ગાંધીધામ : ગાંધીધામ ખાતે આયોજિત વાયબ્રન્ટ કચ્છ સમિટમાં કચ્છના મડવર્કના કારીગર માજીખાન મુતવાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં તેમની મડવર્કની કળા નિહાળીને લોકો અભિભૂત થઈ રહ્યા છે. આ વાયબ્રન્ટ કચ્છ સમિટમાં કચ્છના 25 જેટલા ખ્યાતનામ કારીગરોને સ્થાન મળ્યું છે જેમાં ભુજના સિણીયારો ગામના મડવર્ક કલાકાર માજીખાન મુતવાએ કચ્છની માટીમાંથી નિર્મિત 350 વર્ષ જૂની મડવર્કની કળાને G 20માં પણ વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરી કચ્છનું ગૌરવ વધાર્યું હતું. આ કળ 350 વર્ષ જૂની ટ્રેડિશનલ મડવર્ક કળા છે.
હું કચ્છની એક ટ્રેડિશનલ કળા મડવર્ક સાથે સંકળાયેલો છું જે 350 વર્ષ જેટલી જૂની છે. જે સમયે ગામમાં વાહનો તરીકે ઘોડા અને ઊંટ ચાલતા હતાં તે સમયે આ કળાની શરૂઆત કરવામાં આવી હતી. અહીંના લોકો જ્યારે પોતાના ઘર બનાવતા હતાં ત્યારે તે પૂરા માટીથી પોતાના ઘર બનાવતા હતા અને ત્યારે માટીથી લીંપણ કરવાનું તેમજ તેની પર મીરરવર્ક કરવું અને ત્યારથી મડવર્કની શરૂઆત થઈ હતી. મડ વર્કમાં માટીમાંથી વિવિધ ડિઝાઇન બનાવીને ઘરને ખૂબ સુંદર રીતે સુશોભિત કરીને સજાવવામાં આવતું હતું...માજીખાન ( મડવર્ક આર્ટિસ્ટ )
સિક્યુરીટી ગાર્ડ તરીકેની નોકરી કરતાં હતાં : માજીખાન મુતવા 10મું ધોરણ પાસ કરેલ છે અને તેમને થોડી ગણી અંગ્રેજી આવડતી હતી. જેના લીધે તેઓ ગૂગલ પર સર્ચ કરી લેતા હોય છે. માજીખાને એક સમયે બેંકના ATM પર સિક્યુરીટી ગાર્ડ તરીકેની પણ ફરજ બજાવી છે. એટીએમ પરની નોકરી દરમિયાન તેમને એક કલાકાર તરફથી પ્રેરણા મળતા તેઓને આ ટ્રેડિશનલ કળા કારીગરીમાં રસ જાગ્યો હતો. ત્યાર બાદ તેમણે આ કલાને એપ્રિલ 2013માં રોજગારીના વિકલ્પ તરીકે પસંદ કરી હતી. વર્ષ 2013થી 2015 સુધી તેમને ઘણો સંઘર્ષ કર્યો હતો અને અનેકવાર નિષ્ફળતાનો સામનો પણ કર્યો હતો. પરંતુ માજીખાને હિંમત ન હારીને મજબૂત મનોબળ રાખીને અન્ય કારીગરોના સંપર્કમાં આવ્યા અને ત્યાર બાદ તેમને મડવર્ક માટેનું કામ ધીમે ધીમે મળતું ગયું.
આઉટસ્ટેન્ડિંગ કારીગર એન્ટ્રેપ્રેન્યોર ગોલ્ડ એવોર્ડ : કચ્છના સરહદી વિસ્તારના ગામડાના કારીગર માજીખાન મુતવા દરેક પ્રકારની સુવિધાના અભાવને પોતાની તાકાત બનાવી દ્રઢ નિશ્ચય સાથેસાથે આગળ વધ્યા હતા. કચ્છના માજીખાન મુતવાને એમેઝોન જેવા પ્લેટફોર્મનો પણ સારો સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત ગુગલની નેશનલ મીટ માટે પણ તેમની પસંદગી કરવામાં આવી હતી. તો હાલમાં તેમને કારીગર ક્લિનિક સાથે જોડાયા બાદ "આઉટસ્ટેન્ડિંગ કારીગર એન્ટ્રેપ્રેન્યોર" નો ગોલ્ડ એવોર્ડ પણ જીત્યો હતો તો તેના નામે 2 વર્લ્ડ રેકોર્ડ પણ છે. જુલાઈ 2023માં રાષ્ટ્રપતિ ભવનમાં નિર્માણ પામેલ નવી ગેલેરીમાં પણ માજીખાન દ્વારા મડવર્ક કરવામાં આવ્યું છે.
મીરર વર્કને લીધે વધુ આકર્ષક : માજીખાન દ્વારા કરવામાં આવેલ પ્રયાસો બાદ કચ્છની મડવર્ક કળા ધીરે ધીરે પ્રખ્યાત થતી ગઈ અને તેનામાં કરેલા મીરર વર્કને લીધે તે વધુ આકર્ષિત બનતી ગઈ. માંગ વધતા દરેક સ્થળે કારીગરો આ કળા કરવા જઈ શકે તેવું શક્ય ન હોતાં કારીગરોએ નાના મોટા લાકડાના તથા એમ.ડી.એફના ટુકડાઓ પર માટીની વિવિધ ડિઝાઇન તૈયાર કરીને વિવિધ આર્ટ પીસ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં વોલ હેંગિંગ, ફોટો ફ્રેમ, કિચેઇન, ઘડિયાળ વગેરે જેવા આર્ટ પીસ બનાવવામાં આવી રહ્યા છે. આ કળામાં મુખ્ય આકર્ષણ તેના પર કરેલું મીરરવર્ક અને તેનું બારિક કામ છે.
G 20માં મળી હતી પ્રસંશા : ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સંમેલનમાં આયોજિત ભારત મંડપમમાં દેશભરના વિવિધ કલાકારીગરોના આર્ટપીસ જોવા માટે પહોંચ્યા હતાં. જેમાં કચ્છના બન્નીના સિણીયારો ગામના મડવર્કના કારીગર માજીખાન મુતવાને જોતા જ નરેન્દ્ર મોદીએ તેમને કચ્છી ભાષામાં પૂછ્યું હતું કે ‘કચ્છી માડુ કી અયો?’ અને ત્યાં હાજર રહેલા 20 દેશોના ડેલિગેટસને કચ્છની આ કળામાં ખૂબ જ રસ પડ્યો હતો અને ખરીદી પણ કરી હતી. તો સાથે જ માજીખાનના સંપર્કમાં રહેવા માટે વાતચીત પણ કરી હતી. G 20 સમિટમાં વિવિધ 20થી વધુ દેશના મહાનુભવોએ કચ્છની, ભારતની આ કળા નિહાળી અને તેની કૃતિઓ ખરીદીને કચ્છની કળા અને કચ્છી કારીગરનું સન્માન કર્યું હતું. કચ્છની 350 વર્ષ જૂની, તળાવની ચીકણી માટીથી સર્જાતી કળાને પણ G 20માં સ્થાન મળતા આ કળાને પણ વૈશ્વિક દરજ્જો મળ્યો છે જે કચ્છ માટે પણ ગૌરવની વાત છે.
વાયબ્રન્ટ કચ્છ સમિટ દ્વારા સ્થાનિક કારીગરોને ફાયદો : વાયબ્રન્ટ કચ્છ સમિટમાં સ્થાન મળવા અંગે વાતચીત કરતા માજીખાને જણાવ્યું હતું કે, કચ્છમાં આવા કાર્યક્રમોની ખૂબ કમી હતી. 11 વર્ષની કળા સાથેની સફરમાં આવા આયોજન ક્યારેય નથી થયાં. પરંતુ છેલ્લા થોડાક સમયથી આવા કાર્યક્રમો શરૂ થયા છે, જેમાં સ્થાનિક કાર્યક્રમો કરવા અને સ્થાનિક કારીગરોને તેમાં પોતાની કળા પ્રદર્શિત કરવા તક આપવાના પ્રોત્સાહન થકી આવનારી પેઢી પણ સ્થાનિક કળાથી અવગત થશે અને તેને ટકાવી રાખવા આગામી સમયમાં પ્રયત્નો પણ કરશે.
- Kutch News: પદ્મશ્રી એવોર્ડ વિજેતા અબ્દુલગફુર ખત્રીને વાયબ્રન્ટ કચ્છ સમિટમાં પોતાની કળા દર્શાવવા માટે મળી તક
- Vibrant Gujarat Vibrant Kutch : 139 એમએસએમઈ એકમો સાથે 3370 કરોડના એમઓયુ સાઈન, વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ કચ્છ સમિટ શરુ
- Kutch: કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ચાઇના કલેની બ્રાઇટનેશ વધારવા માટેની પદ્ધતિનું સંશોધન