કચ્છ : જિલ્લાના અબડાસાના જખૌના કોસ્ટ વિસ્તારમાંથી અવારનવાર પાકિસ્તાનથી દરિયાઈ મોજામાં તણાઈ આવીને કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતો હોય છે. તો બીજી બાજુ લખપતમાં આવેલા લક્કી નાળા માંથી પણ છેલ્લાં ઘણા સમયથી જાણે દરિયાકિનારો ચરસનો હબ બન્યું હોય તે રીતે સતત વિવિધ સુરક્ષા એજન્સીઓને ચરસના પેકેટ મળી રહ્યા છે. ત્યારે આજે ફરી અહીંના બકલ બેટ પરથી એજન્સીઓને ચરસના 5 પેકેટ મળી આવ્યા છે.
એક પેકેટનું વજન આશરે 1 કિલોગ્રામ : લખપતના દરિયાઈ વિસ્તારમાં NIU અને બીએસએફની ટીમ પેટ્રોલિંગ કરી હતી, તે દરિમયાન ચરસના 5 પેકેટ મળી આવ્યા હતા. 5 પેકેટ પ્લાસ્ટિકના કોથળા માંથી મળી આવ્યા હતા. ચરસના દરેક પેકેટનું વજન આશરે 1 કિલો જેટલું છે. તો દરેક પેકેટ પર ડેલ્ટા પ્લેટિનમ કોફી પ્રિન્ટ કરેલું છે.
દરિયાઇ વિસ્તારમાંથી સતત ચરસ મળી રહ્યું : NIU અને બીએસએફના જવાનોએ ચરસના પેકેટને લઈને વધુ તપાસ હાથ ધરી છે. તો લખપતના કોસ્ટ વિસ્તારમા આવેલા દરિયા કાંઠા તેમજ બેટ પર ક્રીક અને નાળા વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, 15મી ઓગસ્ટથી સતત કચ્છના દરિયાઈ વિસ્તાર માંથી કેફી દ્રવ્યોનો જથ્થો વિવિધ સુરક્ષા એજન્સીઓને મળી રહ્યો છે.આ ઉપરાંત જખૌના જ દરિયાઈ વિસ્તારમાંથી બે વખત વિસ્ફોટક સેલ પણ મળી આવ્યા છે.