નર્સનો મુખ્ય ઉદેશ્ય સેવા ચાકરી કરવાનો હોય છે. મેડીકલ જગતમાં નર્સ જયારે પગલાં પાડે છે, ત્યારે તેને સેવાનો ડોઝ પીવડાવવામાં આવે છે. બીમારની સુશ્રૃષા કરવામાં પાછું વળી જોવાનુ નહિ, બસ આ જ શીખને સેવાનો મંત્ર ગણી અદાણી સંચાલિત ભૂજની જી. કે. જનરલ સિવિલ હોસ્પીટલના મહિલા વોર્ડમાં 2 માસથી એક વૃદ્ધાની નર્સ દ્વારા અનોખી સેવા થઈ રહી છે.
હોસ્પિટલનો નર્સ સ્ટાફ એક વૃધ્ધાની તમામ દૈનિક પ્રવૃત્તિ સ્વજનની માફક કરાવે છે. ભૂજની પડખે આવેલા માધાપર ગામના 67 વર્ષીય ગીતા કંસારાને નાદુરસ્ત હાલતમાં પાડોશીઓએ હોસ્પિટલમાં સારવાર માટે છોડી ગયા હતા. પરંતુ, ત્યારબાદ કોઈ સ્વજન કે અન્ય તેમની સંભાળ ન લેતા હોસ્પિટલની નર્સોએ સંભાળ લેવાનું શરુ કર્યું હતું. સદંતર પથારીવશ આ વૃદ્ધાને સિસ્ટર અને બ્રધર્સ એ પોતીકા ગણી તેમને ખાવા-પીવા અને નવડાવવા- ધોવડાવવાથી માંડીને તમામ કાળજી સુધ્ધા લીધી છે. મેડીસીન રેસીડેન્ટ ડો. પુજા નંદાનીયાએ કહ્યું કે, તેમને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, ત્યારે પાર્કીઝમ(શરીરમાં ધ્રુજારી આવવી) અને પેશાબમાં લોહી આવતું હતું
હવે સારવાર બાદ પરિસ્થિતિ યથાવત બનતા એમના નિકટજનોને જાણ કરી છતાં કોઈ પૃચ્છા કરતું ન હોવાથી હજી આ હોસ્પિટલનાં જ આશરે છે. નર્સિંગ સ્ટાફની સાથે આ જ ફીમેલ વોર્ડમાં અન્ય બીમાર દર્દીના બરદાસી એવા સુલ્તાના મ્યાત્રા પણ પાડીશીને નાતે તેમની વારંવાર સંભાળ લેતા. હોસ્પિટલનાં સિસ્ટર્સ અને બ્રધર્સ ભરત ડાંગર, રશ્મી વાઘેલા, આયલ ગોસ્વામી, શિવાંગી ગોસ્વામી તથા બેઝીન પરમાર સહિત નર્સિંગ સ્ટાફ સેવા-સુશ્રૃષા કરે છે.