ભૂજમાં ચૂંટણીપંચ દ્વારા ઇવીએમની સાચવણી અને મતગણતરી માટેની જરૂરી સુવિધાઓને ધ્યાનમાં રાખી નવનિર્મિત ભવનનું લોકાપર્ણ કરાયું છે. જેનું જિલ્લા કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા અનાવરણ કરાયું હતું. તેમણે ભવન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આ ભવનના લોકાપર્ણથી કચ્છમાં ઇવીએમ અને વીવીપેટ સંગ્રહમાં ઘણી રાહત થશે. વીવીપેટને સાચવવા માટે જરૂરી સુવિધાઓ ચૂંટણીપંચ દ્વારા ઉભી થતાં સીસીટીવી રેક્સ સહિતના મશીનોને ઓપરેટ કરવા માટે પૂરતી જગ્યા અપાઇ છે. જેથી ચૂંટણી સાથે સંકળાયેલાં કર્મચારીઓને હંગામી જગ્યાએ ઇવીએમ અને વીવીપેટ સંગ્રહ કરવા જેવી બાબતોથી રાહત મળશે.
વહીવટીતંત્ર માટે ચૂંટણીપંચ દ્વારા અપાયેલી આ સુવિધા તેમને મતગણતરી દરમિયાન ખૂબ ઉપયોગી સાબિત થશે. જેથી લોકાપર્ણ પ્રસંગે અધિકારીઓ સહિત તમામ કર્મચારીઓમાં આનંદ જોવા મળ્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં નાયબ ચૂંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિએ વેરહાઉસના નિર્માણ અંગે જણાવ્યું હતું કે, 23 મેના રોજ મત-ગણતરી બાદ આ ભવનની યોગ્ય સાચવણી કરાશે. તેમજ આ તમામ વ્યવસ્થા અંગેના નિર્ણય ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ લેવામાં આવશે.
આ ભવનની જરૂરિયાત માટેની દરખાસ્ત ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.કે.જોષીએ પોતે ડેપ્યુટી નાયબ ચૂંટણી અધિકારી હતા ત્યારે મૂકી હતી. જે માટે જિલ્લા સદનના તમામ અધિકારીઓએ આ દરખાસ્ત મૂકવા બદલ એમ.કે જોષીનો આભાર માને છે. ચૂંટણીપંચ દ્વારા દરેક જિલ્લામાં ઇવીએમ-વીવીપેટ સ્ટોરેજ કરવા ચૂંટણીપંચની માલિકીની હેઠળ વેરહાઉસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભૂજ ખાતે આ રૂ. 195.44 લાખના ખર્ચે ભૂજની નવી મામલતદાર કચેરી પાછળ વેરહાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવન ત્રણ માળનું છે. જેમાં એફ.એલ.સી રૂમ, ઓફિસરૂમ અને ઇવીએમ સ્ટોરેજ માટે હોલ બનાવાયો છે. ભવનનાં પ્રતિ માળે બે હજાર બીયુ, બે હજાર સીયુ તથા બે હજાર વીવીપેટનો સ્ટોરેજ થઇ શકશે. આમ, કુલ છ હજાર બીયુ, સીયુ અને વીવીપેટ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતું ભવન તૈયાર કરાયું છે.