- તૌકતે વાવાઝોડાની સૌથી વધુ અસર જખૌ બંદર થવાની શક્યતા
- જખૌ બંદર કિનારે રહેતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ
- માછીમારી માટે ટોકન આપવાનું પણ બંધ કરવામાં આવ્યું
- અગમચેતીના ભાગરૂપે માછીમારોને અન્ય સ્થળે સુરક્ષિત સ્થળાંતર કરાવવું જરૂરી
કચ્છઃ અબડાસાનું જખૌ બંદર ખુબ જ મહત્વનું છે. આ વિસ્તારમાં સૌથી વધારે નુકસાન થવાની સંભાવના છે. જખૌ બંદર ખાતે માછીમારો, અગરિયાઓ તેમજ ખૂબ જ મોટા પ્રમાણમાં મજૂરો વસવાટ કરી રહ્યા છે. તેઓને વાવાઝોડા સમયે અગમચેતીના ભાગરૂપે અન્ય સ્થળે સુરક્ષિત સ્થળાંતર કરાવવું જરૂરી છે અને તેમને હાલમાં માછીમારી માટે ટોકન આપવાનું પણ બંધ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડા સામે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ: પ્રદીપસિંહ જાડેજા
સ્થળાંતર કરવાપાત્ર વ્યક્તિઓ માટે અલગથી આશ્રય સ્થળ નક્કી કરાયા
અબડાસા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળાંતર કરવાપાત્ર વ્યક્તિઓ માટે અલગથી આશ્રય સ્થળ નક્કી કરી લેવામાં આવ્યા છે ત્યારે નેશનલ ડિઝાસ્ટર એક્ટ મુજબ થયેલી જોગવાઈઓમાં જ્યારે આવશ્યકતા જણાય ત્યારે કોઈ પણ વિસ્તારમાં અવરજવર બંધ કરી શકાય છે અથવા જરૂર જણાય તો તેઓને અન્ય સ્થળે સુરક્ષિત સ્થળાંતર કરી શકાય છે.
આ પણ વાંચોઃ ભરૂચમાં તૌકતે વાવાઝોડાને પગલે ભાડભૂત ખાતે 300થી વધુ બોટ લંગારાઇ
હજી 34 બોટ અને 170 માછીમારો દરિયામાં છે
અત્યાર સુધીમાં 496 બોટો પરત આવી ગઈ છે. જ્યારે હજી 34 બોટ અને 170 માછીમારો દરિયામાં છે. હજી દરિયામાં ખલાસીઓ સાથે સતત સંપર્ક કરી પરિસ્થિતિનું રાઉન્ડ ધી ક્લોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
તમામ લોકોને સલામત સ્થળ ખાતે સ્થળાંતર કરવાનો આદેશ
જખૌ મરિન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર, અબડાસાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીના સંકલનમાં રહીને 15મેએ 7 વાગ્યા સુધીમાં જખૌ બંદર ખાતે વસતા તમામ લોકોને સલામત સ્થળ ખાતે સ્થળાંતર કરવાનો હુકમ પ્રાન્ત અધિકારી પ્રવીણસિંહ જેતાવતે આપ્યો હતો.
24 ગામોના લોકોને સાવચેતી રાખવા વિનંતી કરાઈ
પ્રાન્ત અધિકારીએ જણાવ્યું હતું કે, 18 મેએ તૌકતે નામનું વાવાઝોડું અબડાસા તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં ટકરવાની સંભાવના છે ત્યારે અબડાસા તાલુકાના કાંઠા વિસ્તારના 24 ગામોના ગ્રામજનોને સાવચેતી રાખવા માટે વિનંતી કરવામાં આવી રહી છે. જ્યારે તંત્ર દ્વારા કહેવામાં આવે ત્યારે નક્કી કરાયેલા આશ્રયસ્થાન પર પહોંચી જાય જેથી કોઈ પણ પ્રકારની જાનહાનીથી બચી શકાય.