કચ્છ: સમગ્ર કચ્છમાં કાયદાના રક્ષકો પહેરો લગાવી ફરજ બજાવી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં ડ્રોન વડે પણ સ્થિતિ ઉપર નજર રખાઇ રહી છે. લૉકડાઉન ભંગ કરનારાઓને પકડી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરાઇ છે.
આ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે હવે ઘોડેસવાર પોલીસ જવાનોનું પેટ્રોલિંગ શરૂં કરવામાં આવ્યું છે. ભૂજ એસપી સૌરંભ તોલબિંયાએ જણાવ્યું હતું કે, આ ઘોડેસવારો જ્યાં વાહન પહોંચી શકતા નથી તેવા વિસ્તારોને આવરી લેવા સહિતની કાર્યવાહી હાથ ધરશે. લૉકડાઉન પરિસ્થિતિમાં નિયમનો ભંગ કરીને ઘરથી બહાર નીકળનારા સહિતના જવાબદારો સામે આ પોલીસ કડક હાથે પગલાં ભરી રહી છે.
લૉકડાઉનના કડક અમલ સાથોસાથ પોલીસદળ દ્વારા સેવાકીય કાર્યો પણ જાળવી રાખીને સામાજીક ઉતરાદાયિત્વ અવિરત રાખ્યું છે. ભૂજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલને રતીયાથી રાશન લેવા પગપાળા ભૂજ આવી રહેલા વરિષ્ઠ નાગરિકો સહિતના જરૂરતમંદો દેખાતા, તેમણે તેમના ગામે જવાની વ્યવસ્થા સરકારી વાહન મારફતે કરી હતી. જ્યારે 32 કિ.મી. દુર કમાગુના ગામથી ભૂજ પહોંચેલા લોકોને પોલીસે અનાજ સાથે તેમના ઘરે પહોંચાડ્યા હતા.
એસપી તોલંબિયા દૈનિક ધોરણે જિલ્લાના વિવિધ બંદોબસ્તના વિવિધ પોઇન્ટ, શેલ્ટર હોમ અને વરિષ્ઠ નાગરિકો અને નિવૃત પોલીસ અધિકારીઓની પણ મુલાકાત લઈ રહ્યા છે.