વાપીઃ થાઇલેન્ડના પ્રવાસથી મુંબઈ એરપોર્ટ ઉતરી ત્યાંથી બાંદ્રા આવી કચ્છ એકપ્રેસમાં ભુજ જવા નીકળ્યા હતા, ત્યારે ટ્રેનમાં 4 મુસાફરોના હાથમાં કોરોના સ્ટેમ્પના ચિહ્નો જોતા રેલવે RPFને જાણ કરી હતી. બાદમાં રેલવેની ટીમે પાલઘરમાં ચારેય મુસાફરોને ટ્રેનમાંથી ઉતારી ચેકીંગ કરી ટ્રેનને રવાના કરી હતી અને તુરંત જ ટ્રેનના જે કોચમાં મુસાફરો હતા તે કોચને વાપીમાં સેનીટાઇઝેશન કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, મૂળ કચ્છના ભુજ શહેરના બે યુવકો અને 2 યુવતીઓ કચ્છ એક્સપ્રેસના B-1 કોચમાં ભુજ જવા માટે મુસાફરી કરી રહ્યા હતાં, ત્યારે કોચમાં રહેલા મુસાફરોએ તેઓના હાથ પર Quarantine stamp (suspecting corona infection)નું ચિન્હ જોયું હતું. જે અંગે રેલવે RPFને જાણ કરતા રેલવેની RPF અને ઇમરજન્સી ટીમે ટ્રેનને પાલઘર ખાતે રોકી ચારેય મુસાફરોની પૂછપરછ કરી હતી. જેમાં 1 મિત લાખાણી, ભૂમિત નંદા, નીલમબેન, દિવ્યા લાખાણી નામના આ મુસાફરો થાઈલેન્ડ પ્રવાસે ગયા હતાં અને ત્યાંથી મુંબઈ એરપોર્ટ પર તેમનું મેડિકલ ચેકીંગ કરાયું હતું. તે દરમિયાન તેઓના હાથ પર આ ચિન્હ કરાયું હોવાનું સામે આવ્યું હતું.
રેલવે વિભાગે તેમનું ચેકીંગ કરી તેમના પાસપોર્ટ સહિતના દસ્તાવેજોની ચકાસણી કરતા તમામ નોર્મલ હોવાનું જણાયું હતું, પરંતુ મુસાફરોમાં ગભરાટ ન ફેલાય તે માટે તેઓને ટ્રેનને બદલે કાર દ્વારા બાય રોડ પ્રવાસ કરવાનું જણાવતા ચારેય મુસાફરો ખાનગી વાહનમાં સબંધીને ત્યાં જવા નીકળ્યા હતાં.
તો, બીજી તરફ સાવચેતીના પગલારૂપે રેલવે વિભાગ દ્વારા કચ્છ એકપ્રેસ ટ્રેનને વાપી રેલવે સ્ટેશને થોભાવી ટ્રેનના જે કોચમાં શંકાસ્પદ કોરોનાના મુસાફરો હતા. તે કોચને સેની ટાઇઝેશન કરી ટ્રેનને રવાના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન રેલવે વિભાગે ગુરુવારે આવા કુલ 17 પ્રવાસીઓનું ચેકીંગ કર્યું હતું. જેઓ દુબઈ, થાઈલેન્ડ, ફ્રાન્સના પ્રવાસેથી પરત આવી મુંબઈ એરપોર્ટ પર મેડિકલ ચેકઅપ બાદ રાજધાની એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં સવાર હતાં. જેઓના હાથ પર home quarantineના સ્ટેમ્પ જોવા મળતા તેઓને પાલઘર અને સુરત રેલવે સ્ટેશને પૂછતાછ કરી ટ્રેનને બદલે અન્ય વાહનોમાં જવા માટેની ફરજ પડાઈ હતી.