- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છની મુલાકાતે
- સરહદી ક્ષેત્રે વિકાસ કાર્યક્રમમાં સરપંચો સાથે કર્યો સંવાદ
- સરહદી 3 જિલ્લાના 1500 જનપ્રતિનિધિ જોડાયા
- હોમ મિનિસ્ટર સ્પેશિયલ ઓપરેશન મેડલ એનાયત કર્યા
કચ્છ: જિલ્લમાં આવેલા સફેદ રણ ખાતે ગૂરૂવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દેશભરના સિમાંત વિકાસના કામની શ્રુંખલાનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે, દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર પટેલ દેશની સુરક્ષા માટે જે રસ્તા જણાવ્યા હતા, એ જ રસ્તે ચાલીને ભાજપની કેન્દ્ર સરકાર રાજય સરકારોના સહકાર સાથે સરહદીય ક્ષેત્ર વિકાસ માટે કામ કરી રહી છે. જો સરહદ સુરક્ષિત હશે, તો આંતરિક સુરક્ષા મજબુત બનાવી શકાશે અને જો આંતરિક સુરક્ષા મજબુત હોય તો જ વિકાસની કલ્પના થઈ શકે છે.
સરકારી યોજનાઓની માહિતી અને BSFના વિવિધ વિભાગોની માહિતીના પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું
ગૃહપ્રધાન અમિત શાહ બુધાવારે મોડીરાત્રે ભુજ પહોંચ્યા હતા. જે બાદ ગૃહપ્રધાન અમિત શાહ ગુરૂવાર સવારે સીધા જ ધોરડો સફેદ રણ ખાતે પહોંચ્યા હતા. પ્રથમ તેમને સરકારી યોજનાઓની માહિતી અને BSF સહિતના વિવિધ વિભાગોની માહિતીના પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું હતું. જે બાદ સાંસદથી સરપંચો સુધીના જનપ્રતિનિધીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.
બોર્ડર એરીયા ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં 1,500 જનપ્રતિનિધિઓએ લીધો ભાગ
બોર્ડર એરીયા ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણના ગામના સાંસદથી સરપંચથી સુધીના જનપ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કચ્છના 106, પાટણના 35 અને બનાસકાંઠાના 17 મળી કુલ 158 ગામના 1,500 જેટલાં જનપ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. અમીત શાહે દિવાળીના તહેવારોમાં પણ 96 ટકા લોકોની હાજરીને પ્રશંસનિય ગણાવી હતી.
કચ્છના વિકાસનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કચ્છની જનતાને આપ્યો
ગૃહપ્રધાન અમિત શાહે ભારત માતા કી જયનો નારો બુલંદ અવાજે સામેપાર પહોંચવો જોઈએ તેમ જણાવીને હિન્દીમાં સંબોધન કર્યું હતું. અમિત શાહે જણાવ્યુ હતું કે, આશાપુરા માતા અને કાળાડુંગર પર બિરાજમાન દતાત્રેય ભગવાનની કૃપાથી કચ્છની સરહદ હંમેશા સુરક્ષિત રહી છે. આ સાથે અમિત શાહે દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી. ભૂકંપ બાદ કચ્છના વિકાસ-પુનર્વસનને નિહાળી આનંદ અને સંતોષ વ્યક્ત કરતા આમિત શાહે આ વિકાસનો તમામ શ્રેય તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કચ્છની જનતાને આપ્યો હતો. આ સાથે અમિત શાહે જણાવ્યું કે, આ વિકાસે સરહદને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. ત્યારે સજાનો જિલ્લો હવે મજાનો જિલ્લો બની ગયો છે. મુખ્યપ્રધાનની કચેરી ખાતે કચ્છ આવવા માટે અધિકારીઓ પડાપડી કરી રહ્યા છે.
મેટ્રો સિટી જેવા લાભ પહોંચાડવા સીમાંત ક્ષેત્ર વિકાસોત્સવ શરૂ કરાયો
અમિત શાહે વિકાસ અને જવાબદારી સારી રીતે નિભાવતા હોવાનું જણાવતા કહ્યું કે, સરહદી વિકાસના આ કામો માત્ર ગુજરાત પૂરતા નહીં પણ સમગ્ર દેશના સરહદી ગામો સુધી પહોંચશે. સરહદના ગામોમાં રોજગારી સુવિધા વિકાસ મળે તો હિજરત અટકી જશે. રોજગાર વિકાસ સુરક્ષા અને રાષ્ટ્રભાવના માટે આ ચૌમુખી કામ થઈ રહ્યું છે. શિક્ષણ, રોજગાર, આરોગ્ય, કનેક્ટિવિટિ વગેરેની સુવિધા જેમ મેટ્રો સિટીમાં છે, તેવા જ લાભ પહોંચાડવાના હેતુથી સીમાંત ક્ષેત્ર વિકાસોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. સરહદની સુરક્ષા સાથે દેશના વિકાસ માટે આંતરિક સુરક્ષા જરૂરી છે. એટલે જ સીમાઓને એટલી અભેદ બનાવીએ કે ત્યાં ચકલું પણ ફરકી ન શકે. ભાજપની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પર ભરોસો રાખજો, આપણી સીમાઓ પર કોઈ આંખ ઉઠાવીને જોઈ નહીં શકે.
