આગામી 26 ડિસેમ્બરે થનારૂ સૂર્યગ્રહણ મૂળ રીતે કંકણાકૃતિ પ્રકારનું સૂર્યગ્રહણ છે. આ ગ્રહણનો ઉદય પૃથ્વી પર સાઉદી અરેબિયાથી થશે, ત્યારબાદ ગ્રહણપથ ઓમાનથી અરબી સમુદ્ર વાટે ભારતના દક્ષિણી ક્ષેત્રમાંથી પસાર થઇ પ્રશાંત મહાસાગરમાં આ ગ્રહણનો અસ્ત થશે. ભારતમાં કેરળના કુનુરથી તામિલનાડુના મોટાભાગના વિસ્તારમાં મહતમ કંકણાકૃતિ ગ્રહણ જોવા મળશે, જયારે બાકીના ભારત તથા ગુજરાતમાં ખંડગ્રાસ પ્રકારનું સૂર્યગ્રહણ જોવા મળશે.
સૂર્યગ્રહણ અંગે વિશેષ માહિતી આપતા સ્ટારગેઝીંગ ઇન્ડિયાના નિશાંત ગોરે જણાવ્યું હતું કે, સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે જ થાય છે, કારણ કે, માત્ર અમાસના દિવસે જ સૂર્ય અને ચંદ્ર એક જ રાશીમાં હોય છે. તેમનું કોણીય અંતર શૂન્ય ડીગ્રી હોય છે. ચંદ્રનો પરિક્રમાપથ અને પૃથ્વીનો પરિક્રમાપથ એકબીજાને જ્યાં છેદે છે, તે છેદન બિંદુ પર સૂર્ય અને ચંદ્ર આવે છે, ત્યારે પૃથ્વી પરથી સૂર્યગ્રહણનો નજારો જોવા મળે છે. આ છેદન બિંદુઓને ભારતીય ખગોળશાસ્ત્રમાં રાહુ અને કેતુના નામે ઓળખવામાં આવે છે. આકાશમાં મોટા ભાગે સૂર્ય અને ચંદ્ર આપણને એક સરખા જ જોવા મળતા હોય છે કારણ કે, સૂર્ય એ ચંદ્ર કરતા લગભગ 400 ગણો મોટો છે, પરંતુ તેનાથી 400 ગણો દુર પણ છે.
આ ગ્રહણની વિશેષતાઓ સાથે વિગતો જોઈએ તો 26મી ડિસેમ્બરે સૂર્યનું પૃથ્વીથી સરેરાશ અંતર 14,95,97,871 કિલોમીટર કરતા ઓછું હોય ત્યારે સૂર્યનું બિંબ નજીક હોઈ સૂર્ય તેના સરેરાશ કદ કરતા મોટો દેખાય. તેની સાથે સાથે ચંદ્રનું પૃથ્વીથી સરેરાશ અંતર 3,85,000 કિલોમીટરના અંતર કરતા વધુ છે, જેથી ચંદ્રનું કદ સામાન્ય કરતાં નાનું દેખાય છે, આ પરિસ્થિતિમાં જો ગ્રહણ થાય તો, આ ગ્રહણ દરમ્યાન ચંદ્રની તક્તી સૂર્યની તક્તીને પૂરેપૂરી ઢાંકી શકતી નથી, જેથી સંપૂર્ણ ગ્રહણને બદલે સૂર્યની વચ્ચોવચ ચંદ્ર આવી જાય છે, અને તેની આસપાસ સૂર્યનું અગ્નિ વર્તુળ દેખાય છે. જેને અંગ્રેજીમાં રીંગ ઓફ ફાયરના નામે પણ ઓળખવામાં આવે છે. સૂર્ય બંગડી(કંકણ) આકારે દેખાતો હોવાથી તેને કંકાણાકૃતિ સૂર્યગ્રહણ કહેવાય છે.
કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી અને સ્ટારગેઝીંગ ઇન્ડીયાના સહસંસ્થાપક નરેન્દ્ર ગોર જણાવે છે કે, આ પહેલા સૂર્યગ્રહણ ભારતમાંથી 15 જાન્યુઆરી 2010ના જોવા મળ્યું હતું. તે સમયે નરેન્દ્ર ગોર સાથેની કચ્છની એક ટીમે કન્યાકુમારી જઈ આ ગ્રહણનો અભ્યાસ કર્યો હતો. જે બાદ ભારતમાં આ પ્રથમ સૂર્યગ્રહણ છે. આ રીતે સૂર્યગ્રહણ જોવું એ એક દુર્લભ ઘટના છે, જે કોઈ સ્થળ પરથી ભાગ્યે જ જોવા મળે છે. આ સૂર્યગ્રહણ બાદ 21 જુન 2020ના ફરીથી સૂર્યગ્રહણ જોવા મળશે. આ બાદ હવે ફરી 2034માં ભારતમાંથી સૂર્યગ્રહણ જોવા મળશે.
