ભૂજમાં ગટર, રોડ અને પાણી મુદ્દે શહેરીજનો ત્રસ્ત બન્યાં છે. ભૂજના કોડકી ચાર રસ્તા પાસેની ગટર સમસ્યાનો ઉકેલ લાવવાની માંગણી કરી છે. વિકાસના કાર્યો અટક્યા હોવાનું ખુદ સત્તાપક્ષના સભ્યો સ્વીકારી રહ્યાં છે. ભાજપના નેતાઓની આંતરિક લડાઈના પરિણામે કામો અટક્યા છે. સત્તાપક્ષનું જ એક જૂથ ભ્રષ્ટાચાર આચરવામાં પક્ષના સંગઠનને પણ ગાંઠતુ નથી. ભૂજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય ભૂજની ગટર સમસ્યા મુદ્દે મુખ્યપ્રધાને ફરિયાદ કરવા મજબૂર બન્યાં છે.
શહેરમાં પાણીની સમસ્યાએ માઝા મૂકી છે. ત્રણથી ચાર દિવસે પાણી આવતું હોવાની બૂમો પડી રહી છે, તેમાંય ગટર મિશ્રિત પાણી આવવાની ફરિયાદો પણ વધી છે. ઉપરાંત ગટરો ઉભરાઈ જવી, ગટરલાઈનમાં ભંગાણ, બદહાલ રસ્તાના કારણે ભૂજના વિકાસની પોલ ખૂલી રહી છે. આ મુદ્દે શાસક પક્ષના જ બે જૂથ સામસામે આવી ગયા છે, કોંગ્રેસ પણ તેનો લ્હાવો લેવાનું ન ચૂકતા ભાજપ પર આકરા પ્રહાર કરી નગરપાલિકાને સરકારમાં સુપરસીટ કરવા માટે જણાવી રહ્યું છે.