કચ્છઃ ભુજના માધાપર ખાતે રહેતા આશિષ કંસારાએ રામ મંદિરની આબેહૂબ કલાકૃતિ તૈયાર કરી છે. તેમણે આ કલાકૃતિ રોગાન આર્ટમાં તૈયાર કરી છે. અત્યારે સમગ્ર દેશમાં રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ છવાયો છે. દરેક કલાકાર પોતાની કળામાં રામ મંદિરને અનુલક્ષીને કલાકૃતિ તૈયાર કરે છે. આ શ્રેણીમાં આશિષ કંસારા પણ જોડાયા છે. આ કલાકૃતિ તૈયાર કરવામાં તેમની પત્ની કોમલ કંસારાએ પૂરતો સહયોગ આપ્યો છે.
રોગાન એક દુર્લભ કલાઃ રોગાન આર્ટ કચ્છની દુર્લભ કલામાંની એક છે. હવે કચ્છમાં આ કળાની કૃતિઓ તૈયાર કરતા કલાકારો બહુ જૂજ સંખ્યામાં જોવા મળે છે. આ કલાની કૃતિમાં ખાસ કરીને ટ્રી ઓફ લાઈફની કલાકૃતિ વધુ જોવા મળે છે. જૂના સમયમાં રોગાન આર્ટમાં તૈયાર થયેલ કલાકૃતિ પર અબરખ છાંટવામાં આવતું હતું જેથી આ કલાકૃતિમાં ચમક આવતી હતી. જો કે છેલ્લા 6 વર્ષથી આ કલા સાથે સંકળાયેલ આશિષ કંસારા દેવી દેવતાના ચિત્રો રોગાન આર્ટમાં તૈયાર કરનારા પ્રથમ આર્ટિસ્ટ છે. આશિષ કંસારાએ થોડા દિવસ અગાઉ રાજા રામ દરબારની કૃતિ રોગાન આર્ટમાં તૈયાર કરીને સૌની પ્રશંસા મેળવી હતી. રાજા રામ દરબારની રોગાન કલાકૃતિથી સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.
રામ મંદિરની રોગાન કલાકૃતિઃ રાજા રામ દરબારની રોગાન આર્ટમાં કલાકૃતિ તૈયાર કર્યા બાદ હવે આશિષ કંસારાએ રામ મંદિરની આબેહૂબ કલાકૃતિ રોગાન આર્ટમાં તૈયાર કરી છે. આ કલાકૃતિ પણ બહુ મોહક છે અને સૌનું ધ્યાન ખેંચી રહી છે. બે બાય દોઢ ફિટના કપડા પર આ કૃતિ તૈયાર કરવામાં આવી છે. આ કૃતિ તૈયાર કરવામાં આશિષ કંસારાને તેમની પત્ની કોમલ કંસારાએ પૂરો સહકાર આપ્યો છે. આ બંનેની મહેનતને અંતે 3 દિવસમાં આ મનમોહક કૃતિ તૈયાર થઈ છે. આ કલાકૃતિ પર અબરખને બદલે ગોલ્ડ પાવડર છાંટવામાં આવ્યો છે. જેનાથી સમગ્ર કલાકૃતિ સોનેરી ચમકથી ચમકી ઉઠી છે.
મને આ કલાકૃતિ તૈયાર કરવામાં 3 દિવસ લાગ્યા છે. આ કલાકૃતિમાં રામ મંદિરને આબેહૂબ દર્શાવવામાં આવ્યું છે. આ કલાકૃતિમાં ગોલ્ડ પાવડર છાંટવામાં આવ્યો છે. જેના પરિણામે બે બાય દોઢ ફિટના કાપડ પર તૈયાર થયેલ આ કલાકૃતિ સોનેરી રંગમાં ચમકી ઉઠે છે...આશિષ કંસારા(રોગાન આર્ટિસ્ટ, કચ્છ)