આજના વિદ્યાર્થીઓમાં ખુબ જ ઓછા વિદ્યાર્થીઓ હશે જેમને સૂર્યગ્રહણ જોવાનો મોકો મળ્યો હતો. તેમણે વધુંમા ઉમેર્યુ હતું કે, સૂર્યગ્રહણને જોવામાં કેટલીક તકેદારીઓ રાખવી અત્યંત જરૂરી છે, સૂર્યની સામે નરી આખે જોવાથી આંખને કાયમી નુકશાન પહોંચી શકે છે, જેથી સૂર્યની સામે યોગ્ય સલામતી ફિલ્ટર વિના જોવું હિતાવહ નથી.
કચ્છના જાણીતા આંખના ડૉક્ટર શ્રી સંજય ઉપાધ્યાયે સૂર્યગ્રહણ જોવા બાબતે જણાવ્યું હતું કે, સામાન્ય પરિસ્થિતિમાં સૂર્યની સામે થોડી ક્ષણોથી વધું જોઈ શકાતું નથી. આ સમય દરમિયાન આંખની કિકી ઝીણી થઇ જાય છે અથવા આંખમાં પાણી આવી જાય છે, જે આપણી આંખની પ્રતિકારક પ્રક્રિયા છે, જેના કારણે આંખને નુકશાન થતું અટકે છે, હવે સમજીએ કે, જ્યારે આ જ રીતે આપણે સૂર્યગ્રહણ વખતે જોઈએ તો શું થાય? ચંદ્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય છે, એના કારણે સૂર્યની પ્રકાશીતતામાં ઘટાડો નોંધાય છે, જયારે તેમાંથી આવતા હાનિકારક વિકીરણોમાં કોઈ ઘટાડો થતો નથી, જેથી આંખને નુકશાની થઇ શકે છે અને તે નુકશાની કાયમી રીતે ખોડ પણ ઉત્પન કરી શકે છે. જેથી સૂર્યગ્રહણને નરી આંખે ન જોવાની સલાહ આપવામાં આવે છે, તેના માટે યોગ્ય વૈજ્ઞાનિક ફિલ્ટર તથા 14 નંબરનો વેલ્ડીંગ ગ્લાસને ઉપયોગમાં લઇ શકાય અથવા સૂર્યનું પ્રોજેક્શન કરી ગ્રહણ નિહાળી શકાય છે, પરંતુ એક્ષરે ફિલ્મ, ફોટોગ્રાફિક ફિલ્મ, પાણીમાં પ્રતિબિંબ જેવી તમામ અવૈજ્ઞાનિક પદ્ધતિઓથી આંખને નુકશાન થવાની સંભાવના વધું પ્રમાણ રહેલી છે.
વિદ્યાર્થીઓમાં સૂર્યગ્રહણ અંગે સમજ કેળવાય, તે માટે કચ્છની અનેક શાળાઓ જેમ કે, નિંગાળ પ્રાથમિક શાળા, આગાખાન શાળા મુન્દ્રા, લાલન કોલેજ, લેઉવા પટેલ કન્યા વિદ્યાલય, આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલય જેવી અનેક શાળાઓમાં પ્રેઝન્ટેશન અને ગ્રહણ કેવી રીતે જોવું એની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી છે. આ અંગે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો સ્ટારગેઝીંગ ઇન્ડિયાના 9879554770 તથા 9428220472 નંબર પર સંપર્ક સાધી શકો છો. કચ્છ ગુજરાતના ખગોળ રસિકો, શિક્ષકો આ વૈજ્ઞાનિક ઉત્સવમાં ઉમંગભેર જોડાય અને જાહેર જનતા, વિદ્યાર્થીઓ માટે ગ્રહણ દર્શન, સમજ આપતા કાર્યક્રમ કરે તેવી અપીલ કરવામાં આવી છે.
ઉપરાંત સૂર્યગ્રહણ નિહાળવાના કાર્યક્રમનું આયોજન પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમ (RSM) ભૂજ ખાતે તા. 26 ડિસેમ્બર 2019ના સવારે 8 થી 11 કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દૂરબીન, સોલાર ફિલ્ટર્સ, પિન-હોલ કેમેરા, નાસા દ્વારા રિંગ ઓફ ફાયરનું જીવંત પ્રસારણ, વિષય નિષ્ણાત સાથે ચર્ચા, ક્વીઝ તથા વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી સૂર્યગ્રહણ નિહાળવાનું આયોજન કરાવામાં આુવશે.
પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમ, ભુજનું નિર્માણ ભુજીયા ડુંગર પાસે, સ્મૃતિવન નજીક, માધાપર રોડ, ભુજ ખાતે 10 એકરની જગ્યામાં અંદાજે રૂપિયા 80 કરોડના ખર્ચે થઇ રહ્યું છે. પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમ, ભુજમાં અદ્યતન કક્ષાની 6 ગેલેરીઓ નિહાળવા મળશે, જેમાં સ્પેસ સાયન્સ ગેલેરી, મરીન નેવિગેશન ગેલેરી, બોન્સાઇ ગેલેરી, નેનોટેક્નોલોજી ગેલેરી, એનર્જી સાયન્સ ગેલેરી, ફોલ્ડ્સ મેડલ ગેલેરીનો પણ સમાવેશ થાય છે.