કચ્છ: વાયબ્રન્ટ કચ્છમાં કચ્છી કારીગરોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કચ્છની 400 વર્ષ જૂની અને લુપ્ત થતી રોગાન કળાને ફરીથી ઉજાગર કરનારા નિરોણાના રોગાન કળાના પદ્મશ્રી એવોર્ડ વિજેતા કારીગર અબ્દુલગફુર ખત્રીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. અબ્દુલ ગફુર ખત્રીએ રોગાન કળાને ફરીથી શરૂ કરીને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડી છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનેક વખત અબ્દુલ ગફુર ખત્રી દ્વારા બનાવવામાં આવેલ રોગાન કળાના આર્ટપીસ વિદેશી ડેલિગેટ્સને ભેટ સ્વરૂપે આપ્યા છે.
400 વર્ષ જૂની કળા લુપ્ત થતા બચાવી: રાજાશાહી જમાનામાં નખત્રાણા તાલુકાના નિરોણા ગામમાં જ માત્ર અમુક જ જ્ઞાતિની મહિલાઓના પહેરવેશ પર જોવા મળતો છાપકામ (રોગાન) જોવા મળતું હતું. જે પાછળથી એ જ્ઞાતિઓમાં તેવા વસ્ત્રોનું ચલણ બંધ થતાં આ કાળ સાથે સંકળાયેલા કારીગરોની રોજીરોટી પડી ભાંગી હતી. સમય જતાં આ કળાના કારીગરોએ મહામહેનતે ફરી આ કળા શરૂ કરી અને તેમાં સમયની માંગ અનુસાર ફેરફાર કરતા ફરીથી આ કળા ઉજાગર થઈ હતી. છેલ્લા અનેક વર્ષોથી પુન: પોતાના વારસાગત હસ્તકલાને હસ્તગત કરી અબ્દુલગફુર અને તેના પરિવારે પોતાની જૂની પેઢીઓના રાહે હવે વસ્ત્ર પર પોતાની કળા કરતા રોગાનકલામાં એક નવો અધ્યાયનો ઉમેરો કર્યો છે.
હાલમાં એક જ પરિવારના 10 સભ્યો જોડાયા છે આ કળામાં: ખત્રી સમુદાયના કારીગરો સ્થાનિક પશુપાલકોનાં વસ્ત્રો માટે રોગાનકામ કરતા હતા. પરંતુ સમય જતાં મશીનથી બનતાં વસ્ત્રો વધુ પરવડે તેવા વિકલ્પ મળી જતા ખત્રી સમુદાયના યુવાનોને આ કલામાંથી રસ સાવ ઊડી ગયો હતો, પરંતુ અબ્દુલગફુર અને તેના પરિવારે 1985માં પુન: રોગાનકલાને જીવંત કરી હતી. આજે રોગાન આર્ટની કૃતિઓ દેશમાં જ નહીં સાત સમંદર પાર પણ પહોંચી છે. અબ્દુલગફુરના પરિવારના સભ્યોએ વિક્રમરૂપ કલા પારિતોષિકો પણ પ્રાપ્ત કર્યા છે. પોતાના દાદાની કંડારેલી કેડીએ ચાલી સમયની માંગ મુજબ અબ્દુલગફૂર ખત્રી અને તેમના પરિવારના 10 સભ્યોએ કાપડ પર રોગાનની અવનવી ડિઝાઇન કંડારે છે.
40 વર્ષથી ખૂબ જ સંઘર્ષ કરી કળાને જીવંત રાખી: અબ્દુલભાઇએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લાં 40 વર્ષથી ખૂબ જ સંઘર્ષ કરી આ રોગાન કલાને જીવંત રાખી છે. આ કળાને પુનઃજીવિત કર્યા બાદ આ કલા માટે અનેક એવોર્ડ મેળવી કચ્છ, રાજ્ય અને દેશનું નામ રોશન કર્યું છે. દેશના ગૌરવ સમાન પદ્મ સન્માનથી પણ કારીગર આનંદિત છે. સંઘર્ષ, વડીલોની દુવા, દેશવાસીઓ અને દુનિયાના કલાપ્રેમીઓનો પ્રેમ, ગામના સહયોગ થકી જ તેમની આ કલાની કદર થઇ છે તેને લઇ ખૂબ જ ગૌરવની લાગણી તેઓ અનુભવે છે.
અનેક એવોર્ડ મળ્યા: પર્સિયાની 4 સદી જેટલી જૂની રોગાનકલાનો કમાલ કસબ 8 પેઢીથી ટેરવે ટકાવી બેઠેલા નિરોણાના અબ્દુલગફુર ખત્રી રાષ્ટ્રીય એવોર્ડથી પણ સન્માનિત થઇ ચૂકયા છે. રોગાનકલાએ વસ્ત્ર કલાકારની કલ્પનાશક્તિની કમાલ પર જ આધારિત છે.અબ્દુલગફુરના કુટુંબના 10 કલાકાર સભ્યો 4 રાષ્ટ્રીય,3 MSC, 9 રાજ્યસ્તરના to 2 આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત થઇ ચૂક્યા છે.અબ્દુલગફુરને રોગાન આર્ટને સાચવી રાખવા માટે તેમજ અન્ય લોકોને શીખવાડવા માટે વર્ષ 2019 માં પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
G 20 માં પોતાની કળા દર્શાવવા માટે મળી તક: G 20 ની તમામ બેઠકોમાં રાજ્ય સરકાર તરફથી ખૂબ જ સારું પ્લેટફોર્મ આપવામાં આવ્યું અને આ પ્લેટફોર્મ ને ડિજિટલ પ્લેટફોર્મ કહી શકાય કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરના ડેલિકેટ આવતા તેમની સામે કચ્છની કળાઓને મૂકવાનો મોકો મળ્યો. ગાંધીનગર ખાતે G20 ની મળેલી બેઠકમાં સરકારે નક્કી કરેલું કે સ્થાનિક કલાઓનું પ્રદર્શન કરવાનું છે ત્યારે વર્લ્ડ રેકોર્ડ માટે રોગાન આર્ટની પસંદગી કરવામાં આવી હતી.ચાલુ વરસાદમાં 100 મીટરથી પણ વધુના કાપડ પર 580 જેટલા ટ્રી ઓફ લાઇફની કૃતિ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.21 કલાકની અંદર આ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.