કચ્છ : મુન્દ્રા બંદરેથી 9 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર CFSમાં એક ટ્રકમાં 25.110 કિલો કિંમતના 1.44 કરોડના પિસ્તાનો 463 બોરી જથ્થો લઈને ટ્રક ચાલક લવકુશ નિષાદ મુંબઈ જવા નીકળ્યો હતો. મધરાત્રે અંજાર મેઘપર બોરીચી પહોંચેલા આ ટ્રક ચાલકને એક સફેદ કારમાં આવેલા ચાર શખ્સોએ બંદુકની અણીએ ટ્રક અને જથ્થાની લૂંટ ચલાવી હતી. આરોપીઓએ મોબાઈલ ફોન છીનવી લઈને ટ્રકચાલકને કલાકો સુધી કારમાં ફેરવ્યો હતો. બીજી તરફ અન્ય આરોપીઓએ આ ટ્રકમાં રહેલા પિસ્તાના જથ્થાને સગેવગે કરી દીધો હતો. સમગ્ર લૂંટની કામગીરી પૂર્ણ થતા આરોપીઓએ ટ્રક ચાલકને અંજારથી થોડે દુર છોડી મૂકયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે GPSના આધારે ટ્રકને ગાંધીધામના મીઠીરોહર ગામ પાસેથી શોધી કાઢયો હતો.
- આ પણ વાંચો : થરાદના દુધવા ગામ પાસે લૂંટના બનાવનો ભેદ ઉકેલાયો, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો
અંજાર નાયબ પોલીસ વડા ડી.એસ.વાઘેલાએ જણાવ્યું હતું કે, આ કેસમાં એક સગીર આરોપી અને મુખ્ય સૂત્રધાર રીકીરાજસિંહ લગધીરસિંહ સિંધલને ઝડપી લેવાયા છે. તેમજ આરોપીને સાત દિવસના રિમાન્ડ પર લેવાયો છે. લૂંટના મુદ્દામાલ પૈકી મહેસાણાના કડી અને દહેગામમાંથી રૂપિયા 1.33 કરોડની પિસ્તાના બોરીઓ પરીવહનમાં વપરાયેલી ટ્રક અને કાર કબ્જે લેવામાં આવી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આ લૂંટના કેસ બાદ પોલીસે એક સગીર આરોપીને ઝડપી લીધો હતો. જેની તપાસમાં રીકીરાજસિંહનું નામ ખુલ્યું હતું. મુન્દ્રા પોર્ટમાં કામ કરતા એક આરોપીએ આ ટ્રકની માહિતી આપી હતી અને રીકીરાજસિંહે અન્ય સાત આરોપીની ગેંગ બનાવીને આ લૂંટને અંજામ આપ્યો હતો.