કચ્છ: સરહદી જિલ્લા કચ્છની પશ્ચિમ સરહદે આવેલ પ્રખ્યાત યાત્રાધામ નારાયણ સરોવર હવે માત્ર પ્રવાસીઓ માટે તીર્થધામ નહિ રહે, પણ આવનારા સમયમાં પ્રવાસીઓ અહીં જંગલ સફારી પણ માણી શકશે.રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટને લઈને કામગીરી આગળ વધારવામાં આવી છે.
"ગીરના જંગલની જેમ પ્રવાસીઓ કચ્છના ટુરિસ્ટ પ્લેસ નારાયણ સરોવર ખાતે પણ આગામી વર્ષોમાં જંગલ સફારી માણી શકશે. હાલમાં પ્રાથમિક ધોરણે તમામ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે તો સફારીની ડિઝાઇન, વિસ્તાર, અંદાજિત ખર્ચ વગેરે બાબતો પણ કામ કરવામાં આવશે."-- યુવરાજસિંહ ઝાલા ( પશ્ચિમ કચ્છના નાયબ વન સંરક્ષક)
કચ્છમાં વાઈલ્ડ લાઈફ ટુરિઝમ વિકસાવાશે: કચ્છ વન વર્તુળ હેઠળના પશ્ચિમ કચ્છ વનની રેન્જમાં નારાયણ સરોવરના આસપાસ નો વિસ્તાર છે. તે ટુરિઝમ બાબતે ખૂબ જ પોટેન્શિયલ વાળો વિસ્તાર છે. હાલની તારીખે પણ ત્યાં ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય છે. તો પ્રવાસીઓ માટે પણ એક વાઈલ્ડ લાઇફ માટેનું પણ એક પ્રવાસન વિકસે તે બાબતે વન વિભાગ દ્વારા નારાયણ સરોવરના આસપાસના વિસ્તારમાં એક સફારી પાર્કનું આયોજન કરવામાં આવેલું છે. આ સફારી પાર્કમાં પહેલા સ્ટેજમાં તૃણાહારી પ્રાણીઓથી એટલે કે ચિંકારા ઉપરાંત કાળિયાર અને ચિત્તર જેવા પ્રાણીઓને એક ફેન્સ એરિયામાં રાખીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નોર્મ્સ મુજબ સફારી પાર્ક ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે અને તેના આધારે સફારી પાર્ક બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.
કોર્ડન કરીને બનશે સફારી: હાલમાં જે રીતે આ જંગલ સફારીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે મુજબ 150 થી 250 હેક્ટર જેટલા વિસ્તારમાં કોર્ડન કરીને અંદર પ્રાણીઓ મૂકવામાં આવશે અને ખાસ તો સફારી પાર્કની સાથે સાથે કન્ઝર્વેશન બ્રિડીંગની પણ વ્યવસ્થા થાય તે બાબતનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યો છે. જેથી ભવિષ્યમાં પણ અહીંથી પ્રાણીઓને જંગલમાં છોડી શકાય. કચ્છમાં રહેલી જૈવ વિવિધતાથી આવનારા પ્રવાસીઓ પણ અવગત થાય અને તેના થકી કન્ઝર્વેશન થાય તે બાબતે વન વિભાગ પ્રયત્ન કરી રહ્યું છે.
સફારી ડિઝાઇન મુદ્દે ટેન્ડરીંગ પ્રક્રિયા: ઉલ્લેખનિય છે કે કચ્છમાં આ પ્રકારની પહેલી જંગલ સફારીની શરૂઆત થશે. હાલમાં કચ્છ જિલ્લામાં કુલ 4 અભયારણ્ય અને છારીઢંઢ સંરક્ષિત ક્ષેત્ર આવેલા છે. હાલમાં જ નારાયણ સરોવર અભયારણ્ય વિસ્તારમાં સફારીની ડિઝાઇન મુદ્દે ટેન્ડરીંગ પ્રક્રિયા થઇ ચૂકી છે અને હાલ આયોજન તબક્કામાં છે. નારાયણ સરોવર અને તેની આસપાસ અનોખી ઇકો-સિસ્ટમ છે. નારાયણ સરોવર વન્યજીવન અભયારણ્ય એપ્રિલ 1981માં સૂચિત કરવામાં આવ્યું હતું અને અહીં 184 પ્રકારના પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં 19 જેટલા શિકારી પક્ષીઓની પ્રજાતિનો સમાવેશ થાય છે.
પ્રવાસીઓને અનેક પ્રાણીઓ જોવા મળશે: નારાયણ સરોવરમાં ઘાસિયા મેદાન અહીં જંગલ સફારી માટે અનુકૂળ સાબિત થશે અને આ જંગલ સફારી થકી વાઇલ્ડ લાઇફ ટુરિઝમનો પણ કચ્છમાં વિકાસ થશે. નારાયણ સરોવર અભયારણ્ય કુલ 444.23 ચો કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. નારાયણ સરોવર અભયારણ્યમાં ચિંકારા, કાળિયાર અને ચિતરની વસ્તી વધારે જોવા મળે છે. આ સાથે જ વરુ,હેણોત્રો, લોમડી, ઝરખ, જંગલી બિલાડી, શાહુડી અને સસલા જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. આમ આવનારા સમયમાં કચ્છના લોકો તેમજ કચ્છ ફરવા આવતા પ્રવાસીઓને હવે જંગલ સફારીની પણ મોજ માણવા મળશે.