કચ્છ : મહિલા દિન નિમિતે (International Women's Day) કચ્છના રણમાં પ્રથમ મહિલા સંત સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી વિવિધ સંપ્રદાય સાથે સંકળાયેલા મહિલા સંતો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સંમેલનમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, સંસાર માટે સમર્પિત કરવાનું સાધ્વીનું જીવન ધર્મ, રાષ્ટ્ર, સમાજ, વ્યકિતને સમર્પિત તમારા જીવનને વંદન છે. વર્ષના 365 દિવસ જે સ્ત્રી પોતાને દિકરી, માં, પત્ની, બેન તરીકે જે ત્યાગ સેવા કરે છે તે આ એક દિવસની દરકાર કરી સન્માન પામે છે.
સશક્ત મહિલાથી સમૃદ્ધ ભારતનું નિર્માણ થાય છે : સ્મૃતિ ઇરાની
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ (Smriti Irani at Mahila Sant Sammelan) જણાવ્યું હતું કે, મહિલા શિક્ષણ દાતા સરસ્વતી રૂપ છે. એવી સશક્ત મહિલા સમૃદ્ધ ભારતનું નિર્માણ કરે છે. વડાપ્રધાનની પરિકલ્પનાથી મહિલાના કલ્યાણ માટે સશક્ત મહિલા સમૃદ્ધ ભારતની પરિકલ્પના છે. દેશમાં લોકડાઉન હતું ત્યારે પણ સખી વન સ્ટોપ કેન્દ્ર ચાલુ હતા. 24 કરોડ બેંક ખાતા માત્રને માત્ર મહિલાઓના છે. દેશમાં મુદ્વા યોજનાથી 80 ટકા લાભાર્થી, ગુજરાતની બહેનો છે. મહિલાઓને 26 અઠવાડિયાની પ્રસુતિની સવેતન રજાઓ, સ્કીલ ઈન્ડિયા હેઠળ સેનાની ત્રણે સેવામાં મહિલાઓ સક્રિય યોગદાન આપી રહી છે. તેમજ કુપોષિત બાળકોને પોષણ અભિયાનમાં જોડાવવા દરેક ગામમાં પ્રચાર પ્રસાર થાય તેમજ બેટી બચાવો બેટી પઢાવોની સાથે કન્યા ભૃણ હત્યા અટકે આ બાબતો સમાજમાં સંચારિત કરવાની તેમણે ભિક્ષામાં માંગી હતી.
પાશ્ચાત્ય સંસ્કૃતિથી દેશને બચાવવાનો પડકાર છે: કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યપ્રધાન
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય પ્રધાન સાધ્વી નિરંજન દેવીએ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસે બે પડકારો મહત્વના ગણાવી તેના પર ચિંતન કરવા અપીલ કરી હતી. વર્તમાન સમયમાં પરિવારને એક રાખવાનો અને પાશ્ચાત્ય સંસ્કૃતિથી દેશને (International Women's Day in Kutch) બચાવવાનો પડકાર છે. મહિલા સંતો સમાજને પડકારો સામે જાગૃત કરવા પ્રેરિત કરે તેવું સૂચન કર્યું હતું.
આ પણ વાંચો : Congress women protest: મહિલાઓને છોડાવવા ગયેલા વિરોધપક્ષના નેતાની અટકાયત બાદ વિધાનસભામાંથી કોંગ્રેસનું વોકઆઉટ
પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનું યોગદાન: કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યપ્રધાન
કેન્દ્રીય રાજ્ય સ્વાસ્થ્ય પ્રધાન ડો. ભારતી પવારે માતા જીજાબાઇ, સાવિત્રીબાઈ ફૂલે સહિતના અન્ય ઉદાહરણો દ્વારા માતૃ શક્તિને મહત્વની ગણાવી પૂર્વજોના આ સંસ્કાર વારસાને આગળ ધપાવવા ઉપર ભાર મૂક્યો હતો. સામાજિક અને રાજકીય ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણ ક્ષેત્રે ખૂબ જ અસરકારક કામગીરી થઈ હોવાનું જણાવ્યું હતું. આવનારા સમયમાં પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનું યોગદાન અતિ મહત્વનું હોવાનું પ્રધાન ડો.પવારે જણાવ્યું હતું.
કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સેમિનારને વડાપ્રધાને વર્ચ્યુઅલી સંબોધી
કચ્છમાં સંમેલનને વર્ચ્યુઅલી સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, "મહિલાઓ નૈતિકતા, વફાદારી, નિર્ણાયકતા અને નેતૃત્વનું પ્રતિબિંબ છે. આપણા વેદ અને પરંપરાએ આહવાન આપ્યું છે કે, મહિલાઓ રાષ્ટ્રને દિશા આપવા માટે સક્ષમ અને સક્ષમ હોવી જોઈએ. મહિલાઓની પ્રગતિ હંમેશા રાષ્ટ્રના સશક્તિકરણને બળ આપે છે. આજે દેશની પ્રાથમિકતા ભારતની વિકાસયાત્રામાં મહિલાઓની સંપૂર્ણ ભાગીદારીમાં રહેલી છે." અહીંની મહિલાઓએ સમગ્ર સમાજને કઠોર પ્રકૃતિ સાથે જીવવાનું શીખવ્યું છે. પડકારો, લડવાનું શીખવ્યું અને જીતવાનું શીખવ્યું. પાણીની જાળવણી માટેની કચ્છની મહિલાઓની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. સરહદી ગામમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો ત્યારે વડાપ્રધાને 1971ના યુદ્ધમાં આ વિસ્તારની વીરાંગના મહિલાઓના યોગદાનને યાદ કર્યું હતું.
PMAY હેઠળ બનેલા 2 કરોડ ઘરોમાંથી મોટાભાગના ઘર મહિલાઓના નામે
વડાપ્રધાને વધુમાં (PM Virtual Addresses Mahila Sant Sammelan) જણાવ્યું હતું કે, ઉપરાંત સરકાર મહિલાઓને આર્થિક મદદ પણ કરી રહી છે. જેના દ્વારા મહિલાઓ આગળ વધી શકે, પોતાના સપના પૂરા કરી શકે અને પોતાનું કામ શરૂ કરી શકે. સ્ટેન્ડ અપ ઈન્ડિયા હેઠળ 80 ટકાથી વધુ લોન મહિલાઓના નામે છે. લગભગ 70 ટકા લોન અમારી બહેનો અને દીકરીઓને મુદ્રા યોજના હેઠળ આપવામાં આવી છે. તેમજ, PMAY હેઠળ બનેલા 2 કરોડ ઘરોમાંથી મોટાભાગના ઘર મહિલાઓના નામે છે.
સરકાર પુત્રીઓના લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવાનો પ્રયાસ કરી રહી છે : વડાપ્રધાન
વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ સરકારે મહિલાઓ માટે પ્રસુતિની રજા 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરી છે. કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા માટેના કાયદા વધુ કડક બનાવવામાં આવ્યા છે. દુષ્કર્મ જેવા જઘન્ય ગુના માટે મૃત્યુ દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. પુત્ર અને પુત્રી સમાન છે તે ધ્યાનમાં રાખીને વડાપ્રધાને જણાવ્યું હતું કે, સરકાર પુત્રીઓના લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવાનો પ્રયાસ કરી રહી છે. આજે, દેશ સશસ્ત્ર દળોમાં દીકરીઓની વધુ ભૂમિકાઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે, સૈનિક શાળાઓમાં દીકરીઓનો પ્રવેશ શરૂ થઈ ગયો છે.
