આ વર્ષે જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, સાથે જ યક્ષ મેળાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે.
મેળામાં ખાણીપીણીની સાત બજારો ઉપરાંત 700 થી વધુ સ્ટોલ્સ, ચકડોળ, મોતનો કૂવો, જાદુગર તેમજ મનોરંજનના સાધનો જોવા મળશે.આ 4 દિવસીય મેળામાં પાંચેક લાખ લોકો ઉમટે તેવી શકયતા છે. મેળામાં અસામાજિક તત્વો પર નજર રાખવા ભુજના વિભાગીય પોલીસવડા પંચાલ માર્ગદર્શન હેઠળ 12 PSI અને 200 પોલીસ જવાનોનો બંદોબસ્ત તૈનાત કરાયો છે.
કચ્છવાસીઓ મોટા યક્ષના મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે. આ મેળા દરમિયાન આજે રાત્રે સંતવાણી, કાલે રામા મંડળ અને મંગળવારે બખ મલાખડો યોજાવાનો છે. મીની તરણેતર સમાન આ મેળામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે CCTV કેમેરા મૂકવામાં આવ્યાં છે.
પ્રથમ જ વાર કચ્છના મોટા યક્ષના મેળામાં આ વખતે મલ્ટી પર્પઝ ઇન્ફોર્મેશન ધરાવતા મેગા પેવેલિયન અને મોદી સેલ્ફી પોઈન્ટ ઉભા કરાયા છે. મોટા યક્ષના મેળાની બરાબર મધ્યમાં ઉભા કરાયેલા આ પેવેલયનની થીમ વિશે આયોજન કરનાર સરકારી કચેરી પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય ગુજરાતના એડિશનલ ડાયરેકટર જનરલ ડો. ધીરજ કાકડીયા કહ્યું હતું કે, "લોકમેળાઓના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી કામગીરી સાથે લોકો જોડાય અને તે વિશે જાણકારી મેળવે તેમાં મુખ્ય આશય સાથે આયોજન કરવામાં આવ્યું છે."
મોટા યક્ષના મેળામાં આવનાર કચ્છી માડુઓ મોદી-૨ સરકારની 100 દિવસની કામગીરીથી વાકેફ થઈને અત્યારે અમલી પ્રજાલક્ષી 33 જેટલી યોજનાઓની માહિતી મેળવશે ઉપરાંત મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મ શતાબ્દી ને ધ્યાને લઈને આ પેવેલિયનમાં મહાત્મા ગાંધી વિશેની માહિતી તેમના જીવન સંદેશ વિશેની જાણકારી પણ કચ્છના આ મેળામાં મૂકવામાં આવી છે.
મોટા યક્ષના મેળામાં આ પેવેલિયનને ખુલ્લો મૂક્યા બાદ રાજ્ય પ્રધાન વાસણભાઇ આહિર અને સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેળાઓ લોકસેવાનું માધ્યમ બની શકે છે. મોટા યક્ષના લોકમેળામાં ઉભા કરાયેલ આ મલ્ટી પર્પઝ ઇન્ફોર્મેશન પેવેલિયનની મુલાકાત લેવા તેમણે લોકોને અપીલ કરી હતી. આ આઉટ રિચ એક્ઝિબિશને નિહાળ્યા બાદ વાસણભાઇ આહીર અને વિનોદ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સેલ્ફી પોઇન્ટની મુલાકાત લઈ સેલ્ફી લીધી હતી.