જેમાં કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના પ્રાધ્યાપક ડૉ.કનિષ્ક શાહ અને તેમની ટીમ દ્વારા બનાવવામાં આવેલી ‘રિબૂટિંગ મહાત્મા’ ફિલ્મની પસંદગી કરવામાં આવી છે. આ લઘુ ફિલ્મ મહાત્મા ગાંધીજીના આદર્શો પર આધારિત છે. આ ફિલ્મની કરવામાં આવેલી પસંદગી એ કચ્છ માટે ગૌરવની વાત ગણી શકાય.
કેલિફોર્નિયાના લોસ એંજલસમાં આઇજીએફએફ અનુક્રમે 7, 8, 9 જૂન અને 15, 16 જૂનના ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે. ડાયરેક્ટર ઉમેશ શુક્લાના અધ્યક્ષપદે યોજાનારા ફિલ્મ ફેસ્ટિવલમાં જય વસાવડા, ગોપી દેસાઇ અને સૌમ્ય જોશી જ્યુરી તરીકે સેવા આપશે. ડૉ. શાહે રિબૂટિંગ મહાત્માનું લેખન, દિગ્દર્શન અને સંવાદનું કામ સંભાળ્યું હતું. આ શોર્ટ ફિલ્મમાં અભિનય ડૉ. શાહ અને રિષી જોષી (પીએચ.ડી. રિસર્ચ સ્કોલર, અંગ્રેજી વિભાગ, કચ્છ યુનિવર્સિટી) દ્વારા, મ્યૂઝિક સાહિલ ઉમરાણિયા દ્વારા, ગ્રાફિક્સ રાજ (આર.કે. મીડિયા વર્કસ) દ્વારા આપવામાં આવ્યું છે. હાર્દિક સોલંકી (નેપથ્ય-ધ બેક સ્ટેજ)ના સહયોગથી આ શોર્ટ ફિલ્મને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવામાં એમબીએ (કચ્છ યુનિ.)ના વિદ્યાર્થીઓ એલેકઝાન્ડર અફઘાન, અક્ષય ઠાકોર, સદામ મોરૈયા, રોહિત બારૂપાર, જય ખિસતરિયા તેમજ જગદીશ સોલંકીનું યોગદાન રહ્યું છે.
પ્રોફેસર કનિષ્ક શાહે જણાવ્યું કે, કચ્છ યુનિવર્સિટી દ્વારા ગાંધીજીની 150મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે અંગ્રેજી વિભાગ દ્વારા યોજાયેલા આંતરરાષ્ટ્રીય સેમિનારમાં આ જ વિષય પર નાટિકા રજૂ કરવામાં આવી હતી. જેના આધારે ફિલ્મનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ શોર્ટ ફિલ્મ રિબૂટિંગ મહાત્મા વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવામાં આવશે. ત્યારબાદ ટૂંક સમયમાં દર્શકો ડિજિટલ પ્લેટફોર્મ પર પણ માણી શકશે.