મોટાભાગના સ્થાનિક ઉત્પાદનોની સત્તા મહિલાઓના હાથમાં છે: નરેન્દ્ર મોદી
દેશમાં ચાલી રહેલા કુપોષણ સામેના અભિયાનમાં મદદ કરવા વડાપ્રધાને લોકોને વિનંતી કરી હતી. તેમણે બેટી બચાવો બેટી પઢાવોમાં મહિલાઓની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે 'કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ અભિયાન'માં લોકોની ભાગીદારી માટે જણાવ્યું હતું. 'વોકલ ફોર લોકલ' એ અર્થતંત્ર સાથે સંબંધિત એક મોટો વિષય બની ગયો છે, પરંતુ તેનો મહિલા સશક્તિકરણ સાથે ઘણો સંબંધ છે, એમ વડા પ્રધાને જણાવ્યું હતું. મોટાભાગના સ્થાનિક ઉત્પાદનોની સત્તા મહિલાઓના હાથમાં છે, એમ તેઓએ જણાવ્યું હતું.
આયુષ્યમાન કાર્ડ હેઠળ 2400 થી વધારે હોસ્પિટલમાં દેશના 10 કરોડ ગરીબ પરિવારોને વિનામૂલ્યે સારવાર આપી
નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી અમૃતમ યોજનાનું નામ આજે આયુષ્યમાન ભારત યોજના નામકરણ કરી 4 કરોડ 70 લાખ ગરીબ બહેનોના સ્તન સ્ક્રીનીંગ ટેસ્ટની તપાસ કરાવડાવી છે. 1.66 કરોડ સર્વાઇકલ કેન્સરની તપાસ થઇ છે. આયુષ્યમાન કાર્ડ હેઠળ 2400થી વધારે હોસ્પિટલમાં દેશના 10 કરોડ ગરીબ પરિવારોને વિનામૂલ્યે સારવાર આપી છે. છેવાડાના ગામડાની બહેનો આયુષ્માન કાર્ડ લઇ સ્વાસ્થ્ય સેવા મેળવે છે. નરેન્દ્ર મોદીએ આ યોજનાનો પ્રારંભ કર્યો અને ઈચ્છા શક્તિ અને ઈરાદાથી આજે આ વિશાળ દેશમાં આયુષ્યમાન અમલી બની. દોઢ વર્ષમાં કોરોના વેકસીન પણ આ ઈરાદાથી જ મળી છે.
આ પણ વાંચો : International Women's Day: પાટણમાં આશાવર્કર મહિલાઓએ પોતાની આશાપુરી કરવા માંગ કરી
સરકારના પ્રયત્નથી 12 લાખ આંગણવાડીઓને પગલે 40 કરોડ મહિલાને લાભ મળ્યો
સરકારના 18 મંત્રાલયો મહિલા અને બાળ વિકાસના માધ્યમથી પોષણ અભિયાનમાં દરેક પોતાની સેવા આપે છે. સરકારના પ્રયત્નથી 12 લાખ આંગણવાડીઓને પગલે 40 કરોડ મહિલાને લાભ મળ્યો છે. દેશમાં 8.30 લાખ આંગણવાડી કાર્યકર્તાઓને ભારત સરકારના સૌજન્યથી મોબાઇલ ફોન આપી ટેકનોલોજીથી પોષણ અભિયાનનું સરવૈયું રાખી શકે છે. 10 લાખથી વધુ આંગણવાડી બહેનોની તાલીમ પોષણ અભિયાન હેઠળ અપાઇ છે.
વિવિધ અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા
આ સંમેલનમાં (Mahila Sant Sammelan in Kutch) શિક્ષણ રાજ્યપ્રધાન કિર્તીસિંહ વાઘેલા, સાંસદ વિનોદ ચાવડા, અગ્રણી કેશુભાઇ પટેલ, મહેન્દ્ર પટેલ કલેક્ટર પ્રવિણા ડી.કે, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કનક ડેર, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર શાહ, ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ, અધિક આરોગ્ય જિલ્લા અધિકારી પ્રેમકુમાર કન્નર તેમજ વિવિધ પ્રાંતની સાધ્વીઓ અને મહિલા મોર્ચાના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.