કચ્છ : આજના આ આધુનિક યુગમાં લોકો વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા રહે છે. ત્યારે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ભુજના યુવાનો એકબીજાના સંપર્કમાં આવ્યા અને કચ્છની જુદી જુદી જગ્યાઓ પર જઈ રહ્યા છે. જ્યાં આજ સુધી કોઈ પહોંચ્યું ના હોય કોઈ ફરવા ના ગયું હોય તેવી જગ્યાએ દર રવિવારે સવારના ટ્રેકિંગ કરવા માટે જઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને કચ્છમાં આવેલ વિવિધ નાના મોટા નનામી ડુંગર પર ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. સારા વરસાદ બાદ કચ્છની પ્રકૃતિનો નજારો પણ અદભુત જોવા મળી રહ્યો છે.
આવી રીતે શરુ થયો પ્રવાસ : ભુજનો યુવાન રાજગોર રાજ જેને કચ્છની અંદર અન્વેષિત જગ્યા પર ફરવાનો શોખ છે. તેણે પોતાના 3-4 મિત્રો સાથે જુદી જુદી જગ્યાએ ફરવાનું નક્કી કર્યું હતું. તે કચ્છની અનએક્સપ્લોરેડ જગ્યાઓ પર ફરવા ગયા કે જ્યાં આજ સુધી કોઈ લોકો પહોંચ્યા ન હોય. ત્યારબાદ સોશિયલ મીડિયામાં તસવીરો અને વિડીયો વાયરલ થતાં તેમની સાથે અન્ય યુવાનો જોડાયા હતા. દર રવિવારે આ સંખ્યામાં વધારો થતો ગયો અને હાલમાં 50-60 જેટલા યુવાનો આવી રીતે વિવિધ સ્થળો પર ટ્રેકિંગ કરવા જઈ રહ્યા છે.
સહેવાણીઓને અપીલ : કોઈ પણ વ્યક્તિ ફરવા જાય અને ત્યાંની પ્રકૃતિને માણી તેને કેમેરામાં કેદ કરે છે. બાદમાં વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આ અંગે જાણ કરે છે. ત્યારે સ્વાભાવિક લોકોને પણ ત્યાં જવાનું મન થતું હોય છે. ત્યારે પ્રકૃતિના આવા સ્થળો કે, જે લોકોની અવરજવરથી વંચિત છે. તેવા સ્થળ પર લોકો જઇને કચરો ન કરે તેમજ ત્યાંની પ્રકૃતિને નુકસાન ન પહોંચાડે તે માટે પણ ભુજના આ યુવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે.
જોવા જઈએ તો કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે અને કચ્છમાં અનેક અનએક્સપ્લોરેડ સ્થળો છે. ઉંડાણપૂર્વક જોતા કચ્છમાં અનેક જગ્યા એવી છે કે, જ્યાં હજુ સુધી કોઈ પહોંચ્યું નથી. હાલમાં અમે વરાળ ડુંગર અને વિંછીયો ડુંગરનો ટ્રેક કર્યો કે જે ડુંગરને લોકો જોઈ તો શકે છે પરંતુ તેઓ ક્યારેય તેના પર ગયા નથી. ત્યાં પહોંચ્યા બાદ પ્રકૃતિનો અદભુત નજારો જોવા મળે છે. આવા અનેક સ્થળોએ ટ્રેકિંગ કરવું શક્ય છે. પરંતુ યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય ગ્રુપ સાથે ટ્રેકિંગ કરવામાં આવે તો જ સહેલાઈથી કચ્છના અનએક્સપ્લોરેડ સ્થળે જઈ શકાય છે.-- રાજ રાજગોર (એક્સપ્લોરર)
ખાસ આયોજન : ભુજ બ્લોગર્સ અને પાર્ટ ટાઇમ નો મેડના નામથી ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવતા અને કચ્છમાં જુદાં જુદાં સ્થળે એક્સપ્લોર કરતા રાજગોર રાજે જણાવ્યું હતું કે, અમે લોકો ભુજના લોકો માટે અલગ અલગ પ્રવુતિઓ કરતા હોઈએ છીએ. છેલ્લાં 3 વર્ષથી કચ્છની જુદી જુદી જગ્યાઓ શોધીને ત્યાં ટ્રેકિંગ કરી રહ્યા હતા. ત્યારે આ વખતે વિચાર્યું કે અમે 3-4 લોકો જ ટ્રેકિંગ કરી છીએ તો અમારી સાથે બીજા લોકો પણ જોડાય. માટે દર રવિવારે ટ્રેકિંગનું આયોજન કરવામાં આવે છે.
ટ્રેકિંગનો ઉદ્દેશ્ય : ટ્રેકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હોય છે કે લોકો કચ્છની વિવિધ જગ્યાએ મુલાકાત કરે. ઉપરાંત લોકો ક્યાંય કચરો ન ફેલાવે તેમજ પ્રકૃતિને નુકસાન ન પહોંચાડે એ જ મુખ્ય અપીલ પણ રહેતી હોય છે. આ ઉપરાંત લોકોને સંદેશો પણ એ જ આપીએ છીએ કે, તમે પણ તમારી શોધેલી જગ્યાએ જાઓ તો કચરો ન ફેલાવો. શરૂઆતના સમયમાં એક્સપ્લોર કરવા સમયે 4-5 લોકોનું ગ્રુપ હતું. જ્યારે હવે 50 થી 60 યુવાનો ભેગા થઈ ગયા છે.