કચ્છ: બિપોરજોય વાવાઝોડાને લઇને સરકાર સતત લોકોની સુરક્ષાને લઇને વિચારી રહી છે. નેતાઓને પણ વિસ્તાર ફાળવીને વાવાઝોડાને લઇને મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભુજ કલેકટર કચેરી ખાતે બેઠક બિપોરજોય વાવાઝોડાને લઇને કરવામાં આવી છે. જેમાં કચ્છની વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને કચ્છ સાંસદ તેમજ કચ્છ જિલ્લા પ્રભારી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. કચ્છના દરિયાઈ વિસ્તારમાં 0 થી 10 કિલોમીટરમાં આવતા 72 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. દરિયાકાંઠાના 9000 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
"વાવાઝોડાનું ખતરો કચ્છના જખૌ પર વધારે વર્તાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ પરિસ્થિતિથી વાકેફ થઇ રહ્યા છે. દરિયાઈ વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરીને સહારો આપવા માટે શેલ્ટર હોમ ઉભા કરવામાં આવ્યા છે. તો વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. તો સ્થળાંતર માટે તેમજ દરિયાઈ વિસ્તારના લોકોને મદદરૂપ થવા માટે અને ખાવા પીવાની વ્યવસ્થા માટે સામાજિક સંસ્થા સાથે પણ બેઠક યોજવામાં આવી છે. સંસ્થાઓ પણ મદદ માટે આગળ આવી રહી છે. આશા છે કે આ વાવાઝોડું પોતાની દિશા બદલાવે અને ગુજરાત અને કચ્છ પરથી ખતરો ઓછો થાય તેવી આશા છે"-- ઋષિકેશ પટેલ (આશા હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર પ્રધાન)
કંટ્રોલ રૂમ પર સંપર્ક: વધુ માહિતી આપતા ઋષિકેશ પટેલ કહ્યું કે લોકોને કંટ્રોલ રૂમની મદદ લેવા અનુરોધ મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુલટીના સંકલ્પ સાથે તમામ આગમચેતીના તૈયારી કરી દેવાઈ છે. તો લોકોને બેથી ત્રણ દિવસ જરૂર વિના ઘરની બહાર ના નીકળવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે. તો લોકોને પણ વાવાઝોડા સમયે તંત્રની મદદ લેવા માટે કાર્યરત કરેલ કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
પ્રવાસીઓ માટે બંધ: 3 દિવસ માટે શાળા, કોલેજો, પ્રસિદ્ધ યાત્રાધામ બંધ તારીખ 13 જુનથી તારીખ 15 જૂન કચ્છની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તો પ્રસિદ્ધ યાત્રાધામ નારાયણ સરોવર અને કોટેશ્વર પણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. તો કચ્છનું સ્મૃતિ વન અર્થકવેક મ્યુઝીયમ અને મેમોરિયલ પણ 3 દિવસ માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યુ છે.