કેન્દ્રીય ગૃહપ્રધાને કોંગ્રેસ સરકારની ખામીઓને ઉજાગર કરી
પાકિસ્તાન સામેના યુદ્ધમાં કચ્છ સરહદે વીર જવાનોની શહાદત અને ભૂજ એરપોર્ટ માટે સતત 3 દિવસ સુધી રન વે બનાવનારી વિરાંગના મહિલાઓને યાદ કરીને કેન્દ્રીય ગૃહપ્રધાને કોંગ્રેસ સરકારની ખામીઓને ઉજાગર કરી હતી. આ સાથે કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું કે, સ્ટેટમેન્ટની જગ્યાએ અમે ઘરમાં ઘૂસીને જવાબ આપ્યો છે. આજે આપણા જવાનો આંખમાં આંખ મિલાવીને જવાબ આપવા સક્ષમ અને અધિકૃત છે. આઝાદી બાદ સરદાર પટેલે જે નિતીઓને જરૂરી ગણાવી હતી, તેને અગાઉની સરકારો સમજી ન હતી, પણ ભાજપ સરકારે સરદારની આ બધી વાતોનો બખૂબી અમલ કરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપ સરકારના શાસનમાં થયેલી કામગીરીના આંકડા આપતા તેમને દાવો કર્યો હતો કે, સરહદની સુરક્ષા અને સરહદી ગામોના વિકાસ માટે ભાજપા સરકારે કામ કરી બતાવ્યું છે.
કોરોના કાળ દરમિયાન દિવાળીના તહેવારોમાં સાવચેતી રાખવાનો કર્યો અનુરોધ
વક્રદ્રષ્ટા નેતા અને તેની ટીમ એમ કહીને કોંગ્રેસના નેતાઓને આડે હાથ લેતા શાહે જણાવ્યુ હતું કે, નરેન્દ્ર મોદી અને ભાજપા સરકાર પર પ્રજાને વિશ્વાસ છે, જે ચૂંટણીઓના પરિણામ પરથી જાણી શકાય છે. આગામી સમયમાં સરહદો પર આવેલી આર્મી હોસ્પિટમાં સરકારી યોજના અંતર્ગત સામાન્ય જનાતને પણ સરાવાર મળશે. આ સાથે કોરોના કાળ દરમિયાન દિવાળીના તહેવારોમાં સાવચેતી રાખવાનો અનુરોધ પણ અમિત શાહે કર્યો હતો.
કચ્છમાં વિશ્વનો સૌથી મોટો 30 હજાર મેગાવોટનો રિન્યુએબલ એનર્જી પાર્ક બનશે
પ્રંસગિક સંબોધનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આગામી સમયમાં કચ્છમાં વિશ્વનો સૌથી મોટો 30 હજાર મેગાવોટનો રિન્યુએબલ એનર્જી પાર્ક ઊભો થવાનો છે. જેનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ સાથે માતા મઢ ખાતે નારાયણ સરોવરના વિકાસ માટે કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
હોમ મિનિસ્ટર સ્પેશિયલ મેડલ એનાયત કરાયા
આ કાર્યક્રમમાં જ ધોરડો અને ઘડુલી અને બનાસકાંઠાના એક ગામના સરપંચે પોતાના ગામોમાં સરહદી વિકાસ કામોથી થયેલી વિકાસના ઉદાહરણ આપીને સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના વરદ હસ્તે દિલધડક ઓપરેશન હાથ ધરી તામિલનાડુના આતંકવાદી ઝફરને ઝડપી લેવા બદલ DIG હિમાંશુ શુક્લા, ATSના SP ઈમ્તિયાઝ શેખ, DySP કે. કે. પટેલ, PI વિજય મલ્હોત્રાનું હોમ મિનિસ્ટર સ્પેશિયલ મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગ્રામ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, કેન્દ્રીય ગૃહસચિવ, સહિતના રાજ્ય-કેન્દ્રના વિવિધ વરિષ્ઠ અધિકારઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ સાંજના સમયે ભુજ કલેક્ટર કચેરી ખાતે સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
માતાના મઢ ખાતે કર્યા આશાપુરા માતાના દર્શન
કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહ અને મુખ્યપ્રધાન રૂપાણીએ દેશદેવી આશાપુરા માતાના મંદિરે માથુ ટેકવ્યું હતું. આ સાથે ઉપસ્થિત મહાનુભાવોએ આશીર્વાદ મેળવી આશાપુરા માતાજીને મંત્રપુષ્પાંજલી અર્પણ કરી દૂર્ગા પૂજા અને પંચવટી આરતીમાં ભાગ લઇને ધન્યતા અનુભવી હતી. મંદિરના રાજપુરોહિત દેવકૃષ્ણ વાસુ દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. જે બાદ મંદિરના મહાત્મ્ય અંગે જાણકારી મેળવી મંદિરના મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહજીની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મહેમાનોનું સન્માન કરાયું
આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, સ્થાનિક આગેવાનો, જાગીરના ટ્રસ્ટી હનુમંતસિંહજી બાવા, ખેંગારજી જાડેજા, વિનોદ સોલંકી તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે માતાના મઢ ગ્રામ પંચાયતના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા અને જાગીરના ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેર સહિતનાઓએ મહેમાનોનું સન્માન કર્યું હતું.