ભૂજ: કચ્છનું વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ કે જે રણોત્સવના લીધે પ્રવાસીઓનું મનપસંદ સ્થળ બન્યું છે. આ સફેદ રણમાં પ્રવાસીઓની અવર-જવર વધતા ગામડાઓનો પણ વિકાસ થયો છે. સાથે-સાથે સ્થાનિક લોકોને પણ ફાયદો થયો છે. કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા ગ્રાઉન્ડ સ્તરે સર્વે કરીને સફેદ રણનું અર્થશાસ્ત્ર પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ધોરડોના સર્વાંગી વિકાસના તમામ પાસાઓનો બારીકાઈથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સફેદ રણના અર્થશાસ્ત્ર વિષય પર સંશોધન: કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર કલ્પના સતીજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે,અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ડેઝર્ટ ઇકોનોમિકસ હેઠળ ખાસ કરીને સફેદ રણના અર્થશાસ્ત્ર વિષય પર સંશોધન કરવામાં આવ્યું છે.જેના તારણો બાદ એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. આ પુસ્તકમાં અનેક મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. જેમાં મહત્વનું પાસું રૂરલ ડેવલપમેન્ટનું છે, કે જેમાં ગ્રામીણ વિકાસને એક આંતરરાષ્ટ્રીય સ્તર સુધી કઈ રીતે લઈ જવું. આજની તારીખમાં ધોરડો એક નાનું ગામ છે કે જેને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફલક મળ્યું છે એ ફક્ત અને ફક્ત પ્રવાસન ઉદ્યોગને કારણે મળ્યું છે.
50 જેટલાં ઘરોનો સર્વે: અર્થશાસ્ત્રના વિદ્યાર્થી અને પ્રોફેસર દ્વારા સર્વે: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ આ સફેદ રણનો વિકાસ કરવામાં આવ્યો હતો, અને જે તે સમયના પ્રવાસનના જે પ્રિન્સિપલ સેક્રેટરી હતા વિપુલ મિત્રા એમના દ્વારા આ એક વિસ્તારને એક આગવી ઓળખ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ગામના ટોટલ 50 જેટલા ઘરનું સર્વે કરવામાં આવ્યો છે, અને દરેક ઘરમાં પ્રશ્નોતરી ભરાવવામાં આવી છે. આ સંશોધન દ્વારા એવું જાણવા મળ્યું હતું કે ખરેખર રણોત્સવના કારણે આ એક નાના ગામનો જે વિકાસ થયો છે તે અવિશ્વસનીય છે.
કલા દ્વારા આર્થિક પીઠબળ મળ્યું: રણોત્સવના કારણે સમગ્ર ધોરડો ગામનો વિકાસ થયો છે, તેને એક પાસુ ગણી શકાય. આ ઉપરાંત રણોત્સવના કારણે સ્થાનિક લોકોનો સામાજિક અને આર્થિક રીતે પણ વિકાસ થયો છે. અહીં શિક્ષણનું સ્તર પણ ઊંચું આવ્યું છે. આરોગ્ય ક્ષેત્રે પણ સુવિધાઓ વિકસી છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ ગામની મહિલાઓમાં સશક્તિકરણ વધારે જોવા મળ્યું છે. જે મહિલાઓ અગાઉ તેમની હસ્તકલાની આવડતને પોતાના ઘર પૂરતું સીમિત રાખતી હતી અને પોતાના ઘરમાં ઉપયોગમાં આવે તેવી હસ્તકળા કરતી હતી, પરંતુ રણોત્સવની શરૂઆતથી 4 મહિના સુધી પોતાની કલા દ્વારા તેમને આર્થિક પીઠબળ મળ્યું છે. રણોત્સવમાં મહિલાઓ પોતાની કળાના સ્ટોલ પર વેંચાણ કરીને આર્થિક ઉપાર્જન કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી: આ ઉપરાંત જે મહિલાઓ ઘરની બહાર નીકળી ન હતી તે મહિલાઓ આજે હિસાબ કરતી થઈ છે. લોકોના બેંકમાં એકાઉન્ટ ખુલી ગયા છે. આવી મહિલાઓ ગામની અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્રોત તરીકે પણ ઉભરી આવી છે, હસ્ત કળા ઉદ્યોગના કારણે પણ આર્થિક ઉપાર્જન વધ્યું છે. આ ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ પણ આ ગામમાં જોવા મળી રહી છે, જેમાં રોડ રસ્તા, બેંક, પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, ATM, મોબાઈલ નેટવર્ક 24×7 ઉપલબ્ધ છે. આ તમામ સુવિધાઓ વિકસાવવા તેમજ ગામડાના લોકોનું જીવનધોરણ ઉપર લઇ આવવા પાછળ ધોરડો ગામના સરપંચ મિયા હુસેનનો પણ મહત્વનો ફાળો રહ્યો છે અને ગામના લોકોને સાથે રાખીને ગામના વિકાસ માટે પ્રયત્નો કર્યા છે, અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે એક ગામડાનો વિકાસ કરવો હોય તો કંઈ રીતે કરી શકાય અને જો સરપંચ ધારે તો એક નાના ગામડાને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડી શકે છે.
