- દિવાળીના તહેવારમાં એસ.ટી.નિગમને વધારાની 16 લાખની આવક
- એસ.ટી નિગમ દ્વારા 306 જેટલી ટ્રીપનું સંચાલન
- ઓનલાઇન બુકિંગ મારફતે 6500 ટિકિટ બુક થઈ
કચ્છ : દિવાળીના તહેવાર દરમિયાન (diwali vacation ) કચ્છમાં મુસાફરી કરતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, ત્યારે અનેક લોકોએ એસ.ટી. બસની સેવાનો લાભ લઈ અને બસની મુસાફરી કરી છે. કચ્છ જિલ્લામાં એસ.ટી વિભાગ દ્વારા 306 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન એસ.ટી વિભાગ (Kutch ST department )ને વધારાની 16 લાખ રૂપિયા જેટલી આવક થઈ હતી. તેવું એસ.ટી વિભાગના વિભાગીય નિયામક વાય.કે.પટેલે જણાવ્યું હતું.
ઓનલાઇન બુકિંગ મારફતે 15 લાખ રૂપિયાની આવક
કોરોના સંક્રમણ ઓછું થતાં જ લોકો હરવા ફરવા બહાર નીકળી રહ્યા છે, ત્યારે તહેવારોના દિવસોમાં એસ.ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ, પાલનપુર, મહેસાણા વગેરે જિલ્લાઓમાં પણ વધારાની બસોની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત 6500 જેટલી ટિકિટોનું બુકિંગ તો ઓનલાઇન કરવામાં આવ્યું હતું અને ઓનલાઇન બુકિંગ મારફતે 14 લાખથી 15 લાખ રૂપિયાની આવક માત્ર ઓનલાઇન બુકિંગ મારફતે થઈ છે.
તહેવારો દરમિયાન કુલ 44 લાખ રૂપિયાની આવક થઈ
એસ.ટી.વિભાગને અંદાજિત 30 લાખ રૂપિયાની આવક થઇ છે જેમાં તહેવારો દરમિયાન વધારાની આવક ઉમેરીને 44 લાખ રૂપિયાની આવક થઈ છે. ઉપરાંત આ વખતે રોગચાળો ફેલાયો હોવાથી ડ્રાઈવર કંડેકટર પણ બીમાર હોવા છતાં એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને સવલત પૂરી પાડવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.
રણોત્સવ દરમિયાન એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવશે
આ ઉપરાંત રણોત્સવ શરૂ થઈ ગયો છે, ત્યારે પ્રવાસીઓ પોતાની ગાડી કરીને આવે છે તથા અહીં પ્રાઇવેટ વાહનો ભાડે કરતા હોય છે, પરંતુ એસ.ટી વિભાગ દ્વારા પણ રણોત્સવ સુધી જવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવશે તથા લગ્ન સીઝન દરમિયાન પણ મુસાફરોને સવલત મળે તે માટે વિભાગ દ્વારા આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો: Tourist Destination : દિવાળીના વેકેશનમાં કચ્છ બન્યુ મોસ્ટ ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન
આ પણ વાંચો: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કચ્છ બોર્ડર જવાનો સાથે કરશે દિવાળીની ઉજવણી