- સાતમ - આઠમનો તહેવાર મોંઘવારીના કારણે બનશે ફિક્કો
- મોંઘવારીએ તહેવારોનો ઉત્સાહ છીન્યો
- દૂધ, તેલ, ડ્રાય ફ્રુટ વગેરે જેવી ખાદ્ય ખોરાકની વસ્તુમાં ભાવ વધારો
કચ્છ: એક બાજુ કોરોનાની ત્રીજી લહેરની મહામારીનો લોકોને ડર છે. બીજી તરફ રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, ગોકુળાષ્ટમી, ગણેશ ચતુર્થી વગેરે તહેવારો આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં લોકો આર્થિક રીતે તથા શારીરિક રીતે લોકો ઉભા થયા નથી. તહેવારો અને અસહ્ય મોંઘવારીને કારણે લોકોને તહેવારો બનાવવા મુશ્કેલ બન્યું છે. તહેવારોમાં મીઠાઈ અને ફરસાણ અને ખાસ જરૂરિયાત હોય છે પરંતુ ખાંડ, દૂધ, ડ્રાય ફ્રુટના ભાવમાં વધારો થવાથી મીઠાઈના ભાવમાં તથા તેલના ભાવ વધવાથી ફરસાણના ભાવમાં વધારો થયો છે.
મીઠાઈ અને ફરસાણના ભાવમાં 5-10 ટકાનો વધારો
સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થઇ ગયો છે. તેથી ભાવ વધી જતા ફરસાણ મોંઘા થઇ ગયા છે. મીઠાઈના વેપારીઓએ કહ્યું કે, હાલમાં દૂધના ભાવમાં પણ બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. તેલના ભાવમાં પણ વધારો થયો છે અને બીજી તરફ અફઘાનિસ્તાન સ્થિતિના કારણે બદામ પિસ્તા કાજુ સહિતના ડ્રાય ફુટના ભાવમાં પણ 2 થી 3 ગણો વધારો થયો છે. જેથી વેપારીઓ પણ મીઠાઈ અને ફરસાણની કિંમતમાં 5 થી 10 ટકાનો વધારો કરવા મજબૂર થયા છે.
મોંઘવારીના લીધે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું
આજે શનિવારે રાંધણ છઠ્ઠ છે. આજના દિવસે ગૃહીણીઓ પોતાના ઘરે સાતમ માટે રસોઈ બનાવે છે. આજે ગૃહિણીઓ પૂરી, થેપલા, શક્કરપારા, દહીં વડા જેવું ઠંડું બનાવતા હોય છે. ઘણા લોકો બજારમાંથી પણ આ વસ્તુઓ ખરીદતા હોય છે પરંતુ ગેસ સિલિન્ડર, દૂધ અને ખાદ્ય તેલ તથા અન્ય ખાદ્ય ખોરાકની વસ્તુઓમાં ભાવ વધારો આવ્યો હોવાથી તમામ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.
વેંચાણમાં ઘટાડો થશે
આ ઉપરાંત આ મહિનાની આખર તારીખમાં તહેવારો આવતાં હોવાથી ઘણા લોકો પાસે રૂપિયા નહીં હોય, તે ખરીદીમાં કાપ મૂકીને લોકો ખરીદી કરશે. ઉપરાંત બે ત્રણ દિવસની રજા આવતી હોવાથી મોટાભાગના લોકો રજા માણવા જતા હોય છે માટે ખરીદી ખૂબ ઓછા પ્રમાણમાં થશે અને વેચાણમાં ઘટાડો થશે.
કાચા માલના ભાવ વધતા મીઠાઈ અને ફરસાણના ભાવમાં પણ વધારો કરવો પડ્યો: વેપારી
હાલ તેલ, ઘી, દૂધ, ડ્રાય ફ્રુટના ભાવોમાં વધારો થયો છે અને ઉપરથી કોરોનાની સંભવિત ત્રીજી લહેરના કારણે લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લોકો ખરીદી પણ ઓછી કરી રહ્યા છે અને તમામ કાચા માલના ભાવમાં વધારો થતાં મીઠાઈ અને ફરસાણના ભાવમાં પણ વધારો કરવો પડ્યો છે.
તહેવારોની ઉજવણીના રંગમાં મોંઘવારીએ ભંગ નાખ્યો: ગૃહિણી
સાતમ આઠમના તહેવારોમાં આપણે જે મિષ્ટાન ફરસાણ બનાવતા હોઈએ તેવા સમયે જ ખાંડ, તેલના, ડ્રાય ફ્રુટના ભાવમાં વધારો આવ્યો છે અને મોંઘવારીએ તહેવારોની ઉજવણીના રંગમાં ભંગ નાખ્યો છે અને તેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
રાજાઓના કારણે ઘરાકીમાં ફરક પડ્યો: વેપારી
હાલ તેલ, ઘી, દૂધ બધાના ભાવમાં વધારો થયો છે એટલે એમને પણ મીઠાઈ અને ફરસાણમાં થોડો ઘણો વધારો કરવો પડ્યો છે. આખર તારીખો આવી ગઈ છે અને રજા આવી ગઈ છે, ત્યારે દુકાનમાં ઘરાકીમાં ફરક પડ્યો છે.
કોરોનાના સમયમાં તો ભાવ ઓછા હોવા જોઈએ: ગૃહિણી
એક ગૃહિણીએ કહ્યું કે, રાંધણ છઠ્ઠ, સાતમ, આઠમા ત્રણે તહેવારો સાથે આવે છે અને આ તહેવારોમાં ઠંડુ બનતું હોય છે. ત્યારે મેંદો, ઘી, તેલ, ડ્રાય ફ્રુટ છે તમામના ભાવોમાં વધારો થયો છે કોરોનાનાં સમયમાં તો ભાવ ઓછા હોવા જોઈએ. જેથી લોકો તહેવારની ઉજવણી કરી શકે.