- પોલીસ દમનથી બે યુવાનોની કસ્ટોડિયલ ડેથ
- 3 આરોપી પોલીસકર્મી પોલીસના હાથે લાગ્યા નથી
- પોલિસ કર્મીના 18 તારીખ બપોરના બે વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર
કચ્છ : મુન્દ્રા પોલીસ મથકે પોલીસ દમનથી બે યુવાનોના કસ્ટોડિયલ ડેથ મામલે હજુ પણ મુખ્ય 3 આરોપી પોલીસકર્મી પશ્ચિમ કચ્છ પોલીસના હાથે લાગ્યા નથી. જોકે, તપાસ વધુ ઝડપી બને તે માટે પશ્ચિમ કચ્છની વિવિધ ટીમ સાથે ગુજરાત ATS પણ તપાસમાં જોડાઇ હતી. મુન્દ્રા પોલીસ મથકમાં સર્વેલન્સ ટીમમાં સામેલ ગફુરજી પીરાજી ઠાકોરની ધરપકડ કરી હતી. જેનો પશ્ચિમ કચ્છ પોલીસે કબ્જો મેળવ્યો હતો. જ્યારે બીજી તરફ તપાસ કરી રહેલી સ્થાનિક ટીમે તપાસ દરમિયાન એક GRD જવાન શંભુ દેવરાજ જરુની પણ ધરપકડ કરી છે તેવુ પોલીસ તપાસમા સામે આવ્યું છે.
ગફુરજી ઠાકોર અને શંભુ જરૂને રિમાન્ડની માંગણી
ગુજરાત ATSએ ઝડપેલા ગફુરજી ઠાકોર અને શંભુ જરૂને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. મોડી રાત્રી સુધી ચાલેલી દલીલોના અંતે કોર્ટે બન્ને પોલિસ કર્મીના 18 તારીખ બપોરના બે વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉંડાણપૂર્વકની તપાસ રિમાન્ડ દરમિયાન પોલીસ કરશે
કસ્ટોડિયલ ડેથ મામલે અગાઉ 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાયા પછી અનેક નવા નામો તપાસ દરમિયાન સામે આવી રહ્યા છે. હજુ કોણ-કોણ આમાં સંડોવાયેલ છે તેની ઉંડાણપૂર્વકની તપાસ રિમાન્ડ દરમિયાન પોલીસ કરશે તો બીજી તરફ પોલીસની વિવિધ ટીમ ફરાર મુખ્ય 3 પોલીસ કર્મચારીઓની તપાસ આદરી છે.