- સાંગનારાના લોકોએ ગૌચર જમીન પર પવનચક્કીના વિરોધ માટે રેલી કાઢી
- અન્ય ગામો તથા વિવિધ 10 જેટલી સંસ્થાઓનો સહયોગ
- ગૌચર જમીન તથા વન્યજીવોને બચાવવા કરાઈ રહ્યો છે વિરોધ
કચ્છ: જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પવનચક્કી કંપનીઓ દ્વારા બળજબરીપૂર્વક વીજ વાયરો પસાર કરવા માટે ટાવર ઉભા કરવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર ખેડૂતો દ્વારા કંપનીઓનો વિરોધ કરાઈ રહ્યો હોવા છતાં ખેડૂતોનો અવાજ દબાવીને તેમની માગ અવગણીને કંપનીઓ દ્વારા દાદાગીરી પૂર્વક કામગીરી કરાઈ રહી છે.
વિકાસના નામે વિનાશ કરવામાં આવી રહ્યું છે
સાંગનારા ગામ 1200 હેક્ટરમાં વિસ્તરેલું છે અને જેમાંથી 700 હેક્ટરમાં જંગલ છે અને 196 હેક્ટરમાં ગૌચર જમીન આવેલી છે. સાંગનારા ગામના લોકોએ નિર્ણય કર્યો છે કે, જંગલ બચાવવા તથા વૃક્ષ બચાવવા અભિયાન કરવામાં આવી રહ્યું છે તથા ગૌચર બચાવવા તેઓ વિકાસના નામે વિનાશ કોઈપણ ભોગે કરવા નહીં દે. પવનચક્કીઓ તેમજ વીજ લાઈનો મીઠા વૃક્ષોના જંગલો તેમજ ખેડૂતોના ખેતરો, બગાયતો, પશુ ચરીયાણની જમીનો તેમજ ગૌચર જમીનોમાં નિયમોને નેવે મૂકીને ઉભા કરવામાં આવે છે તથા પોલીસની ધાક ધમકીથી વિકાસના નામે વિનાશ કરવામાં આવી રહ્યું છે.
NGTમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો
નખત્રાણાના સર્કલ ઓફિસરે પવનચક્કીની માંગણીવાળી જમીનમાં માત્ર છૂટા છવાયા ગાંડા બાવળ અને અન્ય નાના ઝાડી ઝાંખરા આવેલા છે તેવું પંચનામુ કર્યું હતું. જેના આધારે 40 જેટલી પવનચક્કીઓ મંજૂર કરવામાં આવી હતી. પરંતુ NGT (National Green Tribunal) એ કરેલા સર્વેમાં આ સ્થળ પર 28 હજાર જેટલા વૃક્ષો હોવાનું બહાર આવ્યું હતું.
500 જેટલા લોકોએ ગૌચર જમીન બચાવવા વિરોધ રેલી કાઢી
પ્રકૃતિને બચાવવા કંપનીઓ સામે સાંગનારા ગામલોકો વિરોધ કરી રહ્યા છે. માટે ગૌચર,પશુ ચરીયાણ જંગલો, ખેડૂતોના ખેતરોને બચાવવા માટે આજે સાંગનારા ગામના લોકો, ખેડૂતો, માલધારી સંગઠનો તેમજ ભારતીય કિસાન સંઘ તથા પર્યાવરણના સંગઠનો સાથે મળીને 500 જેટલા લોકોએ સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. આ વિરોધમાં સાંગનારા ગામના લોકોને જુદી જુદી 10 થી 12 જેટલા સંગઠનો અને સંસ્થાઓએ આ લડતમાં સાથ આપ્યો છે.

જુદી જુદી 10 સંસ્થાઓએ વિરોધને સમર્થન આપ્યું
ઉલ્લેખનીય છે કે અગાઉ ખેડૂતો ટેન્ટ બાંધી અને ખેતરો માજ રાત્રિ રોકાણ કરીને કંપનીઓને પવનચક્કી ન નાંખવા મુદ્દે વિરોધ કર્યો હતો. તો આજે શુક્રવારે મોટી સંખ્યમાં ગામના લોકો, ખેડૂતો, માલધારીઓ તથા આજુબાજુના ગામોના લોકો, વિવિધ સંસ્થા અને સંગઠનોના લોકો એકત્રિત થઈને પવનચક્કીના વિરોધ તથા જંગલ બચાવવા માટે વિરોધ રેલી કાઢી હતી.
ગૌચરની જમીન પર એક પણ પવનચક્કી ઊભી કરવા આપશું નહીં
2015માં સુઝલોન કંપની દ્વારા ગામમાં વિકાસના નામે પવનચક્કીના 6 પોઇન્ટ નાખવામાં આવ્યા હતા અને પર્યાવરણને નુકસાન થતું જોયા બાદ નક્કી કર્યું કે, હવે પછી કોઈ કંપનીને ગામમાં પવનચક્કી ઊભી કરવા આપવી નથી. 2019માં બીજા 29 પોઇન્ટના હુકમ આવ્યા હતા. 3 કંપનીઓના અને આ વિસ્તારમાં ગૌચર જમીન આવેલી છે. જેના માટે તેનો વિરોધ કરાયો તો અમારા પર તંત્ર દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. તેમ છતાં લોકોએ હાર માની નથી અને હજી પણ તેમની સામે લડત ચલાવી રહ્યા છે અને NGTમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

અમારી લડત સરકાર સામે નથી
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, અમારો વિરોધ સરકાર સામેનો નથી, પવનચક્કીઓ સામેનો વિરોધ છે. અમારા ગામમાં લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે. આ ઉપરાંત ગામમાં લોકો કરતાં વધારે પશુધન છે અને તેમને ચરવા માટેની જમીન ગૌચર જમીન પર પવનચક્કી ઊભી કરવા ઈચ્છતી કંપનીઓ સામે અમારી લડત છે.
જાણો શું કહ્યું પ્રાંત અધિકારીએ?
આ સમગ્ર બાબતે સાંગનારા ગ્રામ પંચાયતના પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, અરજી અમને મળી હતી કે, ગામમાં ગૌચરની જમીન પર પવનચક્કીનો પોઇન્ટ મળેલો છે, પરંતુ 2015માં જ કલેકટર દ્વારા પોઇન્ટ મંજૂર કરેલા હતા તેમ છતાં અહીંથી DILR ને ખરાઈ કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવી છે અને એના રિપોર્ટના આધારે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.