કચ્છ : કચ્છમાં શિયાળાની શરૂઆત થઈ છે અને ખેડૂતોએ પણ રવી પાકની વાવણી કરેલ છે. ત્યારે કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 30182 હેક્ટરમાં રવીપાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં મુખ્યત્વે ઘઉં, ઘાસચારો, રાઈ, જીરું, ધાણા, વરિયાળી, શાકભાજી જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.
30,182 હેક્ટરમાં રવી પાકોનું વાવેતર : કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે 100 ટકાથી પણ વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે કચ્છના ખેડૂતોએ શિયાળાની ઋતુમાં રવીપાકોનું ઉત્પાદન સારા પ્રમાણમાં થશે તેવી આશાથી જુદાં જુદાં રવીપાકોનું વાવેતર કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં જિલ્લા ખેતીવાડી કચેરીથી મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 30,182 હેક્ટરમાં રવીપાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.
13220 હેક્ટરમાં રાઈનું વાવેતર : કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ મુજબ 166488 હેક્ટરમાં વાવેતર થતું હોય છે. જેમાં આ વર્ષે સૌથી વધારે 13220 હેક્ટરમાં રાઈનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યાર બાદ 7320 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે. જ્યારે ઘઉંનું 4093 હેક્ટરમાં જ વાવેતર થયેલું છે. તો આગામી સમયમાં જુવાર અને મકાઈના પાકનું વાવેતર કરવામાં આવશે. જિલ્લામાં 2280 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે.
સૌથી વધુ કયો પાક લેવાય છે : સામાન્ય રીતે 1,66,488 હેક્ટરમાં રવી પાકોનું વાવેતર થતું હોય છે. કચ્છ જિલ્લામાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ રવી પાકો અંગે વાત કરવામાં આવે તો દર વર્ષે કચ્છના ખેડૂતો દ્વારા શિયાળા દરમિયાન રવીપાકોમાં ઘઉં, જુરું, રાઈ, ધાણા, લસણ, ઘાસચારો, જુવાર, મકાઈ જેવાં પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે. 1,66,488 હેક્ટરમાં વાવેતર થતું હોય છે તેેમાં સૌથી વધારે રાઈ, ઘઉં, જીરુંના પાકોનું વાવેતર થતું હોય છે.
આ વર્ષે સારા પ્રમાણમાં વાવેતર થશે : ચાલુ વર્ષે બીજા રાઉન્ડમાં તેમજ બિપરજોય વાવાઝોડા દરમિયાન વરસેલા સારા વરસાદના લીધે ખેડૂતોએ આ વર્ષે અત્યાર સુધીમાં સારા પ્રમાણમાં વાવેતર કર્યું છે. આ ઉપરાંત અનેક જગ્યાએ હજી પણ આગામી 1 માસ સુધી ખેડૂતો રવીપાકોનું વાવેતર કરશે. એટલે પાછોતરા સમયમાં પણ ઘઉં, મકાઈ, રાઈ જેવા પાકોનું વાવેતર કરવામાં આવશે. દર વર્ષે જેટલું રવીપાકોનું વાવેતર થતું હોય છે એટલા પ્રમાણમાં પણ આ વર્ષે થશે તેવી આશા છે.
અબડાસા તાલુકામાં સૌથી વધુ વાવેતર : કચ્છ જિલ્લાના 10 તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 30182 હેક્ટરમાં રવીપાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે વાવેતર અબડાસા તાલુકામાં 9820 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. અને ત્યાર બાદ ભુજ તાલુકામાં 8767 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, તો સૌથી ઓછું ગાંધીધામ તાલુકામાં માત્ર 110 હેક્ટરમાં જ શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
કચ્છમાં કેટલા હેક્ટરમાં કયા પાક : રવી પાક વાવેતરમાં રાઈ 13220 હેકટર, ઘઉં 4093 હેકટર, જીરું 1214 હેકટર, ચણા 150 હેકટર, ધાણા 383 હેકટર, ડુંગળી 170 હેકટર, ઘાસચારો 7320 હેકટર, શાકભાજી 2280 હેકટર, વરિયાળી 890 હેકટર અને ઇસબગુલ 427 હેકટર.
તાલુકા પ્રમાણે કેટલા હેક્ટરમાં વાવેતર : કચ્છ જિલ્લામાં તાલુકાદીઠ વાવેતરમાં રાપર 1400 હેક્ટર, ભુજ 8767 હેક્ટર,અબડાસા 9820 હેક્ટર,ભચાઉ 2425 હેક્ટર,માંડવી 900 હેક્ટર,અંજાર 2000 હેક્ટર, નખત્રાણા 4070 હેક્ટર,મુન્દ્રા 440 હેક્ટર,ગાંધીધામ 110 હેક્ટર અને લખપત 250 હેક્ટર.