કચ્છ: ગાંધીધામમાં બે વર્ષના બાળકની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાવળની ઝાડીઓમાંથી હત્યા કરાયેલી બાળકની લાશ મળી આવી છે. ધારદાર હથિયારથી બાળકને કપાળ પર ઈજા પહોંચતા બાળકનું મોત નિપજ્યું છે. ગાંધીધામના ભકિતનગરમાં રહેતા બિહારી પરીવાર સાથે કરૂણ ઘટના બની હતી. ઘર પાસે રમી રહેલા બાળકને કંડલા ઝોન પાસે લઈ જઈને હત્યા કરવામાં આવી હતી. મૃત પામેલ બાળકની ગુમ થયાના બે કલાકમાં જ હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ ફાટ્યું હતું.
પરિવારે પોલીસ સ્ટેશને નોંધાવી ફરિયાદ: બે વર્ષીય મૃતક બાળક અમનકુમારના પિતા તેના બે વર્ષના માસુમ પુત્રની કોઇ અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાની ફરીયાદ ગાંધીધામ બી-ડીવીઝન પોલીસ મથકે નોંધાવી છે. રૂદલ તથા તેની પત્ની સુષ્મા દેવી ઝોન કાસેઝમાં મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે. રૂદલને 3 સંતોનો છે જે પૈકી બે સંતાનો વતનમાં છે અને આ પરિવાર થોડા સમયથી ગાંધીધામમાં આવી મજુરી કામ કરી રોજગાર મેળવી રહ્યો છે.
ઇજાના નિશાન મળી આવ્યા: પુત્રના માતા પિતા દરરોજની જેમ મકાન માલીક રમેશભાઇ રાવલને અમનને સોંપી મજૂરી કરવા જાય છે. તારીખ 28 ના સાંજે અમનની માતા તેને ઘરે લઇ આવી હતી પંરતુ અચાનક રમતા-રમતા અમન ગુમ થઇ ગયો હતો અને ત્યાર બાદ તેની શોધખોળ શરૂ કરાઇ હતી. બે કલાક બાદ તેનો મૃતદેહ ઝોન લાલ ગેટ નજીકની બાવળની ઝાડીમાંથી મળી આવી હતી પરિવારના સભ્યો બાળકોને હોસ્પિટલ લઇ ગયા હતા પંરતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. માસુમ અમનના માથાના ભાગે કોઇ વસ્તુ પડે ઇજાના નિશાન મળી આવ્યા હતા.
પોલીસે વધુ તપાસ હાથ ધરી: પોલીસે પરિવારની ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છમાં છેલ્લા થોડાક દિવસોથી ગંભીર પ્રકારના ગુના વધી રહ્યા છે જેના કારણે સોશિયલ મીડીયામાં પણ કાયદો વ્યવસ્થાને લઇને સવાલો ઉથી રહ્યા છે. ગાંધીધામમા માસુમ બાળક સાથે બનેલી ધટના અંગે પરિવારે કોઇ પર શંકા દર્શાવી નથી પરંતુ અજાણ્યા શખ્સો સામે પુત્રની હત્યા બદલ ફરીયાદ નોંધાવી છે અને તેના આધારે પોલીસ તપાસ શરૂ કરી છે.