કચ્છ : ગુજરાત, દમણ અને દીવ તથા દાદરા નગર હવેલી NCC ડાયરેકટરેટના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ રમેશ શનમુગમના નિર્દેશ અનુસાર જામનગર NCC યુનિટ અંતર્ગતની નેવી વિંગ દ્વારા 5 નવેમ્બર 2023 ના રોજ સરોવર મંથન 2.0 અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 15 નવેમ્બર 2023 સુધી ચાલનારા આ અભિયાનમાં 210 કિલોમીટર જેટલો વિસ્તાર આવરી લેવામાં આવશે. કચ્છના ઓમ માકાણી દ્વારા આ નૌકાયન યાત્રાના આકાશી દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે.
સરોવર મંથન 2.0 અભિયાન : કચ્છના ગાંધીધામમાં ટપ્પર ડેમથી જામનગર NCC યુનિટના ગ્રુપ કમાન્ડર કર્નલ એચ.કે. સિંઘે સરોવર મંથન 2.0 અભિયાનને ફલેગ ઓફ કરાવ્યું હતું. સરોવર મંથન 2.0 કે જે એક સાહસિક અભિયાન છે, જેનો પ્રારંભ Most Enterprising Naval Unit (MENU) ના ભાગરૂપે થયો છે. આ અભિયાનમાં જામનગર નેશનલ કેડેટ કોર્પ્સ ગ્રુપના 3 અધિકારીઓ, 12 જેટલા પરમેનન્ટ ઇન્સ્ટ્રકટર અને 75 જેટલા નેવલ કેડેટ્સ સામેલ છે. જે પૈકી 35 ગર્લ્સ કેડેટ્સ છે. આ અભિયાનમાં કુલ 27 ફૂટ લાંબી ડ્રોપ કીલ વ્હેલર બોટ નૌકાયનનો હિસ્સો બની છે. કેડેટ્સની સલામતીના ભાગરૂપે આ સમગ્ર અભિયાનમાં બોટમાં સુરક્ષા માટે દોરડા, વિવિધ લાઈફ ગાર્ડ સંસાધનો, જેમીની મિકેનાઈઝડ બોટની વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉપરાંત તમામ કેડેટ્સ દ્વારા લાઈફ જેકેટ પણ પહેરવામાં આવી રહ્યા છે.
MENU 2023 કેમ્પમાં પુલીંગ, સેલિંગ, નુક્કડ નાટક, સ્વચ્છતા અભિયાન અને રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દરરોજ 75 જેટલા કેડેટ્સે 21 કિલોમીટરનું સેલિંગ અને પુલિંગ કર્યું છે. અહીં સુરક્ષા માટેની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે અને વોટર ડીસીપ્લીન પણ શીખવવામાં આવ્યું છે. -- નેન્સી ગોર (PO કેડેટ, ભુજ NCC યુનીટ)
નેવલ કેડેટ્સ માટે સુવર્ણ તક : નેશનલ કેડેટ કોર્પ્સની ટીમ દ્વારા સામાજિક જાગૃતિના વિવિધ કાર્યક્રમો જેવા કે કેન્સર અંગે જાગૃતિ, સ્વચ્છ ભારત અભિયાન, દરિયાકિનારાની સફાઈ, ભારતીય નૌસેનાની કામગીરી અને કારકિર્દી અંગેનું માર્ગદર્શન, સ્વાસ્થ્ય જાળવણી સતર્કતા વગેરે જેવા વિષયો પર કામ કરવામાં આવશે. સરોવર મંથન 2.0 અભિયાન નેવલ કેડેટ્સને દરિયાઈ જીવસૃષ્ટિથી પરિચિત થવાની અનેરી તક આપશે. આ સાથે જ જીવનની રોજિંદી પરિસ્થિતિઓમાં સાહસ અને નેતૃત્વના ગુણોને કેડેટ્સ ઉજાગર કરી શકે તેવો હેતુ પણ આ નૌકાયન અભિયાનનો રહેલો છે.
સામુહિક સફાઈ અભિયાન : NCC ડાયરેક્ટોરેટ ગુજરાત વતી હાથ ધરવામાં આવેલ સરોવર મંથન 2.0 નૌકા અભિયાનમાં 75 કેડેટ્સ દ્વારા અત્યાર સુધીમાં 126 કિમીની સફર પૂર્ણ કરવામાં આવી છે. આ વિસ્તારમાં સમાજ સેવા અને સમુદાયના વિકાસ માટે વિવિધ કાર્યક્રમો યોજી રહ્યા છે. છઠ્ઠા દિવસે યોજાનાર આ કાર્યક્રમને ભુજના 5 ગુજરાત નેવલ યુનિટ એનસીસીના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ સીડીઆર એમ.જી. ગોવિંદે લીલી ઝંડી આપી હતી. NCC કેડેટ્સ દ્વારા અંજાર બસ સ્ટેન્ડ ખાતે સામુહિક સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.
10 દિવસમાં 210 કિમીની યાત્રા : ભુજ NCC યુનિટના PO કેડેટ નેન્સી ગોરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, MENU 2023 કેમ્પનો પ્રારંભ 4 નવેમ્બરથી NCC ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં પુલીંગ, સેલિંગ, નુક્કડ નાટક, સ્વચ્છતા અભિયાન અને રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દરરોજ 75 જેટલા કેડેટ્સે 21 કિલોમીટરનું સેલિંગ અને પુલિંગ કર્યું છે. અહીં સુરક્ષા માટેની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે અને કેડેટ્સને દ્વારા આ અભિયાનમાં વોટર ડીસીપ્લીન પણ શીખવવામાં આવ્યું છે.