- હેરોઈન મામલે મુંદરામાં 5 દિવસથી બે કન્ટેઈનરની ચાલતી તપાસના અંતે 3000 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો
- સૂત્રો અનુસાર આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત અંદાજિત 9000 કરોડ
- મુન્દ્રા પોર્ટ સિવાય પણ અન્ય 5 શહેરોમાં પણ તપાસ હાથ ધરાઇ
કચ્છ: જિલ્લાના મુન્દ્રા પોર્ટ પર પકડાયેલા હેરોઈન પ્રકરણમાં DRI તેમજ અન્ય તપાસ એજન્સિઓ દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ હતી અને મુન્દ્રા પોર્ટ સિવાય પણ અન્ય 5 શહેરોમાં પણ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ગાંધીધામ, માંડવી, દિલ્હી અમદાવાદ અને ચેન્નઈમાં પણ આ પ્રકરણ સબંધિત તપાસ કરવામાં આવી હતી, ત્યારે આગામી દિવસોમાં આ પ્રકરણમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે. ઉપરાંત આ પ્રકરણમાં સંડોવાયેલ આરોપીઓ કોણ છે તે પણ બહાર આવી શકે છે.
આ પણ વાંચો: હેરોઈન કેસમાં ધરપકડ કરવા ગયેલી ATSના હાથે બોમ્બ બ્લાસ્ટનો આરોપી પણ ઝડપાયો
ટેલ્ક સ્ટોનના નામે હેરોઈન કન્ટેનરમાં છૂપાવવામાં આવ્યું
આ હેરોઈનનો જથ્થો આંધ્રપ્રદેશના વિજયવાડાની આશી ટ્રેડિંગ કંપનીએ માલ લોડ કરતી વખતે કસ્ટમને કન્ટેનરમાં સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન હોવાનું જાહેર કર્યું હતું. આ હેરોઈનનો જથ્થો ઈરાનના અબાસ બંદર પરથી લોડ કરવામાં આવ્યો હતો. આ કેફી દ્રવ્ય મૂળ અફઘાનનું છે. DRI ની ટીમને બાતમી મળતાં આ કામગીરી હાથ ધરાઈ હતી અને બે કન્ટેનરમાં તપાસ કરવામાં આવી હતી અને કુલ અંદાજિત 3000 કિલો જેટલો જથ્થો બંને કન્ટેનરમાંથી મળી આવ્યો હતો. આ કેફી દ્રવ્યોની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આંકવામાં આવે તો અંદાજિત 9000 કરોડ છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.