કચ્છઃ આરોગ્ય વિભાગે કચ્છમાં આવેલા NRI પૈકી કોઈને કોરોનાનો વાઈરસ છે કે નહીં તે જાણવા માધાપર, કોડકી, માનકૂવા, મિરજાપર અને સુખપર ગામમાંથી 25 NRIના સેમ્પલ મેળવી લેબોરેટ્રીમાં મોકલ્યાં છે. જયારે ભૂજના માધાપર ગામમાં એક પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આ પરિવારના સાસુ-વહુના સંપર્કમાં આવેલાં 23 લોકોના સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.
તો બીજીતરફ આ પરિવારના પુત્રવધુના જામનગર જિલ્લા ધ્રોલ ગામની મુલાકાત બાદ પિયર પરિવારના 8 લોકોના પણ સેમ્પલ લેવાયા છે. બીજી તરફ લખપતની કોરોનાગ્રસ્ત મહિલાનું એક સેમ્પલ કે જેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો બાદ તેનું બીજું એક સેમ્પલ લેબમાં આવ્યુ હતું. પરંતુ, તેનો રીપોર્ટ પેન્ડિંગ રહ્યો છે. આ વચ્ચે આરોગ્ય વિભાગે આ મહિલાનું વધુ એક સેમ્પલ લઈ લેબમાં મોકલ્યું હતુ.
જિલ્લા મેજીસ્ટ્રેટ અને કચ્છ કલેક્ટર આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાઈરસના પગલે કુલ 1269 લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. બહારથી આવેલા શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા 14 દિવસના કવોરોન્ટાઇન પિરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે.
વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના પગલે કોરોના ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન 2020 હેઠળ ધારા 188ના ભંગ બદલ કુલ 265 વ્યકિતઓ સામે FRI નોંધવામાં આવી છે અને રૂપિયા 53, 700 જેટલી રકમનો દંડ કરવામાં આવેલો છે. જાહેરનામાના ભંગ બદલ 351 જેટલા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે.
હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ 1331 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ 21,95,325 લોકોનો સર્વે કરાયો છે. અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં 99.02 ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે.