બુધવાર સવારથી કચ્છના માંડવી મુંન્દ્રા સહિત ભુજમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે વિવિધ તળાવ અને ડેમમાં નવા નીરની આવક થઈ છે. સત્તાવાર આંકડાઓ મુજબ, અંજારમાં 10 mm, ભુજમાં 5 mm અને માંડવીમાં 17 mm વરસાદ નોંધાયો છે .
ભુજ હવામાન કચેરીના અધિકારી રાકેશકુમારના જણાવ્યાં મુજબ, "અપર એર સાયક્લોનિક સરક્યુલેશન છવાયેલું છે. જેને પગલે આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે. જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. કચ્છમાં મેઘરાજાની કૃપાથી જિલ્લાનો સરેરાશ વરસાદ 121 ટકાને પાર કરી ગયો છે. જેથી ત્રણ વર્ષ સુધી દુષ્કાળ અને અછતની પરિસ્થિતિ સહન કરનારા કચ્છમાં મેઘરાજાની કૃપાથી અનેરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વર્ષ 2020ના આંકડા અનુસાર કચ્છના તમામ તાલુકામાં કુલ 401 મીલીમીટર વરસાદ નોંધાયો છે. આ વર્ષે કચ્છમાં અત્યાર સુધી 476 mm વરસાદ એટલે કે, 121 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કચ્છના અબડાસા તાલુકામાં 668 અંજાર તાલુકામાં 434 mm, ભચાઉ તાલુકામાં 498 mm, ભુજમાં 439 mm, લખપતમાં 502 mm, માંડવીમાં 489 mm, નખત્રાણામાં 605 mm, રાપરમાં 584 mm , ગાંધીધામમાં 396 mm અને મુંન્દ્રામાં 319 mm વરસાદ નોંધાયો છે.