવણી કરાઇ
- બલિદાનનું પ્રતીક સમી વિજય જ્યોત ભુજ આવી પહોંચી
- યુદ્ધમાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
ભુજ : ભારત-પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971ના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. આ જીતને 50 વર્ષ પૂર્ણ થતા તેની વિજય વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તે યુદ્ધમાં ભારતીય સશસ્ત્ર દળોના બલિદાનના પ્રતીકસમી વિજય જ્યોત 28 જુલાઈના દિવસે ભુજ ખાતે આવી પહોંચી હતી.
વિજય જ્યોત વંદે માતરમ સ્મારક ખાતે પહોંચી
29 જુલાઈ 2021ના રોજ આ વિજય મશાલ ભુજોડી ગામના વંદે માતરમ સ્મારક ખાતે આયોજિત એક સ્મૃતિ પ્રસંગમાં આવી પહોંચી હતી અને યુદ્ધમાં શહીદ થયેલા શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ સૈન્ય અને નાગરિક મહાનુભાવો અને યુદ્ધના દિગ્ગજ લોકો, વિરાંગનાઓની હાજરી જોવા મળી હતી.
યુદ્ધમાં ભાગ લેનારા કમાન્ડર પણ રહ્યા હાજર
વિજય જ્યોત વંદે માતરમ મેમોરિયલ ખાતે આવી પહોંચી હતું. આ મેમોરિયલથી સ્થાપના યુદ્ધના દિગ્ગજ નિવૃત્ત કેપ્ટન ગુમાન સિંહ ઝાલાએ કરી હતી. જે 1965ના યુદ્ધના દિગ્ગજ કેપ્ટન હતા. રસપ્રદ વાત એ છે કે, તે NDAમાં ડ્રીલ પ્રશિક્ષક પણ હતા અને ત્રણેય દળોના પ્રમુખોને તાલીમ આપવાનો હોદ્દો પણ તેઓ ધરાવે છે. નિવૃત્ત સહાયક કમાન્ડર ડી.એલ. સોનોને પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમણે 1971ના યુદ્ધમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેમણે પોલીસ અને કસ્ટમ અધિકારીઓ સાથે અનેક સંયુક્ત કામગીરી કરી હતી.
ગણતરીના કલાકોમાં રન-વે બનાવનારી વિરાંગનાઓનું પણ કરાયું સન્માન
આ વિજય વર્ષની ઉજવણી પ્રસંગે આર્મી પાઇપ બેન્ડ દ્વારા શાનદાર પ્રદર્શન આપવામાં આવ્યું હતું, ત્યારબાદ શીખ એલઆઈ રેજિમેન્ટના શૌર્ય સૈનિકો દ્વારા ગટકાની રજૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત રહેલા મહાનુભાવો દ્વારા યુદ્ધના દિગ્ગજો અને યુદ્ધ વખતે ગણતરીના કલાકોમાં રનવે બનાવનારી વિરાંગનાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કમાન્ડર બાલ્ડ ઇગલ બ્રિગેડ દ્વારા શહીદોના બલિદાન અને બહાદુરી કૃત્યને યાદ કરીને પ્રેક્ષકોને સંબોધન કરવામાં આવ્યું હતું.
સરહદના છેલ્લા ગામ કુરનની માટી પણ વિજય મશાલ સાથે જશે
કચ્છની સરહદે જે યુદ્ધ થયું હતું અને સરહદનું છેલ્લું ગામ કુરનના સ્થાનિક લોકોએ પણ આ યુદ્ધમાં ભાગ લીધો હતો અને સેનાને સહકાર આપ્યો હતો. ત્યારે આ વિજય મશાલ સાથે કુરન ગામની માટી ભરેલું કળશ પણ તેની સાથે અન્ય જગ્યાએ લઈ જવામાં આવશે.
જો હજુ પણ જરૂર પડશે તો અમે તૈયાર જ છીએ: વિરાંગના
જ્યારે 1971માં ભારત પાકિસ્તાનની લડાઈ થઈ ત્યારે 1 રાતમાં જ પાકિસ્તાને એરપોર્ટ પર 18 જેટલા બોમ્બ ફેંક્યા હતા અને જેના કારણે રન-વે તૂટી ગયો હતો. ત્યારે માધાપરના 300 જેટલા મહિલાઓએ ભેગા થઈને આ રન-વેનું સમારકામ કર્યું હતું. વિરાંગનાઓનું કહેવું છે કે, હજુ પણ જો દેશને અમારી જરૂર પડશે તો અમે કામ કરવા તૈયાર જ છીએ.
હવે જો યુદ્ધ થશે તો નિશ્ચયથી જીત ભારતની જ થશે
1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં અદભુત જીત હાંસલ કરી હતી. ભુજ હંમેશા ઓપરેશનલી મહત્વપૂર્ણ રહ્યું છે અને આગળ પણ રહેશે. હાલમાં ભુજમાં BSF, નેવી, કોસ્ટગાર્ડ, એરફોર્સ, આર્મી તથા સિવિલ ડિફેન્સ છે. આ ઉપરાંત યુદ્ધ વખતે કચ્છની જનતાએ પણ સાથે મળીને કામ કર્યું છે. જેથી હવે જો આ ક્ષેત્રમાંથી યુદ્ધના ભણકારા સંભળાશે તો ભારત નિશ્ચિતપણે જીતી શકે તેમ છે.