- જમીન કૌભાંડ મામલે CID ક્રાઇમ દ્વારા આરોપીની કરાઈ ધરપકડ
- કુલ 7 લોકો પાસેથી 22 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી
- ફરિયાદી દ્વારા CID ક્રાઈમ પાસે તપાસની અરજી કરાઈ હતી
કચ્છ : વર્ષ 2011માં કુલ 7 લોકો પાસેથી જમીનના રોકાણ બાબતે આવાસ લોજિસ્ટિક પાર્ક પ્રાઇવેટ લિમિટેડ તેમજ સીલેન્ડ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ લાયજા ગામમાં 40 હજાર કરોડથી વધારે રકમનો પ્રોજેક્ટ લઇને આવે છે, એવું કહીને સ્થાનિકે આપેલી જમીનના ખોટા દસ્તાવેજો કરીને મામલતદાર કચેરીના ખોટા સિક્કા મારી નકલી સાટાખત બનાવી તથા નોટરીના ખોટા સહી કરીને 22 કરોડ જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. જેને લઈને આજે શુક્રવારે CID ક્રાઈમ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ફરિયાદી દ્વારા CID ક્રાઈમની તપાસ માટે અરજી કરાઈ હતી
સમગ્ર પ્રકરણમાં ખૂબ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાથી આ મામલાની CID ક્રાઈમ દ્વારા તપાસ થાય અને આરોપીઓના આઈટી રિટર્ન તથા બેંક ખાતાઓની તપાસ થાય તો ખૂબ મોટું આર્થિક કૌભાંડ બહાર આવે તેમ છે તેમ જણાવીને ફરિયાદી દ્વારા આ મામલે હવે મક્કમતાથી કાનૂની રાહે આગળ વધવાનું ચીમકી પણ અપાઇ હતી અને CID ક્રાઈમમાં અરજી કરી હતી.
CID ક્રાઇમ દ્વારા ભુજમાં આવેલા પ્રભુ રામ ગઢવીની ધરપકડ કરવામાં આવી
પ્રાથમિક માહિતી પ્રમાણે, કચ્છમાં બહુચર્ચિત લાયજા જમીન કૌભાંડ મામલે હાઇકોર્ટ દ્વારા ગુનો દાખલ કરવાની સૂચના બાદ આજે વિધિવત રીતે સંબંધિત જમીન કૌભાંડ મામલે પ્રભુ રામ ગઢવી, જમીન દલાલ રમેશ ગુસાઈ અને કરસન કેસવ ગઢવી એમ ત્રણ ઈસમો સામે વિધિવત રીતે FIR દાખલ કરાઇ હતી. એ સાથે જ CID ક્રાઇમ દ્વારા ભુજમાં રહેતા પ્રભુ રામ ગઢવીની ધરપકડ કરવામાં આવી છે.
આગામી દિવસોમાં આ પ્રકરણ ફરી ચકચાર સર્જે તેવી શક્યતા
નોંધનીય છે કે, આ કથિત કૌભાંડ મામલે ડુંમરાના જયંતિ ઠક્કરના ભાણેજ મૂળ વાયોરના પરંતુ આદિપુર રહેતા કુશલ મુકેશ ઠક્કરે રૂપિયા 4.67 કરોડની ઠગાઈ થયાની ફરિયાદ આપી હતી. તો આ ફરિયાદના મામલે અનેક પ્રકારના ચડાવ-ઉતાર પણ આવ્યા છે. જેમાં આ ઠગાઈ મામલે જે તે સમયે મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર ચારણ ગઢવી સમાજના પ્રમુખ વિજયભાઇ ગઢવીને પણ ધમકી અપાયાની ઘટના થોડા દિવસ પહેલા જ બની હતી. હવે આ મામલે વિધિવત રીતે ગુનો દાખલ થયાની સાથે મુખ્ય સૂત્રધાર મનાતા પ્રભુ રામ ગઢવીની ધરપકડ થતાં આગામી દિવસોમાં આ પ્રકરણ ફરી ચકચાર સર્જે તેવી શક્યતા જોવાઈ રહી છે.