ધોરડો ગામનું ગ્રામ્ય અર્થતંત્ર: આ પુસ્તકમાં સંશોધન દરમિયાનના અન્ય તારણો પણ નોંધવામાં આવ્યા છે, જેમાં ધોરડો ગામના ગ્રામ્ય અર્થતંત્રની વાત કરવામાં આવે તો રણોત્સવ પછી ગામના રસ્તાઓ પાકા થયા છે અને પાકા રસ્તાઓને રણોત્સવ સુધીના માર્ગ સુધી લંબાવવામાં આવ્યા છે. જેનો અર્થ એમ થયો કે ગામમાં આંતર માળખાકીય સુવિધાનો સારો એવો વિકાસ થયો છે. આ ઉપરાંત ગામના કુલ 80 ટકા લોકો પાસે બીપીએલ કાર્ડ છે અને આ 80 ટકામાંથી 70 ટકા લોકો એવા છે જે દવાખાનામાં સારવાર અર્થે બીપીએલ કાર્ડનો ઉપયોગ કરે છે. ગામમાં સામાજિક સલામતી અને સુરક્ષા માટે પોલીસ તંત્ર પણ સક્રિય છે. ગામમાં જે વિવિધ સરકારી સંસ્થાઓ છે જેવી કે શાળા, આરોગ્ય કેન્દ્ર, પંચાયત કાર્યાલય જેવા સ્થળોએ લેન્ડલાઈન અને ફોનની સગવડ પણ ઉપલબ્ધ છે. આ ગામમાં દિવસ દરમિયાન બે વખત એસટી બસ પણ આવે છે તેનો અર્થ એ થયો કે ગામમાં લોકોને એક ગામથી બીજા ગામ જવામાં સ્થળાંતર કરવામાં કોઈ મુશ્કેલી સર્જાતી નથી. આ સર્વે પરથી એવું જાણવા મળ્યું છે કે ગામના વિકાસ માટે ગામના સરપંચ ગામના વિકાસ માટે જે પ્રકારની કામગીરી બજાવે છે તે પ્રકારની કામગીરીથી ગામના લોકો પણ સંતુષ્ટ છે.
રોજગારીમાં વધારો: રણોત્સવમાં આવેલ વાહનચાલકોના અભ્યાસ પરથી જણાયું કે રણોત્સવ દરમિયાન 80 ટકા વાહન ચાલકોની આવકમાં વધારો થયો છે. રણોત્સવમાં સ્ટોલ ધરાવનાર દુકાનદારોના અભ્યાસ પરથી એવું જણાયું કે રણોત્સવ દરમિયાન તેમની વસ્તુઓના વેચાણમાં વધારો થયો છે. ધોરડો ગામની નજીક આવેલ ભીંરડીયારા ગામમાં આવેલ માવાની દુકાનોના અભ્યાસ પરથી એવું જણાયું કે રણોત્સવને લીધે પ્રવાસીઓ ભીંરડીયારા ગામમાં આવતા થયા છે અને તેથી આ ગામની 60 ટકા જેટલી દુકાનોમા માવાનું વેચાણ વધતા દુકાનદારોની આવકમાં પણ વધારો થયો છે.
સફેદ રણની પ્રવાસન પરની અસરો: રણોત્સવને લીધે રણોત્સવમાં આવેલ રેસ્ટોરન્ટવાળાની આવકમાં પણ વધારો થયો છે. રણોત્સવ દરમિયાન 80 ટકા જેટલા રેસ્ટોરન્ટમાં પ્રવાસીઓ દ્વારા ગુજરાતી અને પંજાબી ભોજનની માંગ વધુ થાય છે. તેથી તેમની આવકમાં પણ વધારો થયો છે. રણોત્સવમાં આવેલા સ્થાનિક, રાજ્ય બહારના અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને રણોત્સવની સુંદરતા, સ્વચ્છતા અને રણોત્સવના નીતિ-નિયમો, હસ્તકલાની વસ્તુઓ, રણોત્સવના રેસ્ટોરન્ટનો ભોજન વગેરે આકર્ષે છે તેથી દર વર્ષે રણોત્સવમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય છે અને કચ્છના પ્રવાસન ક્ષેત્રને વેગ મળે છે. રણોત્સવને લીધે ધોરડો ગામને એક ઓળખ મળી છે તેમજ રણોત્સવ જેવા આયોજનોથી ધોરડો ગામના લોકોમાં શિક્ષાણ અને રોજગારીના પ્રમાણ પણ વધારો થયો છે.
વિવિધ વિષયો પર સંશોધન અને તારણો: આમ આ સંશોધનમાં હસ્તકલા ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ, સરકારની પ્રવાસન અંગેની નીતિ, ગ્રામ્ય અર્થતંત્ર,સફેદ રણની પ્રવાસન પર આશરો વગેરે જેવા વિષયો પર પણ સર્વે કરીને તારણો મેળવવામાં આવ્યા છે અને વિસ્તારપૂર્વક સફેદરણનું અર્થશાસ્ત્ર પુસ્તકમાં નોંધવામાં આવ્યું છે.