કચ્છઃ વાયબ્રન્ટ સમિટ 2024ની પ્રિઈવેન્ટ તરીકે વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં વાઈબ્રન્ટ કચ્છ નામક બે દિવસીય ઈવેન્ટ યોજાઈ છે. આ ઈવેન્ટમાં કચ્છના ઔદ્યોગિક એકમો સાથે કચ્છના પરંપરાગત કળાના કારીગરોને પણ સ્થાન અપાયું છે. આ કારીગરોમાં સૌથી અગ્રણી છે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ એવા પાબીબેન રબારી. માત્ર 4 ધોરણ સુધીનો અભ્યાસ કરેલા પાબીબેને પોતાની કોઠાસુઝ અને કળાના માધ્યમથી એક અનોખો બિઝનેસ ઊભો કર્યો છે. પાબીબેન હરી જરી વર્કવાળા કવર્સ, બટવા, પરંપરાગત વસ્ત્રો વગેરે બનાવીને વેચે છે. હરી જરી વર્કથી બનેલ આઈટમ્સનું વેચાણ કરીને પાબીબેન રબારીએ કચ્છી ભરતકામને સમગ્ર વિશ્વમાં ખ્યાતિ અપાવીને કચ્છનું ગૌરવ વધાર્યુ છે.
ભાદ્રોઈ ગામથી શરૂઆતઃ કચ્છના અંજાર તાલુકાના ભાદ્રોઈ ગામ ખાતે વિશ્વ વિખ્યાત કારીગર પાબીબેન રબારી રહે છે. પબીબેને 'પાબીબેગ' આઈટમથી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તેમણે પાંચ બહેનો સાથે શરૂ કરેલ આ વેપાર આજે ગામની 300 મહિલાઓે રોજગાર પૂરો પાડે છે. આ મહિલાઓ હરી જરી વર્કથી વ્યક્તિગત તેમજ ઘર વપરાશની ચીજવસ્તુઓ બનાવે છે. આ વ્યવસાયની પ્રોડક્ટ્સના સેલિંગ માટે pabiben.com નામની એક વેબસાઈટ પણ શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પાબીબેન વિવિધ આઈટમ્સનું સેલિંગ કરી રહ્યા છે.
'પાબીબેગ' એક ઈન્ટરનેશનલ પ્રોડક્ટઃ પાબીબેનની હરી જરી વર્ક ડિઝાઈનવાળી બેગો વિદેશમાં ખૂબ પોપ્યુલર છે. ખાસ કરીને અમેરિકામાં 'પાબીબેગ' લોકપ્રિય બેગ ગણાય છે. અમેરિકા સિવાય પાબીબેન દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સ યુકે, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં એક્સપોર્ટ થઈ રહી છે. પાબીબેને પોતાના વેપારને વિસ્તારવા તેમજ ડિમાન્ડને પહોંચી વળવા માટે એક કંપની પણ શરુ કરી છે. છેલ્લાં પાંચ વર્ષોમાં તેમણે પોતાના સમાજના 160 પરિવારોને નોકરી આપી છે.
પ્રેરણાદાયી એન્ટરપ્રિન્યોરઃ પાબીબેન અત્યારે એક પ્રેરણાદાયી એન્ટરપ્રિન્યોર બની ચૂક્યા છે. તેમણે પોતાના વ્યવસાયની સફળતાને લીધે અનેક એવોર્ડસ પણ મળી ચૂક્યા છે. જેમાં 2016માં જાનકીદેવી બજાજ એવોર્ડ, 2018માં ગ્રામીણ વ્યવસાય બદલ રાષ્ટ્રીય એવોર્ડ મુખ્ય છ. આ ઉપરાંત તેમને નાના મોટા 25 એવોર્ડ પણ મળી ચૂક્યા છે. આ ઉપરાંત પાબીબેન 'કોન બનેગા કરોડપતિ' અને 'શાર્ક ટેન્ક ઈન્ડિયા'માં પણ ભાગ લઈ ચૂક્યા છે. પાબીબેને ધી અનુપમ ખેર શોમાં પણ સામેલ થયા હતા.
વાયબ્રન્ટ કચ્છ કાર્યક્રમમાં સરકારે કચ્છના કારીગરોને તક આપી છે. ખાનગી એક્ઝિબિશનમાં મોટો ખર્ચો થાય છે જ્યારે સરકારી કાર્યક્રમોમાં નિઃશુલ્ક સ્ટોલ આપવામાં આવે છે. સરકાર દ્વારા જ માર્કેટિંગ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જેના પરિણામે કારીગરોની કળાને સન્માન અને ઓળખ મળે છે...પાબીબેન રબારી(હરી જરી વર્ક એન્ટરપ્રિન્યોર, કચ્છ)