કચ્છ : આજે સમગ્ર વિશ્વની નજર ભારતના ગૌરવ એવા ચંદ્રયાન 3 ની લેન્ડિંગ પર છે. ત્યારે દેશભરમાં જુદાં જુદાં સાયન્સ સેન્ટરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભુજમાં રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ચંદ્રયાન 3 લેન્ડિંગ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચંદ્ર પર ચંદ્રયાન 3 ની લેન્ડિંગ કરીને ભારત હવે ઈતિહાસ રચવામાં ગણતરીના કલાકો જ દૂર છે. ચંદ્રયાન 3 અંતિમ ડિબૂસ્ટિંગ રવિવારના પૂર્ણ કર્યું અને ચંદ્રની ખૂબ નજીક પહોંચી ગયું છે. ત્યારે આજે સાંજે 6 વાગ્યાના અરસામાં ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ પોલ પર ઉતરશે અને આવું કરવાવાળો ભારત પ્રથમ દેશ બનશે.
રિજનલ સાયન્સ સેન્ટર : ભુજ ખાતેના રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ દ્વારા આયોજન અંગેની માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આખો દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશની પ્રતિષ્ઠિત સંસ્થા ઇસરોએ સ્પેસ ટ્યુટર નામનો કાર્યક્રમ લોન્ચ કર્યો છે. જેમાં પૂરા દેશમાંથી કુલ 28 જેટલા સ્પેસ ટ્યુટર નોંધાયા છે. જેમાં ગુજરાતની સંસ્થા ગુજકોસ્ટે સ્પેસ ટ્યુટર તરીકેની માન્યતા પ્રાપ્ત કરી છે. જેના દ્વારા આજે રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 ની સોફ્ટ લેન્ડિંગની ઐતિહાસિક ક્ષણ તથા ભારતીય વિજ્ઞાન અને ટેકનોલોજીના પરાક્રમની ઉજવણી માટે જુદા જુદા આયોજન કરવામાં આવ્યા છે.
સાંજના 5:30 થી 6:30 વાગ્યા સુધી કચ્છના તેમજ ભુજના વિદ્યાર્થીઓ ઉપરાંત જનતા આ કાર્યક્રમમાં જોડાય અને ભારતની ગૌરવ ક્ષણને રિજનલ સાયન્સ સેન્ટર પર લાઈવ જોવા માટે અનુરોધ કરું છું.-- ડો.રાજેન્દ્ર પટેલ (પ્રોજેક્ટ ડાયરેક્ટર, રિજનલ સાયન્સ સેન્ટર-ભુજ)
ચંદ્રયાનની સંપૂર્ણ માહિતી : રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે સવારે એક્સપર્ટ ટોક ઓન લર્નિંગ ફ્રોમ ચંદ્રયાન 1 અને 2 નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે 12 થી 12:30 ચંદ્રયાન-3 પર એક્સપર્ટ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુલાકાતીઓ માટે 12:30 થી 1 ચંદ્રયાન મિશનના પડકારો પર ચર્ચા કરવામાં આવી હતી. બપોર બાદ 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી ચંદ્રયાન-3ના લેન્ડરના સોફ્ટ લેન્ડિંગમાં લાગતા 15 થી 17 મિનિટ કે જેને 17 મિનિટ ઓફ ટરેફિક કહેવામાં આવે છે, તેના પર પ્રેઝન્ટેશન આપવામાં આવશે.
ભારતનું ભવિષ્ય : ત્યારબાદ ચંદ્રયાન 3 ની ચંદ્રના દક્ષિણ પોલ પરની લેન્ડિંગનું લાઈવ પ્રસારણ 250 થી 300 લોકોને બતાવવામાં આવશે. આ ઉપરાંત ભવિષ્યના ઇસરોના મિશન જેવા કે ગગનયાન, મંગલયાન 2, આદિત્ય અને શુક્રયાન વિશે પણ વિદ્યાર્થીઓને આજે સાંજે ખાસ માહિતી આપવામાં આવશે. સ્પેસ સાયન્સમાં રસ ધરાવતા લોકો આ કાર્યક્રમમાં જોડાશે તેવી આશા રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.રાજેન્દ્ર પટેલે વ્યક્ત કરી હતી.