- નવનિર્મિત બોડી દ્વારા આજ સુધીના 100 દિવસ દરમિયાન કરવામાં આવેલી કામગીરી પ્રજા સમક્ષ મૂકાઈ
- પાણીની સમસ્યા હલ કરવા માટેના સઘન પ્રયાસો હાથ ધરાયા
- નગરપાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત કરવાના કાર્યો પણ કરાયા
કચ્છ : ચૂંટણીની પ્રક્રિયા બાદ ભુજ નગરપાલિકા (Bhuj Municipality)ની નવનિર્મિત બોડી દ્વારા 16 માર્ચના રોજ ચાર્જ સાંભળવામાં આવ્યો હતો, ત્યારથી 23 જૂન સુધીના 100 દિવસોમાં નવી બોડી દ્વારા કરવામાં આવેલી કામગીરી પ્રજા સમક્ષ લાવવામાં આવી હતી.
પારદર્શક વહીવટ રહે તે માટે 100 દિવસનો હિસાબ પ્રજાને અપાયો
પારદર્શક વહીવટ રહે તે માટે ભુજ નગરપાલિકા (Bhuj Municipality)ના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા લઈને તેમના કાર્યકાળના પ્રથમ 100 દિવસનો હિસાબ (100 day account) બુધવારે મીડિયાના માધ્યમથી પ્રજાને આપવામાં આવ્યો હતો.
શહેરમાં નવિનીકરણના કાર્યો કરવામાં આવ્યા
આ 100 દિવસની કામગીરીની વાત કરવામાં આવે તો શહેરના હૃદયસમા હમીરસર તળાવની મધ્યમાં આવેલા રાજેન્દ્રપાર્કના નવિનીકરણના મંજૂર થયેલા કામો શરૂ કરવામાં આવ્યાં છે. ભુજ શહેરના જુદા જુદા 26 વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને hotel lake view થી મંગલમ ચાર રસ્તા સુધીના માર્ગમાં ફુટપાથ, બેસવા માટેના બાંકડાઓ, સુશોભિત લાઇટિંગની વ્યવસ્થા માટે નાણાંની તાત્કાલિક જોગવાઈ કરાવીને ખાતમુર્હૂત વગર જ કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
શહેરના વિકાસ માટે અનેક કાર્યો કરાયા
આ ઉપરાંત ચોમાસાના દિવસો નજીક આવતા હમીરસર તળાવની પાસે તૂટેલી દિવાલનું કામ ઝડપથી શરૂ કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં મંજૂર થયેલા સીસી રોડના કામો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યા હતા. સામાજિક સંસ્થા પર વધારાનો કાર્યબોજ ન નાખીને હમીસર તળાવની સંપૂર્ણ સાફસફાઈ નગરપાલિકાએ સ્વયં કરી હતી તથા ખારી નદી સ્મશાનગૃહ તરફ જતો માર્ગ ખુબ જર્જરિત હોવાથી માત્ર 36 કલાકમાં જ આ જર્જરિત માર્ગનું સમારકામ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ કટિબદ્ધ
પાણીની સમસ્યા હલ કરવા માટેના સઘન પ્રયાસો હાથ ધરાયા
ભુજ નગરપાલિકા (Bhuj Municipality)ની નવી બોડી દ્વારા પાણીની સમસ્યા હલ કરવા માટેના સઘન પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં શિવકૃપા નગર તથા હિલગાર્ડન ખાતે પાણીના સમ્પનું કાર્ય તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું તથા 28 mld પાણી 20 કલાકમાં શુદ્ધિકરણ થઈ શકે તેવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો.
નગરપાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત કરવાના કાર્યો કરાયા
16 માર્ચ 2021થી નવી બોડીએ કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારથી 31 માર્ચ 2021 સુધીમાં 1,48,04,498 રૂપિયા વ્યવસાય વેરા તથા પાલિકાની ભાડે આપેલી દુકાનોના ભાડા સ્વરૂપે નગરપાલિકાની તિજોરીમાં જમા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ભુજ નગરપાલીકાની General meetingમાં જુદી-જુદી સમિતિઓની રચના કરાઈ
ભવિષ્યમાં પ્રજાલક્ષી કાર્યોને વેગ અપાશે
આ ઉપરાંત નગરપાલિકા દ્વારા કોરોના કાળમાં ભુજના વિવિધ વિસ્તારો પણ તથા સમગ્ર બજાર વિસ્તારમાં અને વિવિધ સોસાયટીઓમાં સેનિટાઈઝેશનની કામગીરી પણ કરવામાં આવી હતી. નગરપાલિકાની શબવાહિની સતત કાર્યરત રહેતા વધારાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થતાં ભુજ નગરપાલિકાએ નિ:શુલ્ક ધોરણે ઉપયોગ કરવા માટે શબવાહિનીની વ્યવસ્થા પણ કરી હતી. આ ઉપરાંત ભુજ નગરપાલિકા (Bhuj Municipality) દ્વારા આગમી સમયમાં પાલિકા દ્વારા વિકાસના તમામ કાર્યોને વેગ આપવામાં આવશે તથા પ્રજાની સમસ્યાઓ દૂર કરવામાં આવશે.
ભુજ નગરપાલિકાના પ્રમુખે Etv Bharat સાથે વાતચીત કરી
આ 100 દિવસના સરવાળા અંગે Etv Bharat સાથે વાતચીત કરતા ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, પ્રજાએ અમને જંગી બહુમતીથી જીતાડી સતાના સ્થાન પર બેસાડ્યા છે ત્યારે પ્રજાને જાણવાનો અધિકાર છે કે, તેમના દ્વારા ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ કેવું કાર્ય કરી રહ્યા છે માટે આજે અમે પ્રજા સમક્ષ આ પારદર્શક હિસાબ મૂક્યો છે.