ભૂજ: કચ્છના પાટનગર ભૂજ શહેરમાં પણ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. આ ઉપરાંત આજે બુધવારે કચ્છમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે. જેમાં શહેરના પ્રમુખ સ્વામી નગરમાં રહેતો યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ભચાઉ તાલુકાના લાકડીયા- ખોડાસરની 23 વર્ષિય યુવતીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
મળતી માહિતી મુજબ ભૂજના પ્રમુખ સ્વામી નગરના રહેવાસી યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટ્રાવેલ હિસ્ટ્રી મુજબ યુવાન ડ્રાઈવર છે અને અમદાવાદથી પરત આવ્યો હોવાનુ સ્પષ્ટ થયું છે. જયારે લાકડીયાની યુવતી પણ અમદાવાદથી પરત આવ્યાનું જાણવા મળ્યું છે.
કચ્છમાં આજે બે કેસ નોંધાતા અત્યાર સુધીમાં કુલ 93 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી હાલ 15 કેસ એકટીવ છે. જયારે 71 દર્દીઓને સ્વસ્થ થયા બાદ રજા આપી દેવામાં આવી છે. બીજી તરફ એકટીવ કેસ પૈકી એક દર્દીની હાલત નાજુક હોવાનુ જાણવા મળ્યું છે.