ગાંધીધામઃ કચ્છમાં શ્રી બાગેશ્વર બાબા અને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા 5 દિવસીય હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરબારમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ શ્રદ્ધાળુ અને ભક્તજનોએ પોતાની સમસ્યાનું નિરાકરણ પણ મેળવ્યું હતું. ભક્તો ઉપરાંત આ દિવ્ય દરબારમાં ધારાસભ્ય સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્ય દરબારઃ આ કાર્યક્રમમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ સનાતન ધર્મની રક્ષા માટે લોકોને જાગૃત થવાની અપીલ કરી હતી. તેમજ હનુમાનજીની ભક્તિની તાકાત અને સામર્થ્યનું વર્ણન પણ કર્યુ હતું. આ દિવ્ય દરબારમાં કાજલ હિન્દુસ્તાની ઉપસ્થિત રહ્યા હતા. સવાર 11 કલાકથી જ ગાંધીધામના દાદા ભગવાન ગ્રાઉન્ડ ખાતે ભકતોની ભારે જનમેદની એકત્ર થઈ હતી. હજારો ભક્તોએ રામનામ જપીને પોતાની અરજી લગાવી હતી. અનેક ભક્તોને ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની પાસે બોલાવીને તેમની સમસ્યાનું નિરાકરણ આપ્યું હતું. શાસ્ત્રીજીએ નકારાત્મક ઊર્જા દૂર કરી હનુમાનજીમાં આસ્થા રાખવાની સલાહ આપી હતી.
151 ગરીબ દીકરીઓના લગ્નઃ દિવ્ય દરબાર શરુ થયા બાદ 1.30 કલાકે ધીરેન્દ્ર શાસ્ત્રી આવી પહોંચ્યા હતા. તેમણે શ્રી બાગેશ્વર ધામ ખાતે 151 ગરીબ દીકરીઓના લગ્નના આયોજનની જાહેરાત પણ કરી હતી. તેમણે ઉપસ્થિત ભક્તગણને બાગેશ્વર ધામ ખાતે રુબરુ મુલાકાત લેવાનું પણ કહ્યું હતું.
ગાંધીધામ ખાતે યોજાયેલ 5 દિવસીય હનુમંત કથા અને દિવ્ય દરબારનો લાભ અનેક ભક્તોએ લીધો છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભક્તોની અરજી મુજબ તેમના પ્રશ્નોના નિરાકરણ રજૂ કર્યા હતા. બાગેશ્વર સેવા સમિતિ, કચ્છ દ્વારા બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે...માલતી મહેશ્વર (ધારાસભ્ય,કચ્છ)
બાગેશ્વર સેવા સમિતિ, કચ્છ દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમને આશા કરતા વધી સફળતા મળી છે. જેનો બધો શ્રેય ભક્તોને ફાળે જાય છે. અમે જે ભાવનાથી કાર્યક્રમ યોજ્યો હતો તે સાકાર થઈ છે...સુરેશ ગુપ્તા(અધ્યક્ષ, શ્રી બાગેશ્વર સેવા સમિતિ, કચ્છ)