- રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવવા યોજનાના અમલીકરણ માટે કરાઈ અપીલ
- ભારતમાં રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવ યોજનાનો અમલ થશે તો 39મો દેશ બનશે
- ભારત સરકાર દ્વારા યોજના અંગે સકારાત્મક જવાબ મળ્યો
કચ્છ: રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવવા યોજનાના અમલીકરણ માટે ઓમ ફાઉન્ડેશને સર્વપ્રથમ 2018માં કચ્છ સુસાઈડ પ્રિવેન્શન ફોરમ અને 2020માં નેશનલ સુસાઈડ પ્રિવેન્શન ફોરમનું નિર્માણ કરેલું છે, જેમાં 6 મનોચિકિત્સકો સાથે વિભિન્ન સંસ્થાઓના અગ્રણીઓ જોડાયા છે. nationalsuicidepreventionforum.in જેના અંર્તગત સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે આત્મહત્યા અટકાવા અંગે જનજાગૃતિ કાર્યક્રમો સાથે દેશમાં તે સંદર્ભે રાષ્ટ્રીય યોજના બને તેના માટે વડાપ્રધાનને ટ્વિટ દ્વારા અપિલ કરવામાં આવી હતી.
વડાપ્રધાનને યોજના અંગે અનેક વાર અપીલ કરાઈ
દેશમાં આત્મહત્યા અટકાવવા માટે રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવવા યોજના નિર્માણ કરવા અંગે ડો. દેવજ્યોતિ શર્મા 2014થી દર વર્ષે દેશના વડાપ્રધાનને અપીલ કરી રહ્યાં હતા. જેના અનુસંધાને સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સહાયક ડાયરેક્ટોરેટ જનરલ ડો.આલોક માથુરનો પત્ર ડો.શર્માને 16 ડિસેમ્બર 2019માં પ્રાપ્ત થયો છે, જેમાં સરકાર દ્વારા આત્મહત્યા અટકાવવા કામગીરીની માહિતી આપેલી છે પણ તેમાં રાષ્ટ્રીય યોજના વિશે કંઈ માહિતી આપેલી ન હતી. તે સંદર્ભે વિશ્વ આત્મહત્યા અટકાવ દિવસે (10 સપ્ટેમ્બર 2020) ડો. શર્માએ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આત્મહત્યા અટકાવવા માટે રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવ યોજના બનાવવા માટે અપીલ કરી હતી. જેની નોંધ લઈને ભારત સરકાર તરફથી 15 સપ્ટેમબર 2020ના જોઈન્ટ સેક્રેટરી સહેલી ઘોષ રોયએ ડો.શર્માને આત્મહત્યા અટકાવવા માટે રાષ્ટ્રીય યોજના બનાવવાની સલાહ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
યોજના અંગે સરકારનો સકારાત્મક જવાબ મળ્યો
07 ડિસેમ્બર 2020ના રોજ સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ વિભાગના ડાયરેકટર (એડવાઈઝર) ઓમા નંદે ડો.શર્મા દ્વારા કરેલી અપિલના સંદર્ભે સકારાત્મક જવાબ આપ્યો હતો કે આ વિષય ડાયરેકટોરેટ જનરલ (સ્વાસ્થય સેવા) હેઠળ વિચારાધીન છે. પછી ફરી ડો.શર્મા દ્વારા કરેલી અપિલના સંદર્ભે ભારત સરકાર તરફથી ડેપ્યુટી સેક્રેટેરી નૂરિન બક્ષ દ્વારા 4 માર્ચ 2021ના રોજ ડો.શર્માને જાણ કરાઇ હતી કે, રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના અંગે વર્તમાન સમયમાં સરકાર પાસે આ યોજના વિચારધીન છે.
રાજ્યસભા અને લોકસભાના સાંસદોને માર્ગદર્શિકા મેઈલ કરાઈ
આ ઉપરાંત 2020માં વિશ્વ આત્મહત્યા દિવસના ઉજવણી પ્રસંગે રાજ્ય સભાના 237 સંસદ સભ્ય અને લોકસભાના 514 સાંસદ સભ્યોને રાષ્ટ્રીય યોજનાના વિકાસ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રકાશિત માર્ગદર્શિકા 'National Suicide Prevention Strategies- Progress, Examples and Indicators' પણ મેઈલ કરવામાં આવી હતી.
ભારત સરકારના સકારાત્મક જવાબની જાણ કરાઈ
સરકાર તરફથી રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના (National Suicide Prevention Strategy) અંગે મળેલા સકારાત્મક પ્રતિક્રિયા મળતાં તેની જાણ ડૉ. દેવજ્યોતિ દ્વારા એડિનબર્ગ યુનિવર્સિટી (Edinburgh University)ના એમેરિટસ પ્રોફેસર સ્ટીવ પ્લોટને કરવામાં આવી હતી કે, જે અસરકારક રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણની પ્રતિષ્ઠા અને પ્રથાનો વિકાસ સાથે સંકળાયેલા છે. તેમને પણ ડૉ. દેવજ્યોતિ શર્માને જણાવ્યું હતું કે, આ જાણીને આનંદ થયો કે તમારા જેવા લોકોએ આત્મહત્યા અટકાવવા માટે રાષ્ટ્રીય યોજનાનું નિર્માણ કરવા માટે ભારત સરકારનું ધ્યાન દોર્યું છે.
યોજના સંદર્ભે આવેદનપત્ર પણ આપવામાં આવશે
કચ્છ સુસાઈડ ફોરમના પ્રમુખ હેમંત ઠકકર, નેશનલ સુસાઈડ ફોરમના પશ્ચિમ ઝોનના પ્રભારી મનોચિકિત્સક ડો.ધૈવત મહેતા, ડો.રામ ગઢવી, ડો.નરેન્દ્ર હિરાણી, ડો.સુરેશ પટેલ, ડો.દિપેશ ઠકકર, શાંતિલાલ પટેલ, અશોક માંડલિયા, શૈલેન્દ્ર રાવ, ધવલ રાવલ, સુનીતા ભાનુશાલી, જયંતિ વાઘેલા, વિરજી મહેશ્વરી અને અન્ય સંસ્થાઓના અગ્રણિઓ સાથે બેઠક કરીને દેશના નવા આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાને પણ આ સંદર્ભે ઝડપી પગલા લેવા માટે આવેદનપત્ર આપવામાં આવશે.
જો ભારતમાં રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવ યોજનાના અમલ થશે તો તે 39મો દેશ બનશે
ડો.શર્મા મુજબ રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવ યોજનાના અમલ હાલ વિશ્વના 38 દેશમાં થઈ રહ્યો છે, ભારત રાષ્ટ્રીય આત્મહત્યા અટકાવ યોજનાનો અમલ કરી વિશ્વમાં 39મો દેશ બનશે.
આ પણ વાંચો: કોરોનાને કારણે કચ્છમાં 26 બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી, સરકાર સહાયરૂપી હૂંફ આપશે
જાણો શું કહ્યું મનોચિકિત્સકે?
કચ્છમાં દર મહિને શિવ તાંડવ ભાવ વિરેચન મનોપચાર પદ્ધતિનો ઉપયોગ કરીને વ્યક્તિનું માનસિક તણાવ દૂર કરવામાં આવી રહ્યું છે અને આત્મહત્યા અટકાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં કચ્છના ગામડાઓમાં માનસિક આરોગ્ય અર્થે જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવશે.