ભુજઃ નવરાત્રિ તહેવારમાં બાળકોથી લઈને મોટેરાઓ અપાર ઉત્સાહથી જોડાય છે. ગરબા કરી માતાની આરાધના કરવાનો આ અવસર સૌ કોઈ મન મુકીને માણે છે. નવરાત્રિમાં નવે દિવસ રોજ નવા અને વિશિષ્ટ કપડા પહેરવાનો ક્રેઝ પણ ખેલૈયાઓમાં જોવા મળે છે. ખાસ કરીને ટ્રેડિશનલ ડ્રેસીસ ખેલૈયાઓમાં હોટ ફેવરિટ છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ ટ્રેડિશનલ ડ્રેસનો ક્રેઝ સૌથી ટોપ પર છે. ભુજ શહેરમાં ખેલૈયાઓ નવરાત્રિ શોપિંગમાં ટ્રેડિશનલ ડ્રેસીસની શોપિંગ કરી રહ્યા છે. ભૂજમાં ટ્રેડિશન વેર માટેના આ ક્રેઝના પરિણામે અમદાવાદના 20થી વધુ વેપારીઓ ટ્રેડિશનલ ડ્રેસીસ લઈને આવી પહોંચ્યા છે. શહેરના તાલુકા પંચાયત પાસેના માર્ગો પર આ વેપારીઓ સ્ટ્રીટ બિઝનેસ કરી રહ્યા છે.
વિવિધ ટ્રેડિશનલ ડ્રેસઃ ટ્રેડિશનલ ડ્રેસીસ એટલે કે ભાતીગળ કપડાં. જેમાં સૌથી અગ્રીમ છે ગુજરાતી અને રાજસ્થાની વેશભૂષા. જેટલો ડ્રેસ વિવિધતાથી ભરેલો તેટલો તે વધુ એટ્રેકટિવ બને છે. આ ડ્રેસીસમાં ચણિયા ચોળી, ડીઝાઈનર કુર્તા, ભરતવાળા કેડિયા, આભલા ભરેલી કોટી, એમ્બ્રોડરીવાળા ટોપ, બાંધણી સરારા, ડબલ ઘેરવાળી ચણિયા ચોળી, સનેડો, મીરરવર્ક કલોથ્ઝ વગેરેનો સમાવેશ થાય છે. ટ્રેડિશનલ ડ્રેસીસમાં હવે તો કપડા સિવાય પાઘડી, સાફા, વીગ, ડિઝાઈનર મોજડી, જ્વેલરી પણ ઉમેરાયા છે. આ એક્સેસરી પણ હવે ટ્રેડિશન વેરમાં સામેલ થઈ ગઈ છે.
અમદાવાદથી અમે છેલ્લા 20 વર્ષોથી ભુજમાં વેપાર કરવા આવીએ છીએ. ટ્રેડિશનલ વેરની આ તમામ વેરાયટીઓ અમે જાતે બનાવીએ છીએ. તેની સિલાઈ, ભરતકામ બધું જ અમે તૈયાર કરીએ છીએ. હાલમાં ભૂજમાં લોકમેળો ચાલી રહ્યો છે એટલે ઘરાકી થોડીક ઓછી છે, પણ આશા છે કે મેળો પૂરો થઈ ગયા બાદ ગ્રાહકોની સંખ્યા વધશે. હાલમાં 1000થી લઈને 3000 રૂપિયા સુધીની અવનવી વેરાયટીઝ અમારી પાસે છે...ઘનશ્યામ ભરાડિયા(વેપારી, ભુજ)
અદભુદ કલા કારીગરીઃ ટ્રેડિશનલ વેરનું નિર્માણ સામાન્ય નથી. આવા પરંપરાગત ભાતીગળ કપડાની તૈયારીમાં ઉત્તમ કલા કારીગરી જોવા મળે છે. આવા કપડાને ખાસ પ્રકારના કારીગરો તૈયાર કરતા હોય છે. આ કલાકારોની કોઠાસૂઝ અને કારીગરીને દાદ દેવી પડે. તેમના દ્વારા તૈયાર કરાયેલા કપડા એક એકથી ચડિયાતા હોય છે. ખેલૈયાઓને પસંદગી કરવામાં મુંઝવણ પડતી હોય છે કે કયા કપડા ખરીદવા. આ કારીગરોનો મુખ્ય રોજગાર ટ્રેડિશલ ડ્રેસીસ પર જ આધારિત છે.